મુંબઈમાં સતત ૮ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ-ઇન્સ્પેક્ટરોની બદલી ચૂંટણીપંચના નિર્દેશો મુજબ કરવામાં આવી છે.
મુંબઈ પોલીસ દળ
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી દરમ્યાન મુંબઈ પોલીસ દળના ૨૪૫ પોલીસ-ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. મુંબઈમાં સતત ૮ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ-ઇન્સ્પેક્ટરોની બદલી ચૂંટણીપંચના નિર્દેશો મુજબ કરવામાં આવી છે. અગાઉ પણ ચૂંટણીપંચની સૂચના મુજબ ૧૧૧ પોલીસ-ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી. ચૂંટણીપંચની સૂચના મુજબ ૨૪૫ અધિકારીઓની બદલીથી ચૂંટણીની કામગીરી પર અસર થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક બાજુ મુંબઈમાં નવા પોલીસ-ઇન્સ્પેક્ટર આવવા તૈયાર નથી ત્યારે ચૂંટણી હોવાથી નવા પોલીસ-ઇન્સ્પેક્ટરોને મુંબઈની પ્રક્રિયા સમજવામાં સમય લાગશે. ચૂંટણીપંચે મુંબઈમાં પોલીસ અધિકારીઓની બદલી વિશે રાજ્ય પોલીસ દળને સૂચના આપી હતી એ મુજબ મુંબઈના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરો અને પોલીસ-ઇન્સ્પેક્ટરોની મુંબઈ બહાર બદલી કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી દરમ્યાન કમિશને રાજ્ય સરકારને અધિકારીઓની બદલી વિશે સૂચના આપી હતી. જોકે રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું નહોતું. આથી થોડા દિવસો પહેલાં ચૂંટણીપંચે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતાં પહેલાં રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.