ગુજરાતની બૉર્ડર પર આવેલા આ જિલ્લાની ચારેય બેઠક પર આ વખતની ચૂંટણીમાં પણ આ પરિવારના ઉમેદવારો
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતની બૉર્ડર પર આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠક છે. ૧૯૨૩માં ફૉરેસ્ટ રેન્જરની નોકરી કરતા દામજી પોસલ્યા ગાવિત બ્રિટિશ સરકારના શાસનમાં પહેલી વખત વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. આદિવાસી સમાજનો અવાજ ભારતના લોકો સુધી પહોંચે એ માટે દામજી ગાવિતને તક આપવામાં આવી હતી. ભારત સ્વતંત્ર થયા બાદ ગાવિત પરિવારના તુકારામ ગાવિત ૧૯૬૭માં કૉન્ગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાઈને સંસદસભ્ય બન્યા હતા. ૧૯૮૯માં દામજી ગાવિતના પુત્ર કુષ્ણરાવ જનતા દળમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ પછી દામજી ગાવિતના પૌત્ર ડૉ. વિજય ગાવિતની એન્ટ્રી થઈ હતી. આ સિલસિલો કાયમ રહ્યો છે. આમ ૧૦૦ વર્ષથી નંદુરબારમાં ગાવિત પરિવારનું રાજ છે.
ગાવિત પરિવારમાંથી ડૉ. વિજય ગાવિતનાં પુત્રી હિના ગાવિત ૨૦૧૪ અને ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. જોકે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી હિના ગાવિત હારી ગયાં હતાં. વિધાનસભાની ચૂંટણીમાં BJPએ ટિકિટ ન આપતાં હિના ગાવિત પાર્ટીમાંથી રાજીનામું આપીને વિધાનસભાની અક્કલકુવા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે હિના ગાવિતના પિતા વિજય ગાવિત નંદુરબાર વિધાનસભા બેઠકના BJPના ઉમેદવાર છે. નંદુરબાર જિલ્લાની શહદા બેઠક પરથી વિજય ગાવિતના ભાઈ રાજેન્દ્ર ગાવિત કૉન્ગ્રેસમાંથી તો વિજય ગાવિતના સૌથી નાના ભાઈ શરદ ગાવિત નવાપુર બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
ADVERTISEMENT
રત્નાગિરિ, નંદુરબાર, ગોંદિયા, ભંડારા, સિંધુદુર્ગ જિલ્લામાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ
મહારાષ્ટ્રના ૩૬ જિલ્લામાં ૯,૭૦,૨૫,૧૧૯ મતદાર છે, જેમાં ૪,૬૯,૯૬,૨૭૯ મહિલા મતદારનો સમાવેશ થાય છે. રાજ્યના ચૂંટણીપંચના આંકડા મુજબ રત્નાગિરિ, નંદુરબાર, ગોંદિયા, ભંડારા અને સિંધુદુર્ગ જિલ્લામાં પુરુષની સરખામણીએ મહિલા મતદારોની સંખ્યા વધુ છે. રત્નાગિરિ જિલ્લામાં ૬,૯૩,૫૧૦ મહિલા તો ૬,૪૬,૧૭૬ પુરુષ મતદાર છે. આવી જ રીતે નંદુરબાર જિલ્લામાં ૬,૬૭,૨૧૭ મહિલા તો ૬,૫૪,૪૧૨ પુરુષ મતદાર છે. ગોંદિયા જિલ્લામાં ૫,૭૧,૪૦૫ મહિલા તો ૫,૫૩,૬૮૫ પુરુષ મતદાર છે. ભંડારા જિલ્લામાં ૫,૦૯,૮૯૨ મહિલા તો ૫,૦૬,૯૭૪ પુરુષ મતદાર છે. સિંધુદુર્ગ જિલ્લામાં ૩,૪૧,૯૩૪ મહિલા તો ૩,૩૬,૯૯૧ પુરુષ મતદાર છે.