રસ્તા પરનો ટ્રૅફિક ઓછો કરવા બાઇક-પૂલિંગનો વિકલ્પ વિચારાધીન
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ટ્રૅફિક જૅમની પરિસ્થિતિ એ રોજની સમસ્યા છે. એથી હવે એનો ઉકેલ લાવવા વાહનો કઈ રીતે ઓછાં દોડે જેથી ટ્રૅફિક પણ હળવો થાય અને પૉલ્યુશન પણ ઘટે એવા વિકલ્પો પર હવે ફોકસ કરવામાં આવી રહ્યું છે. એક જ માણસને ટ્રાવેલ કરવું હોય તો તે બાઇક પર બીજા સાથે પણ ટ્રાવેલ કરી શકે એથી બાઇક ટૅક્સીનો વિકલ્પ અમલમાં મૂકવામાં આવ્યો છે. એથી એક પગલું આગળ વધીને જે વ્યક્તિ પાસે ઈ-બાઇક હોય તે પણ બીજી વ્યક્તિને લિફ્ટ આપી કાયદાકીય રીતે તેની પાસેથી ચાર્જ વસૂલી શકે એવી ગોઠવણ કરવાનું સરકાર વિચારી રહી છે. બાઇક ટૅક્સીને ગોવા સહિત બીજાં ૧૨ રાજ્યોમાં કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે પહેલી એપ્રિલથી રાજ્યમાં ઈ–બાઇક ટૅક્સી માટે મંજૂરી આપી દીધી છે.
મહારાષ્ટ્રમાં વાહનોની સંખ્યા ચાર કરોડને વટાવી ગઈ છે અને દર વર્ષે એમાં ૨૫ લાખ વાહનોનો ઉમેરો થઈ રહ્યો છે. ગુઢીપાડવાના એક અઠવાડિયામાં ૮૭,૦૦૦ નવા વાહનોની ખરીદી થઈ હતી. એથી રસ્તા પર ટ્રૅફિક જૅમની પરિસ્થિતિ હજી વણસી શકે છે. એથી રાજ્ય સરકાર અલગ-અલગ ઉપાયો અજમાવી રહી છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના એક ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘બાઇક ટૅક્સી ચલાવનાર કંપની એની ઍપ પર ઈ-બાઇક-પૂલિંગનો વિકલ્પ મૂકી શકશે. જોકે ઈ-પૂલિંગ માટે ઈ-બાઇક જ માન્ય ગણાશે. ટૂંક સમયમાં આ માટેના નિયમો અને ભાડા જેવી અન્ય બાબતો સાથે એક જ દિવસમાં વધુમાં વધુ કેટલી રાઇડ કરી શકાય એની પણ ચોખવટ કરવામાં આવશે.’
આ સાથે જ કાર-પૂલિંગ પર પણ વિચારણા થઈ રહી છે. એક દિશામાં જતી કાર એ જ દિશામાં જતા અન્ય લોકોની ફેરી કરે તો વાહનો વાપરનારાની સંખ્યા ઘટે અને એટલું ઈંધણ પણ બચે એ આશયથી એ વિકલ્પ પણ વિચારાધીન છે.

