ચીખલ ડોંગરી ગામમાં ચાલતી ખાપ પંચાયત રદ થઈ અને એણે ગેરકાયદે લીધેલી દંડની રકમ પાછી આપવાની શરૂઆત પણ કરવામાં આવી
વિરાર-વેસ્ટના અર્નાળામાં આવેલું ચીખલ ડોંગરી ગામ અને એનું પ્રખ્યાત મંદિર
વિરાર-વેસ્ટના અર્નાળામાં આવેલા ચીખલ ડોંગરી ગામમાં ગેરકાયદે ચાલતી ખાપ (જ્ઞાતિ) પંચાયતના કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ ગામમાં ચાલી રહેલી ખાપ પંચાયતને કાયમ માટે બંધ કરી દેવામાં આવી છે તેમ જ ગયા મહિને દંડ ફટકારવામાં આવેલા ૨૦ લોકોને દંડની રકમ પાછી આપવાની શરૂઆત કરવામાં આવી રહી હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ‘મિડ-ડે’એ ૧૧ નવેમ્બરે દંડની રકમ પાછી આપવાની માગણીનો અહેવાલ પણ પ્રસિદ્વ કર્યો હતો.
ચીખલ ડોંગરી ગામમાં નજીવાં કારણોસર જ્ઞાતિ પંચાયતની વિરુદ્ધ ગયેલા ગ્રામજનોને ૨૫,૦૦૦ રૂપિયાથી લઈને ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવતો હતો. એને કારણે ગ્રામજનો માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું. આ પ્રકરણે વિરારની અર્નાલા પોલીસ ઍક્શનમાં આવી હતી અને ૧૭ લોકો સામે સામાજિક બહિષ્કાર કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વસઈના તહસીલદારે પણ ગામમાં બેઠક યોજીને આ પ્રથા બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પ્રકારનાં ગંભીર પગલાંઓ લેવાતાં હવે ચીખલ ડોંગરીના ગ્રામજનોએ આઝાદી પહેલાંથી ચાલી આવી રહેલી જ્ઞાતિ પંચાયત બંધ કરી દીધી છે. ગામમાં ઢોલ વગાડ્યા બાદ જ્ઞાતિ પંચાયત બરખાસ્ત થઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ગેરકાયદે ચાલતી આ જ્ઞાતિ પંચાયત દ્વારા નજીવા કારણસર દંડ વસૂલ કરાતો હતો. બે મિનિટ પણ મોડું થાય એટલે દંડ બમણો થઈ જતો. મુરબાડના સાસણે ખાતે શ્રી દત્તગુરુ દેવસ્થાન ટ્રસ્ટ સાથે ગામની જ્ઞાતિ પંચાયતનો વિવાદ હતો. આ દત્તગુરુ દેવસ્થાનના ગુરુમાઉલી જોશી આ ગામમાં આવ્યા હતા. એથી તેમને મળવા ગયેલા ૨૦ લોકોને જ્ઞાતિ પંચાયત દ્વારા દરેકને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જોકે ગેરકાયદે ચાલતી જ્ઞાતિ પંચાયતનો કારભાર સામે આવ્યા બાદ પોલીસે ઍક્શન લીધી હતી અને આ ઘટના બાદ એ દંડ પાછો આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ ૨૦ લોકોમાંથી ૯ લોકોએ દંડ ભરી દીધો હતો, જ્યારે બાકીના લોકોએ દંડ ભરવા માટે સમય માગ્યો હતો. જ્ઞાતિ પંચાયતના એક સભ્યે માહિતી આપી હતી કે ‘તે નવ લોકોને દંડની રકમ પાછી આપી દેવામાં આવી છે. ઉમેશ વૈતી અને દર્શન વૈતીનો સંપર્ક થઈ રહ્યો ન હોવાથી તેમની દંડની રકમ પાછી આપવામાં આવી નથી. તેમને ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. જો તેઓ ગામમાં આવશે તો તેમની માફી માગીને દંડની રકમ પાછી આપવામાં આવશે.’
ગ્રામજનોમાં આનંદની લહેર
ગ્રામજનોએ જ્ઞાતિ પંચાયત પ્રથા નાબૂદ એટલે કે બંધ કરીને ખરા અર્થમાં આઝાદી મેળવી હોવાનું વ્યક્ત કર્યું છે. આ ગ્રામજનોના કહેવા પ્રમાણે જ્ઞાતિ પંચાયતને કારણે અમે સતત દબાણ હેઠળ રહેતા હતા અને નજીવા કારણસર દંડ કરવામાં આવતો હતો. એમાંના એક ગ્રામજન દેવેન્દ્ર રાઉતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માત્ર ગુરુમાઉલીને મળવા ગયો તો મને સીધો ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જોકે આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ દંડની રકમ મને પાછી આપવામાં આવી છે અને બીજા લોકોને પણ રકમ પાછી મળી રહી છે. ગ્રામજનો આનંદનો અનુભવ કરી રહ્યા છે.’
બે ગ્રામજનો હજી ગામમાં પાછા નથી આવ્યા
ગામ દ્વારા બહિષ્કાર કરાયેલા ઉમેશ વૈતી અને દર્શન રાઉત હજીયે ગામમાં પાછા ફર્યા નથી. બન્ને ડરને કારણે અજાણી જગ્યાએ છુપાઈ ગયા છે. જો તેઓ ગામમાં પાછા ફરશે તો તેમને ઠપકો મળવાનો ડર લાગી રહ્યો છે.