મહા વિકાસ આઘાડી ૧૬ ઑગસ્ટે અને મહાયુતિ ૨૦ ઑગસ્ટે પ્રચારના શ્રીગણેશ કરશે
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સત્તાધારી અને વિરોધ પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. મહાયુતિ દ્વારા રાજ્યમાં સત્તા જાળવી રાખવા અને મહા વિકાસ આઘાડી દ્વારા સત્તા મેળવવા માટે બેઠક, યાત્રા અને જનસંવાદ શરૂ કરવામાં આવ્યાં છે. વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડીના નેતાઓની ૧૬ ઑગસ્ટે ષણ્મુખાનંદ હૉલમાં સંયુક્ત સભા યોજવામાં આવી છે. એમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, નાના પટોલે સહિતના વરિષ્ઠ નેતાઓ આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગું ફૂંકશે. ૨૦ ઑગસ્ટે કૉન્ગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં બીકેસીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ દિવસથી રાજ્યભરમાં સંવાદયાત્રા શરૂ કરવામાં આવશે.
બીજી બાજુ ગુરુવારે રાત્રે વિધાનસભાની ચૂંટણી માટેની રણનીતિ તૈયાર કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ બન્ને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની બેઠક થઈ હતી. એમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યના તમામ ૨૮૮ વિધાનસભા મતદારસંઘમાં સંવાદયાત્રા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦ ઑગસ્ટે કોલ્હાપુરમાં મહાલક્ષ્મીનાં દર્શન કરીને મહાયુતિ દ્વારા સંવાદયાત્રા શરૂ કરવામાં આવશે. એ જ દિવસે મુંબઈમાં સંવાદયાત્રા યોજાશે. એક દિવસમાં બેથી ત્રણ વિધાનસભા મતદારક્ષેત્રમાં આવી સંવાદયાત્રા કરવામાં આવશે. દરેક સંવાદયાત્રા સાતથી દસ દિવસની રહેશે. એમાં સત્તાધારી પક્ષોમાં સામેલ ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે પક્ષોના પદાધિકારીઓ અને કાર્યકરો સામેલ થશે.