અક્ષય શિંદેના એન્કાઉન્ટર વિશે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું...
અજીત પવાર
બદલાપુરની સ્કૂલમાં બે બાળકીઓનું શારીરિક શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા અક્ષય શિંદેનું સોમવારે પોલીસના એન્કાઉન્ટરમાં મૃત્યુ થવાની ઘટના વિશે સત્તાધારી અને વિરોધ પક્ષ સામસામે આવી ગયા છે. વિરોધ પક્ષના નેતાઓ આ એન્કાઉન્ટર પર શંકા કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે સોલાપુર જિલ્લાના કરમાળામાં લાડકી બહિણ યોજનાના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘બે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કરનારા અક્ષય શિંદેની ધરપકડ કરીને તેને ફાંસી આપવાની માગણી લોકોએ કરી હતી. લોકોના સૂરમાં વિરોધ પક્ષોએ પણ સૂર મિલાવ્યો હતો. તેમણે રાજ્યમાં મહિલાઓ અસુરક્ષિત હોવાનો દાવો કરીને બંધનું એલાન પણ કર્યું હતું. હવે જ્યારે પોલીસે એન્કાઉન્ટરમાં અક્ષય શિંદેને મારી નાખ્યો છે ત્યારે આ જ વિરોધ પક્ષો પોલીસની કાર્યવાહી સામે શંકા કરી રહ્યા છે. વિરોધ પક્ષો હવે સવાલ કરી રહ્યા છે કે અક્ષય શિંદેને શા માટે મારવામાં આવ્યો? તમે જ કહેતા હતા કે ફાંસી આપો અને હવે કહો છો કે શું કામ માર્યો? પોલીસ પર ગોળીબાર થાય ત્યારે પોલીસ ચૂપ ન બેસે. વિરોધ પક્ષોની આ ભૂમિકા બે મોઢાની છે. નરાધમ અક્ષય શિંદેને સખતમાં સખત સજા કરવા માટેના પુરાવા પોલીસે એકઠા કર્યા હતા અને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવવાની તૈયારી પણ સરકારે બતાવી હતી. આથી આવા મામલામાં રાજકારણ ન કરવું જોઈએ.’