બારામતીમાંથી આઠ વખત ચૂંટાયા બાદ હવે રસ ન હોવાનું કહ્યું એટલે ચર્ચા શરૂ થઈ
અજીત પવાર
લોકસભાની ચૂંટણીમાં કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર બારામતીમાં પહેલી વખત સામસામે લડ્યા હતા એટલે આ બેઠક હૉટ બની ગઈ હતી. ત્રણેક મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થશે એમાં પણ બારામતીમાં શું થશે એના પર સૌની નજર છે ત્યારે ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બારામતીમાંથી ચૂંટણી ન લડવા સંબંધે નિવેદન આપ્યું છે એની બારામતીથી લઈને મંત્રાલય સુધી ચર્ચા થઈ રહી છે. અજિત પવારે ગઈ કાલે પુણેમાં કહ્યું હતું કે ‘હવે હું બારામતી વિધાનસભાની બેઠક પર ચૂંટણી નથી લડવા માગતો. અત્યાર સુધી અહીંથી આઠ વખત ચૂંટાઈને આવ્યો છું એટલે હવે રસ નથી રહ્યો. મારી જગ્યાએ અહીંથી કોણ ચૂંટણી લડશે એનો નિર્ણય પક્ષનું સંસદીય મંડળ લેશે.’
અજિત પવારે આ નિર્ણય શા માટે લીધો છે એની ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બારામતી વિધાનસભા બેઠક પરથી સુપ્રિયા સુળેને અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર સામે અંદાજે ૪૭,૦૦૦ મતની સરસાઈ મળી હતી. અજિત પવાર બારામતીના વિધાનસભ્ય હોવા છતાં તેમના જ ગઢમાં મોટું ગાબડું પડ્યું હતું. આથી અજિત પવારે બારામતીને બદલે સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડવાનો વિચાર કર્યો છે? એવો સવાલ થઈ રહ્યો છે. શરદ પવાર જૂથ બારામતીમાંથી અજિત પવારના ભાઈના પુત્ર યુગેન્દ્ર પવારને ઉતારવાની તૈયારીમાં છે ત્યારે જો અજિત પવાર અહીંથી ચૂંટણી નહીં લડે તો તેમના પુત્ર જય પવારને મેદાનમાં ઉતારવાની શક્યતા છે.