વિરોધ પક્ષોના ઇન્ડિયા જૂથની બેઠક વચ્ચે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના બંગલામાં સત્તામાં સામેલ થયેલા ત્રણેય પક્ષના નેતાઓએ આ સંબંધે મહત્ત્વની બેઠક કરી
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર
એક તરફ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારને સત્તામાંથી દૂર કરવા માટે મુંબઈમાં ૨૮ વિરોધ પક્ષના ઇન્ડિયા જૂથની બેઠક ચાલી રહી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ ૪૮ બેઠકો મેળવવા માટે મોડી સાંજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાને રાજ્ય સરકારમાં સામેલ ત્રણેય જૂથના મહત્ત્વના નેતાઓએ નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાન વર્ષા બંગલામાં મહાયુતિના ટોચના નેતાઓની મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. રાતના સાડાઆઠ વાગ્યે આ બેઠક મળી હતી. આ વિશે રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે ‘અમારી બેઠકમાં રાજ્યના લોકસભા મતદારસંઘની તમામ ૪૮ બેઠકો આગામી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે મેળવી શકાય એના પર ચર્ચા થઈ હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ બંને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત ટોચના નેતાઓ આ બેઠકમાં સામેલ થયા હતા. અમને વિશ્વાસ છે કે આ વખતે અમે મિશન ૪૮ પાર પાડી શકીશું.’
બાળાસાહેબ હિન્દુ શેર, ઉદ્ધવ ઠાકરે ટોમણેબાજ
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકાર અને બીજેપીની ટીકા કરી છે ત્યારે રાજ્ય બીજેપી દ્વારા ઉદ્ધવ ઠાકરેને ગઈ કાલે જવાબ આપવામાં આવ્યો હતો. બીજેપી દ્વારા આ વિશે ટ્વિટરમાં લખવામાં આવ્યું હતું કે ‘સ્વર્ગીય હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી પાકિસ્તાનતરફી કે દેશવિરોધી તત્ત્વોની મુંબઈમાં દાખલ થવાની હિંમત નહોતી, પણ આપણી કમનસીબી છે કે બાળાસાહેબ અત્યારે આપણી વચ્ચે નથી ત્યારે સત્તા મેળવવાની હવસમાં પાકિસ્તાનતરફી અને દેશવિરોધી તત્ત્વો મુંબઈમાં આવી રહ્યાં છે. બાળાસાહેબના વારસ ઉદ્ધવ ઠાકરેને એવો સત્તાનો મોહ થઈ ગયો છે કે બાળાસાહેબ જે દેશવિરોધી તત્ત્વો સામે જીવનભર લડ્યા હતા એમના પગે ઉદ્ધવ ઠાકરે પડી રહ્યા છે. બાળાસાહેબ હિન્દુ શેર તરીકે લોકપ્રિય હતા, જ્યારે ઉદ્ધવ ઠાકરે ટોમણેબાજ તરીકે નવા રૂપમાં જનતાની સામે આવ્યા છે. અખંડ ભારતનો વિરોધ કરનારાં ફારુક અબદુલ્લા અને મેહબૂબા મુફ્તી ઉદ્ધવ ઠાકરેના મહેમાન બન્યાં છે. જે-જે લોકો પાકિસ્તાન માટે વિશેષ પ્રેમ રાખે છે તેઓ ઘમંડિયા જૂથમાં સામેલ થયા છે અને ઉદ્ધવ ઠાકરે તેમ જ શરદ પવાર તેમની સેવા કરી રહ્યા છે.
...નહીં તો મંત્રાલયને ઉડાડી દઈશ
મુંબઈમાં આવેલા મંત્રાલયને ઉડાવી દેવાની પંદર દિવસમાં ગઈ કાલે બીજી ધમકી મળી હતી. બૉમ્બ રાખવામાં આવ્યો છે એનાથી મંત્રાલયને બૉમ્બથી ઉડાવી દેવામાં આવશે એવો નનામો કૉલ ગઈ કાલે આવ્યો હતો. કૉલ કરનાર અહમદનગરનો રહેવાસી છે. તે કોઈક બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે વાત કરવા માગે છે, પણ તેને સફળતા નથી મળી રહી એટલે તેણે ધમકીનો કૉલ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. ધમકીનો કૉલ મળ્યા બાદ મંત્રાલયમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે અજાણી વ્યક્તિ સામે ધમકી આપવાની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. ધમકીનો કૉલ આવવાની સાથે એક વ્યક્તિએ મંત્રાલયમાં ગઈ કાલે ધારદાર ચાકુ સાથે પ્રવેશ કરવાનો મામલો સામે આવ્યો હતો. ઉમરગામથી આવેલા એક યુવકની બૅગમાં ધારદાર ચાકુ હોવાનું બૅગ-સ્કૅનરમાં જણાઈ આવતાં યુવકને અંદર જતાં રોકી દેવામાં આવ્યો હતો.