આઇઆઇટી, મુંબઈ એનો અહેવાલ આવતા અઠવાડિયામાં આપે એવી શક્યતા છે
ફાઇલ તસવીર
મેટ્રો-૭ (દહિસરથી ગુંદવલી) પર આવેલા માગાઠાણે સ્ટેશન પાસે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટના કામ દરમ્યાન મેટ્રોને અડીને આવેલો રોડ અને એની બાજુની કન્સ્ટ્રક્શન સાઇટની માટી ધસી પડતાં મેટ્રો સ્ટેશનના નૉર્થ-એન્ડના દાદરા લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. એની મજબૂતીની તપાસ કરવા મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (એમએમએમઓસીએલ)એ આઇઆઇટી મુંબઈને એની ચકાસણીનું કામ સોંપ્યું છે. આઇઆઇટી, મુંબઈએ એની પ્રાથમિક ચકાસણી કરી લીધી છે અને એમાં એ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલી કંપની દ્વારા આજુબાજુનાં સ્ટ્રક્ચર્સને નુકસાન ન થાય અને ભવિષ્યમાં પણ એને હાનિ ન પહોંચે એની કાળજી ન લેતાં શોર પાઇલિંગ કર્યા વગર જ ૧૩ મીટર સીધું ખોદકામ કરાયું હોવાનું જણાઈ આવ્યું છે. જોકે આઇઆઇટી, મુંબઈ એનો અહેવાલ આવતા અઠવાડિયામાં આપે એવી શક્યતા છે.
રોડ અને બાજુની માટી ધસી પડવાની એ ઘટના બાદ એમએમએમઓસીએલ, એમએમઆરડીએ અને બીએમસીએ સંયુક્ત તપાસ કરી હતી અને એ સાઇટ પરનું કામ તાત્કાલિક ધોરણે રોકવા નોટિસ અપાઈ હતી. ધસી પડેલા રસ્તાનું કામ પણ તરત હાથ ધરવામા આવ્યું હતું. મેટ્રો સ્ટેશનના દાદરા સક્ષમ છે કે નહીં એની તપાસ આઇઆઇટી, મુંબઈને સોંપવામાં આવી છે. જોકે આ ઘટના પછી પણ મેટ્રોના પિલર સુરક્ષિત હોવાનું એમએમએમઓસીએલ દ્વારા કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આઇઆઇટી, મુંબઈ દ્વારા પહેલા તબક્કાની ચકાસણી પૂરી થઈ ગઈ છે અને એમાં જણાઈ આવ્યું છે કે કન્સ્ટ્રક્શન કંપનીએ એ બાંધકામ કોઈ પણ આગોતરી પરવાનગી લીધા વગર અને ખોદકામ કરતાં પહેલાં ત્યાં સાવચેતીનાં પગલાં (શોર પાઇલિંગ) ન લેતાં અને સંરક્ષક ભીંત ઊભી ન કરતાં સીધું ૧૩ મીટર ઊંડું કરી નાખ્યું છે.
આ ઘટના બાદ ત્યાં અનેક ટ્રક ભરીને માટી અને પથ્થરો ઠાલવવામાં આવ્યાં છે અને એ જગ્યા મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જોકે એ ઘટના બન્યા બાદ પગલાં લેવાયાં હતાં અને એ પગલાં કેટલાં કારગત નીવડશે એ આવનારો સમય જ કહેશે.