અનેક દરદીઓને તેમના રોગ સામે લડવા માટે આર્થિક મદદ કરનારા સ્વ. રતન તાતાની યાદમાં તેમના જન્મદિવસે KEM હૉસ્પિટલમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટના ૨૦૦થી પણ વધુ દરદીઓ ભેગા થયા હતા
નગર ડાયરી
ગઈ કાલે KEM હૉસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં ભેગા થયેલા કોક્લિયર ઇમ્પ્લાન્ટના દરદીઓ.
અનેક દરદીઓને તેમના રોગ સામે લડવા માટે આર્થિક મદદ કરનારા સ્વ. રતન તાતાની યાદમાં તેમના જન્મદિવસે KEM હૉસ્પિટલમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટના ૨૦૦થી પણ વધુ દરદીઓ ભેગા થયા હતા. તાતા ટ્રસ્ટ અને તેમના જેવા બીજા દાતાઓની મદદને કારણે આ જરૂરિયાતમંદ લોકોના જીવનમાંથી કાયમી બહેરાશને દૂર કરતી આ સર્જરી શક્ય બની હતી જે બદલ તેમણે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી
ગઈ કાલે મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલના ENT વિભાગનાં વડાં ડૉ. હેતલ મારફતિયા દ્વારા રતન તાતાના જન્મદિન નિમિત્તે બહેરાશના કાયમી ઉપાય સમી સર્જરી એટલે કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ વિશેનો જાગરૂકતા કાર્યક્રમ ‘લિસન ટુ લાઇફ’ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સાંજે ૪ વાગ્યે KEMની ટેનિસ કોર્ટમાં યોજાયો હતો. અહીં આ જ હૉસ્પિટલમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરાવનારા ૨૦૦થી પણ વધુ દરદીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આ સર્જરીની સફળતા અને એના દ્વારા આ જરૂરતમંદ લોકોના જીવનમાં આવેલા બદલાવ વિશે વાત થઈ હતી.
ADVERTISEMENT
KEM હૉસ્પિટલમાં ડિસેમ્બર ૨૦૦૭માં પહેલું કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઑપરેશન થયું હતું જે મુખ્યત્વે વ્યક્તિની બહેરાશ દૂર કરવા માટે અત્યંત સારો અને કાયમી ઇલાજ ગણાય છે. એ પછી આજ સુધીમાં લગભગ ૬૫૦થી પણ વધુ કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી આ હૉસ્પિટલમાં થઈ ચૂકી છે. કાર્યક્રમમાં બધિર તરીકે ઓળખાતા લોકોના જીવનમાં આ એક સર્જરી દ્વારા કેટલું મોટું પરિવર્તન આવ્યું એ અનુભવોની વાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત દાતા અને વિવિધ ટ્રસ્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમના યોગદાનથી આટલા બધા દરદીઓને કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવી સર્જરી લગભગ નજીવા ખર્ચે ઉપલબ્ધ થઈ હતી. એ વિશે વાત કરતાં ડૉ. હેતલ મારફતિયા કહે છે, ‘આ સર્જરીની કિંમત KEM હૉસ્પિટલમાં લગભગ સાડાછ લાખ રૂપિયાની આસપાસ હોય છે જે બહાર પ્રાઇવેટ હૉસ્પિટલોમાં નવથી દસ લાખ રૂપિયા સુધી પહોંચી જતી હોય છે. સહજ છે કે દરેક વ્યક્તિ આટલો ખર્ચ કરી શકવાની ક્ષમતા ધરાવતી ન હોય, પરંતુ શું એને કારણે તેને બહેરાશથી છુટકારો ન મળી શકે? શું તેણે જીવનભર બધિર તરીકેનું જીવન જીવવું પડે? આ પ્રશ્નો મેડિકલ પ્રૅક્ટિશનર તરીકે અમારી સામે આવે છે ત્યારે સારું છે કે રતન તાતા જેવા દીર્ઘદ્રષ્ટા હતા જેમણે જરૂરતમંદ લોકોની પીડા સમજી. તાતા ટ્રસ્ટ વર્ષોથી ગરીબ દરદીઓની મદદ કરતું આવ્યું છે અને એને કારણે સમાજમાં એક મોટો બદલાવ આપણે જોઈ શકીએ છીએ.’