ખેડૂતોના નેતા જીવા પાંડુ ગાવિતે કલેક્ટરે અમારી માગણીઓ સ્વીકારવામાં આવી હોવાનો પત્ર આપ્યો છે એટલે અમે આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે એવું કહ્યું હતું
ફાઇલ તસવીર
વિવિધ માગણીઓ સાથે નાશિકથી મુંબઈ તરફ આવી રહેલી ૧૦,૦૦૦ ખેડૂતોની લૉન્ગ માર્ચ ગઈ કાલે સ્થગિત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ૭૦ ટકા માગણી સ્વીકારી લેવાથી ખેડૂતોનું આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. ખેડૂતોના નેતા જીવા પાંડુ ગાવિતે કલેક્ટરે અમારી માગણીઓ સ્વીકારવામાં આવી હોવાનો પત્ર આપ્યો છે એટલે અમે આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે એવું કહ્યું હતું.
ખેડૂત નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય જીવા પાંડુ ગાવિતે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સરકાર સાથેની બેઠકમાં કેટલીક માગણીઓ પર સકારાત્મક ચર્ચા થઈ. આગામી કેટલાક મહિનામાં બાકીની માગણીઓ અમલમાં મૂકવામાં આવશે. ખેડૂતો સંબંધી કેટલીક માગણીઓ કેન્દ્ર સરકારને આધીન છે એ કેન્દ્રમાં મોકલવામાં આવી છે. અમારી ૭૦ ટકા માગણીઓ સરકારે સ્વીકારી છે. કલેક્ટરે આ સંબંધે અમને પત્ર પણ આપ્યો છે. આથી અમે આંદોલન કરી રહેલા ખેડૂતોને વિશ્વાસમાં લઈને આંદોલન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. કલેક્ટરે આપેલું નિવેદન સંતોષકારક છે. મુખ્ય પ્રધાને પણ વિધાનસભામાં નિવેદન આપ્યું છે. તેમનો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયો ગામેગામ બતાવવો જોઈએ એમ આંદોલન કરી રહેલા ખેડૂતોનું માનવું છે. ’
ADVERTISEMENT
ચૂંટણીના મેદાનમાં બીજેપીના જૂના નેતાઓ દેખાશે
આગામી સમયમાં રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી થશે. બાદમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે આવશે. આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બીજેપીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજેપી દ્વારા પક્ષના જૂના નેતાઓને યાદ કરવામાં આવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી નિષ્ક્રિય થઈ ગયા હોય એવા નેતાઓને પક્ષ દ્વારા ફરી સક્રિય કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આગામી તમામ ચૂંટણીમાં બીજેપી નવી પેઢીના નેતાઓની સાથે અનુભવી નેતાઓને પણ મેદાનમાં ઉતારશે એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ યોજનાના ભાગરૂપે સ્વ. ઉત્તમરાવ પાટીલ અમૃતકુંજ અભિયાનની મહત્ત્વની જવાબદારી પક્ષના વરિષ્ઠ નેતાઓને સોંપવામાં આવી છે. મધુ ચવાણને પ્રદેશ સંયોજકપદની જવાબદારી આપવામાં આવી છે.
જનતાની નહીં, પણ મનની શરમ રાખો
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન હતા ત્યારે કોઈ કામ ન કર્યું અને હવે આ આપો, તેને એ આપો, અમે બંધને સમર્થન આપીએ છીએ એવું કહેતા ફરે છે. જનતાની નહીં પણ મનની શરમ રાખો. સત્તા જવાથી પગ નીચેથી જમીન સરકી ગઈ છે. પદ જવાથી પાગલની જેમ બડબડ કરવાનું બંધ કરો.’
રાજ ઠાકરેની સભાના ટીઝરે ચર્ચા જગાવી
એમએનએસ દ્વારા દર વર્ષે ગૂડી પડવાએ રાજ ઠાકરેની જાહેર સભાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૨૨ માર્ચે ગૂડી પડવા નિમિત્તે શિવાજી પાર્કમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા વિશે ટીઝર જારી કરવામાં આવ્યાં છે. આ ટીઝરમાં હિન્દુત્વનાયક તરીકે રાજ ઠાકરેને દર્શાવવામાં આવ્યા છે. આથી આ ટીઝર ચર્ચાનું વિષય બન્યું છે. હિન્દુત્વની સાથે મહારાષ્ટ્રનો મુદ્દો ટીઝરમાં રજૂ કરાયો છે. આથી આ વખતની સભામાં રાજ ઠાકરે શું બોલે છે એના પર બધાની નજર રહેશે.