કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપીઓ રવીન્દ્ર વાયકર અને યામિની જાધવની ઉમેદવારીથી મતદારોમાં ભારે રોષ
રવીન્દ્ર વાયકર , યામિની જાધવ , નરેશ મ્હસ્કે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરતાં બે નેતાઓને મુંબઈ નૉર્થ વેસ્ટ અને મુંબઈ સાઉથ બેઠક પરથી લોકસભાની ચૂંટણીની ટિકિટ આપી એને પગલે મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિના BJP, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેવા સાથીપક્ષોના કાર્યકરોમાં તથા મતદારોમાં પણ ભારે રોષ ફેલાયો છે.જોગેશ્વરી-ઈસ્ટના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકર સામે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એક પ્લેગ્રાઉન્ડ માટે રિઝર્વ રાખવામાં આવેલા પ્લૉટ પર ફાઇવસ્ટાર હોટેલ બાંધવાનો આરોપ છે. તેઓ ઉદ્ધવ ઠાકરેના અત્યંત નજીકના નેતા હતા એનો લાભ ઉઠાવીને BMCને ગુમરાહ કરીને તેમણે ગેરકાયદે ઍગ્રીમેન્ટ બનાવી લીધું હતું. આ રીતે તેમણે BMCનું પ૦૦ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કર્યો હતો અને એ સંબંધી ડૉક્યુમેન્ટ્સ રજૂ કર્યા હતા. આથી રવીન્દ્ર વાયકર સામે પહેલાં મુંબઈની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ અને ત્યાર બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ મની-લૉન્ડરિંગનો મામલો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ મામલો ૨૦૧૬નો છે, પણ ૨૦૨૨માં શિવસેનામાં એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ તપાસ તીવ્ર બની હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં EDએ પૂછપરછ માટે સમન્સ મોકલતાં રવીન્દ્ર વાયકરની ૯ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
૨૦૧૬માં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નેતા સંજય નિરુપમે આરોપ કર્યો હતો કે રવીન્દ્ર વાયકરે ગોરેગામમાં આવેલી આરે મિલ્ક કૉલોનીના પ્લૉટ પર તેમના વિધાનસભ્યના ફન્ડમાંથી ગેરકાયદે જિમ્નેશ્યમ ઊભું કર્યું હતું. કિરીટ સોમૈયાએ ૨૦૨૦માં આરોપ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે અને રવીન્દ્ર વાયકર પરિવાર વચ્ચે આર્થિક વ્યવહાર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારથી મેળવેલા રૂપિયાથી રાયગડ જિલ્લાના મુરુડ તાલુકાના કોલાય ગામમાં ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરે અને રવીન્દ્ર વાયકરનાં પત્ની મનીષા વાયકરના નામે ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઈક અને તેમની પત્ની અક્ષતા તથા પુત્રી અદન્યા નાઈક પાસેથી ૨૧ પ્લૉટ ખરીદવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જોકે રવીન્દ્ર વાયકર ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા એ પછી તેમની સામે ચાલી રહેલી તપાસ ઠંડી પડી ગઈ છે એટલું જ નહીં, તેમને લોકસભાની ચૂંટણી લડવાની ટિકિટ પણ મળી ગઈ છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આવી જ રીતે મુંબઈ સાઉથની બેઠકમાં ભાયખલાનાં શિવસેનાનાં વિધાનસભ્ય યામિની જાધવને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે. યામિની જાધવ અને તેમના પતિ યશવંત જાધવ સામે ભ્રષ્ટાચારના આરોપ થયા બાદ ઇન્કમ ટૅક્સની ટીમે ત્રણ દિવસ સુધી તેમની પૂછપરછ કરી હતી. ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીની ઉમેદવારી સાથે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં યામિની જાધવે કેટલીક પ્રૉપર્ટી છુપાવવાની સાથે અમુક બોગસ કંપનીઓ સાથે વ્યવહાર કર્યો હોવાનું નોંધ્યું ન હોવાનો આરોપ BJPના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમણે તેમની માતાના નામે રત્નાગિરિમાં ત્રણ મિલકત ખરીદી છે જેની માહિતી છુપાવી છે.
યામિની જાધવના પતિ યશવંત જાધવ ઉદ્ધવ ઠાકરેના નજીકના નેતા ગણાતા હતા. ત્રણ વખત માઝગાવમાંથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેઓ BMCની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન બન્યા હતા. આ પદ પર હતા ત્યારે તેમણે અનેક કંપનીઓને ટેન્ડર આપવામાં પોતાની વગ વાપરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ પોલીસ સહિત બીજી એજન્સીઓમાં નોંધવામાં આવી હતી. ૨૦૨૨માં ઇન્કમ ટૅક્સની ટીમે તેમના ભાયખલાના ઘર સહિતનાં સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા હતા, જે સતત ત્રણ દિવસ ચાલ્યા હતા. ટૅક્સ-ચોરી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એ સમયે તેમના ઘરેથી એક ડાયરી પણ હાથ લાગી હતી, જેમાં ‘બે કરોડ માતોશ્રી’ લખવામાં આવ્યું હતું. ઇન્કમ ટૅક્સ વિભાગની તપાસમાં ભાયખલામાં આ કપલ પાસે ૩૧ ફ્લૅટ મળીને કુલ ૪૧ મિલકત હોવાનું જણાયું હતું.
થાણેમાં નરેશ મ્હસ્કેને ઉમેદવારી અપાઈ એટલે BJPમાં નારાજગી, નવી મુંબઈમાં પાર્ટીના ૬૪ ભૂતપૂર્વ નગરસેવકોએ રાજીનામાં આપ્યાં
સત્તાધારી મહાયુતિમાં થાણે લોકસભાની બેઠક પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નજીકના નેતા અને થાણે મહાનગરપાલિકાના ભૂતપૂર્વ મેયર નરેશ મ્હસ્કેને ઉમેદવારી આપવા સામે ભારતીય જનતા પાર્ટી (BJP)માં ભારે નારાજગી જોવા મળી રહી છે. અમે શિવસેનાને મતદાન નહીં કરીએ એમ કહીને નવી મુંબઈના ૬૪ ભૂતપૂર્વ નગરસેવકની સાથે ૫૩૯ પદાધિકારીઓએ ગઈ કાલે રાજીનામાં ધરી દીધાં હોવાનું જાણવા મળ્યું હતું. રાજીનામું આપનારા આ તમામ નેતાઓ BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને મળીને પોતાની નારાજગી વ્યક્ત કરશે.
BJPના પદાધિકારીઓએ રાજીનામાં આપતી વખતે કહ્યું હતું કે ‘અમે ૨૦૧૯માં ૫૪ નગરસેવકોએ ગણેશ નાઈકના નેતૃત્વમાં BJPમાં પ્રવેશ કર્યો હતો. એ સમયે વિધાનસભાની ચૂંટણીમાં પણ અમને બાજુમાં ખસેડી દેવામાં આવ્યા હતા. સંજીવ નાઈક ૧૦ વર્ષથી મતદારસંઘનું નેતૃત્વ કરતા હોવા છતાં તેમને ત્રીજી ટર્મમાં ઉમેદવારી નહોતી અપાઈ. તેમને સરકારમાં પ્રધાનપદ પણ નહોતું અપાયું. ગણેશ નાઈક અહીંથી રેકૉર્ડ માર્જિનથી વિજયી થયા. થાણે લોકસભાની બેઠકમાં છમાંથી ચાર વિધાનસભા BJP પાસે છે એટલે આ બેઠક BJPને જ મળશે એવો વિશ્વાસ હતો અને સંજીવ નાઈકની આગેવાનીમાં અમારી તૈયારીઓ પણ ચાલુ હતી. જોકે આ બેઠક શિવસેનાને આપી દીધી છે એનો વિરોધ નોંધાવવા અમે રાજીનામાં આપ્યાં છે.’