સોમવારે સવારે વસઈના સનસિટી ગ્રાઉન્ડમાં રાખેલી સભામાં કરશે હલ્લાબોલ
ફાઇલ તસવીર
વસઈ-વેસ્ટના સનસિટીના ગ્રાઉન્ડ પર સોમવાર ૧૩ મેએ સવારે સાડાઅગિયાર વાગ્યે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ BJPના પાલઘર લોકસભાના ઉમેદવાર ડૉ. હેમંત સાવરાના પ્રચાર માટે વસઈ આવી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન તેમની જાહેર પ્રચાર સભા માટે પ્રથમ વખત વસઈ ખાતે આવનાર હોવાથી કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વસઈમાં અમિત શાહ શું બોલશે એના પર રાજકીય નિરીક્ષકોની નજર મંડાયેલી છે. BJPના વસઈ-વિરાર જિલ્લા પ્રચાર પ્રમુખ મનોજ બારોટે કહ્યું હતું કે ‘મહાગઠબંધનના ઉમેદવારના પ્રચાર માટે અમિત શાહ વસઈ આવી રહ્યા છે. એ માટે હેલિપૅડથી લઈને ગ્રાઉન્ડ પર તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
પાલઘર લોકસભા મતવિસ્તાર ખૂબ જ રસપ્રદ મતવિસ્તાર બન્યો છે, કારણ કે અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આ મતવિસ્તારમાં મહાયુતિ વતી BJPના ડૉ. હેમંત સાવરા, મહાવિકાસ આઘાડી તરફથી ભારતી કામડી અને બહુજન વિકાસ આઘાડી દ્વારા રાજેશ પાટીલને ઉમેદવારી અપાઈ હોવાથી ત્રિપાંખિયો જંગ રસપ્રદ રહેવાનો છે. એથી તમામ મોટા પક્ષો આ બેઠક જીતવા માટે કમર કસી રહ્યા હોવાથી BJPના વરિષ્ઠ નેતાએ અહીં પ્રચાર કરવા આવવું પડ્યું છે.