ગોવિંદાની મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથેની મુલાકાતને પગલે ચર્ચા શરૂ થઈ
ફાઇલ તસવીર
બૉલીવુડના જાણીતા અભિનેતા, મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય અને વિરારના છોકરા તરીકે ફેમસ ગોવિંદા ફરી લોકસભાની ચૂંટણી લડે એવી ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી. ગોવિંદાએ પાંચેક દિવસ પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત કરી હોવાની અને તે એકનાથ શિંદેની સેનામાં જોડાઈને ઉત્તર-પશ્ચિમ મુંબઈ એટલે કે ગોરેગામ-અંધેરી લોકસભા બેઠક પર લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પર એકનાથ શિંદે સાથે ગયેલા શિવસેનાના ગજાનન કીર્તિકર સંસદસભ્ય છે. તેઓ આ વખતની ચૂંટણી લડે એવી શક્યતા નથી એટલે અહીંથી એકનાથ શિંદે ગોવિંદાને મેદાનમાં ઉતારવાનો વિચાર કરી રહ્યા છે જેને પગલે તેમણે આ અભિનેતા સાથે બેઠક કરી હોવાનું કહેવાય છે. આ બેઠક પર ઉદ્ધવ ઠાકરેએ ગજાનન કીર્તિકરના પુત્ર અમોલની ઉમેદવારી જાહેર કરી દીધી છે. જોકે ઉદ્ધવ ઠાકરેનો સાથી પક્ષ કૉન્ગ્રેસ પણ અહીંથી બૉલીવુડના અભિનેતા રાજ બબ્બર કે ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરુપમને ઉમેદવારી આપવા માટેનો પ્રયાસ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૪માં ગોવિંદા કૉન્ગ્રેસની ટિકિટ પર એ સમયની મુંબઈ નૉર્થ લોકસભા બેઠક પર ચૂંટણી લડ્યો હતો, જેનું મતદાર-ક્ષેત્ર પાલઘર સુધી હતું. તેણે BJPના પીઢ નેતા રામ નાઈકને ૫૦,૦૦૦ મતના તફાવતથી હરાવ્યા હતા. જોકે સંસદસભ્ય બન્યા બાદ ગોવિંદા સાથે સંપર્ક નહોતો થઈ શકતો એટલે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી એટલું જ નહીં, સંસદમાં પણ તે હાજર નહોતો રહેતો એટલે એ સમયે ચર્ચાનો વિષય બન્યો હતો.