સ્મશાનગૃહમાં નનામીમાં વપરાતી વાંસની લાકડીથી બંધાય છે વાડ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : ઇકો-ફ્રેન્ડ્લી પહેલ તરીકે સ્થાનિક એનજીઓ ઇકો-ફ્રેન્ડ્લી લિવિંગ ફાઉન્ડેશને મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં સ્મશાનગૃહની ફરતે વાડ તૈયાર કરી છે, જેમાં નનામીમાં આવતી વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશને આ કાર્યની પ્રશંસા કરી છે. આ એનજીઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઍગ્રો-વેસ્ટનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડ્લી સ્મશાનને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે.
એનજીઓના પ્રમુખ વિજય લિમયેએ જણાવ્યું હતું કે ‘મેં જોયું કે અગ્નિસંસ્કાર દરમિયાન નનામીમાં વપરાતી વાંસની લાકડીઓ કાં તો ફેંકી દેવામાં આવતી હતી અથવા બાળી નાખવામાં આવતી હતી. અમારા સ્વયંસેવકોએ અગ્નિસંસ્કાર પછી બચેલી વાંસની લાકડીઓ એકઠી કરવાનું શરૂ કર્યું હતું. નનામીમાં વપરાતી વાંસની લાકડીઓને બાળી ન નાખવા માટે લોકોને પણ સમજાવ્યા હતા.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘અમે છેલ્લા ચાર-પાંચ મહિનામાં અહીંના અંબાઝારી સ્મશાનગૃહમાંથી લગભગ ૭૦૦ વાંસની લાકડીઓ એકઠી કરી છે. છેલ્લા ૨૦થી ૨૫ દિવસથી અમે સ્મશાનની અંદરના બગીચાને સુરક્ષિત તથા સુશોભિત કરવા માટે વાંસની લાકડીઓમાંથી વાડ બનાવવાનું શરૂ કર્યું છે અને એ માટે કારીગરોને ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા છે.’