મહામારી પછી શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં (૬થી ૧૪ ઑક્ટોબર) કોવિડના કેસમાં ૩૧ ટકાનો વધારો નોંધાયો છે
ફાઇલ તસવીર
ડૉક્ટરોના જણાવ્યા મુજબ મુંબઈ અને થાણેમાં કોવિડના કેસમાં સાધારણ વધારો નોંધાયો છે. એ સિવાય રાજ્યના અન્ય ભાગમાં કોવિડના કેસમાં વૃદ્ધિ નોંધાઈ નથી.
મહામારી પછી શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં (૬થી ૧૪ ઑક્ટોબર) કોવિડના કેસમાં ૩૧ ટકાનો વધારો નોંધાયો છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઑક્ટોબર દરમ્યાન નોંધાયેલા ૯૯૬ કેસની તુલનાએ ૬થી ૧૪ ઑક્ટોબર દરમ્યાન ૧૩૦૫ કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા પાંચ દિવસમાં દૈનિક ૧૦ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર રાજ્યમાં મુંબઈ અને થાણેને બાદ કરતાં કોવિડ સંક્રમિત લોકોની સંખ્યામાં થયેલો વધારો નોંધપાત્ર નથી.
ADVERTISEMENT
રાજ્યના સર્વેલન્સ ઑફિસર ડૉ. પ્રદીપ અવટેના મતે નવરાત્રિ પછી લોકોની અવરજવરમાં થોડો વધારો થયો હોવાથી વાઇરસનો પ્રસારણ દર થોડા સમય માટે વધુ રહેશે. જોકે એ ખૂબ વાઇરલ નહીં હોય. નાગરિકોને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવાની ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે કો-મૉર્બિડિટીઝ ધરાવતા લોકો, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને ફ્લુ જેવી બીમારીથી પીડિત લોકોએ જાહેરમાં ખાસ કાળજી લેવાની જરૂર છે - ખાસ કરીને જ્યારે જાહેરમાં હોય.
સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના ચેપી રોગના કો-ડિરેક્ટર ડૉ. વસંત નાગવેકરે કહ્યું હતું કે અત્યંત ચેપી ઓમાઇક્રોન વેરિઅન્ટના સમાચાર છે, પરંતુ એના વિશે બહુ ઓછું જાણતા હોવાથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે સાવચેતી રાખીને દિનચર્યા ચાલુ રાખવી.