સુધરાઈએ બ્યુટિફિકેશનના નામે વૃક્ષો પર લગાડેલી લાઇટો ચોમાસા દરમ્યાન પબ્લિક, પક્ષી તેમ જ પ્રાણીઓ માટે મોટો ખતરો છે. પર્યાવરણવાદીના મતે આ પ્રકાશ પક્ષીઓની ઊંઘ બગાડે છે
Mumbai
બીકેસીમાં ફૅમિલી કોર્ટની બહાર લટકતા વાયરોને કારણે ચોમાસામાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. આશિષ રાજે
મુંબઈ : બ્યુટિફિકેશન અભિયાન અંતર્ગત મુંબઈ સુધરાઈએ નજીકના ઇલેક્ટ્રિક થાંભલાઓમાં પાવર લઈને વૃક્ષો પર લાઇટિંગ કરી છે. જાગૃત નાગરિકોના મતે થાંભલાઓ પરથી વૃક્ષ પર વાયર મારફત લેવામાં આવેલું કનેકશન ચોમાસામાં માનવીઓ, પક્ષીઓ અને પ્રાણીઓ માટે જીવલેણ બની શકે છે.
સુધરાઈએ શહેરનાં ૧૫,૦૦૦ વૃક્ષો પર એલઈડી લાઇટો લગાડી છે. પર્યાવરણવાદીઓએ આ લાઇટિંગ વૃક્ષો માટે ઉપદ્રવરૂપ છે એમ કહીને ચિંતા વ્યક્ત કરી હતી. વાયરના જૉઇન્ટ યોગ્ય નથી અને એ માત્ર વૃક્ષ પર લટકી રહ્યા છે.
સિવિલ ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ કહ્યું હતું કે ‘સુધરાઈ પર્યાવરણ સાથે રમત રમી રહી છે. વૃક્ષ પર લાઇટો મૂકીને એણે વૃક્ષને મારવાનું અને પક્ષીઓને મુશ્કેલીમાં મૂકવાનું નક્કી કર્યું હતું. હવે આ ખુલ્લા વાયરો માણસો માટે પણ જોખમી પુરવાર થશે.’
અન્ય એક જાગૃત નાગરિક સંજય ગુરવે કહ્યું હતું કે ‘આ લાઇટો લગાડતાં પહેલાં સુધરાઈએ કોઈ સર્વે કરાવ્યો
હતો ખરો? શહેરમાં વૃક્ષો પડવાના
અનેક બનાવ બને છે. શા માટે સૌંદર્યકરણના નામે સુધરાઈ આવું જોખમ ઉઠાવે છે?’
ઝૂઓલૉજીમાં પોસ્ટ-ગ્રૅજ્યુએટની ડિગ્રી ધરાવતા યોગેશ પટેલે કહ્યું હતું કે ‘વધારાની લાઇટને કારણે પક્ષીઓની ઊંઘ બગડે છે. આવી લાઇટિંગ હોય ત્યાં પક્ષીઓ માળા બાંધતા નથી. અંધેરીમાં મેં આવો કેસ જોયો છે. પહેલાં એ વૃક્ષ પર પક્ષીઓના માળા હતા, પરંતુ લાઇટિંગ બાદ પક્ષીઓએ ત્યાં માળા બાંધવાનું બંધ કરી દીધું હતું.’