સાંજે સાડાપાંચ વાગ્યા બાદ અંતિમ સંસ્કાર કરવા ડેડ-બૉડીને લઈ જવામાં આવી હતી
IPL 2022
સિક્કિમમાં રોડ-ઍક્સિડન્ટમાં જીપ ખાઈમાં પડી જતાં થાણેના પાંચ જણ મૃત્યુ પામતાં ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર એકસાથે કરાયા હતા.
થાણેના જૈન સમાજ માટે ગઈ કાલનો દિવસ કાળો દિવસ રહ્યો હતો. થાણે-વેસ્ટમાં ટેમ્ભી નાકામાં આવેલા ઓશો મહાવીર બિલ્ડિંગમાં રહેતા અને અનેક જૈન સંસ્થા, જિનાલય, દેરાસરમાં સક્રિય રીતે કામ કરતા અને જ્વેલરીનું હોલસેલિંગનું કામ કરતા ૪૦ વર્ષના સુરેશ પુનમિયા અને તેમના આખા પરિવારે સિક્કિમમાં થયેલા રોડ-ઍક્સિડન્ટમાં જીપ ખાઈમાં પડી જતાં જીવ ગુમાવ્યો હતો. તેમની સાથે મિત્ર પરિવારનો એક દીકરો પણ જીપમાં સાથે હોવાથી તેણે પણ ઍક્સિડન્ટમાં જીવ ગુમાવ્યો હતો. ગઈ કાલે સાડાચાર વાગ્યે પાંચેયની ડેડ-બૉડી મુંબઈ ઍરપોર્ટ પર આવી હતી. સાંજે સાડાપાંચ વાગ્યા બાદ અંતિમ સંસ્કાર કરવા ડેડ-બૉડીને લઈ જવામાં આવી હતી. આ દૃશ્ય જોતાં મોટી સંખ્યામાં અને દૂર-દૂરથી આવેલા સૌકોઈ ભાવુક થઈ ગયા હતા.
થાણેમાં રહેતા અને સુરેશ પુનમિયાના ખાસ મિત્ર સુરેશ ગુંગલિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઍક્સિડન્ટના સમાચાર મળ્યા બાદ બધા આઘાતમાં આવી ગયા હતા, પરંતુ પાંચેયની ડેડ-બૉડી થાણે આવવાની હોવાથી વહેલી સવારથી લોકો રાહ જોઈને બેઠા હતા. એકસાથે પાંચ ડેડ-બૉડી અને એમાં પણ ત્રણ નાનાં ભૂલકાંને જોતાં લોકો હિબકા ભરીને રડી પડ્યા હતા. સુરેશનો સ્વભાવ હસમુખો અને મેળાપવાળો હોવાથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આશરે બેથી ત્રણ હજાર લોકો તેમનાં અંતિમ દર્શન કરવા આવ્યાં હતાં. ગમગીન ને ભાવુક વાતાવરણમાં પરિવારજનોને સંભાળવા મુશ્કેલ થયા હતા. સિક્કિમ પોલીસ અને આર્મીએ ખૂબ સહાય કરી અને તમામ પ્રકારની પરવાનગી આપી હોવાથી જલદી ડેડ-બૉડી થાણે આવી શકી હતી. થાણેનો જૈન સમાજ એક થઈને અંતિમ વિધિ પૂરી કરવા આગળ આવ્યો હતો. થાણેના જૈન સમાજ માટે ગઈ કાલનો દિવસ કાળો દિવસ બન્યો હતો.’