ટ્રાફિક અટકાવી દેવામાં આવતાં મોટરિસ્ટોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો
ઘટનાસ્થળ
મીરા-ભાઈંદર રોડ પર કાશીમીરાના પેણકરપાડા પાસે બુધવારે રાતે ૧૦.૪૫ વાગ્યે કૉન્ક્રીટ મિક્સર મેટ્રોની સાઇટ પાસે ધસી પડેલા રોડમાં ઊંધું વળી જવાથી થયેલી દુર્ઘટનામાં ડ્રાઇવરનું મોત થયું હતું. આ ઘટના બની ત્યારે કૉન્ક્રીટ મિક્સરમાં ૩ જણ હતા. મિક્સરે પલટી માર્યા બાદ બન્ને ક્લીનર જેમ-તેમ બહાર આવી ગયા હતા, પણ ડ્રાઇવર મિક્સરની નીચે જ દબાઈ જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને પણ કરવામાં આવી હતી. એ પછી મિક્સરને રોડ ધસી પડવાથી પડેલા ખાડામાંથી બહાર કાઢવા બે હેવી ક્રેન બોલાવવી પડી હતી. કલાકોની જહેમત બાદ મિક્સર બહાર કાઢી શકાયું હતું. આ દરમ્યાન ત્યાંનો ટ્રાફિક અટકાવી દેવામાં આવતાં મોટરિસ્ટોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.