આવી શંકા પરિવાર અને બિઝનેસ પાર્ટનરોએ વ્યક્ત કરી : નવી મુંબઈ પોલીસ આની તપાસ કરવા અને આરોપીઓને પકડવા માટે કચ્છ ગઈ
સવજી પટેલ
મુંબઈ : નવી મુંબઈના નેરુળમાં બુધવારે ધોળે દિવસે રિયલ એસ્ટેટના એમ્પીરિયા ગ્રુપના સવજી પટેલની હત્યા તેમની કચ્છની જમીનના વિવાદના કારણે થઈ હોઈ શકે એવી શંકા પરિવારજનોએ અને તેમના બિઝનેસ પાર્ટનરોએ વ્યક્ત કરી છે. નવી મુંબઈ પોલીસને એ વાત તેમણે તેમના સ્ટેટમેન્ટમાં જણાવતાં નવી મુંબઈ પોલીસ આ બાબતે તપાસ કરવા અને આરોપીઓને પકડવા કચ્છ ગઈ છે.
એમ્પીરિયા ગ્રુપના મુકેશ ચૌધરીએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘અહીં નવી મુંબઈમાં સવજીભાઈનો દીકરો ધીરજ અને અમે પાર્ટનરો જ ધંધો સંભાળતા હતા. સવજીભાઈ મુખ્યત્વે કચ્છની જમીનના વ્યવહારો પર અને કુટુંબ પરિવારમાં ધ્યાન આપતા હતા. તેઓ અહીંની ઑફિસે આવતા-જતા રહેતા, પણ અહીંના ધંધામાં તેમનું ઇન્વૉલ્વમેન્ટ ઓછું હતું. તેમની હત્યા કચ્છની જમીનના વિવાદમાં થઈ હોઈ શકે. ગાંધીધામના કંડલા ઍરપોર્ટ પાસે વરસામેડી રોડ પર સવજીભાઈની ૩૪ એકર જમીન છે. ઍરપોર્ટ પાસેની જમીન હોવાથી એક એકરદીઠ હાલ એક કરોડ રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. ત્યાં એક ગૅન્ગ ઍક્ટિવ થઈ છે જે બનાવટી દસ્તાવેજો બનાવીને ત્યાંની જમીનો પોતાના નામે ચડાવી લે છે. સવજીભાઈ સાથે પણ એવું જ થયું છે. એ ગૅન્ગે તેમની એ જમીન પોતાના નામે રજિસ્ટર કરાવી લીધી છે. ચાર-પાંચ જણનું એ ગ્રુપ છે. તેઓ બનાવટી દસ્તાવેજો બનાવે છે. સવજીભાઈના બનાવટી દસ્તાવેજોમાં પણ નામ સવજીભાઈનું છે, ફોટો કોઈ અન્ય વ્યક્તિનો છે અને સહી વળી કોઈ ત્રીજાએ જ કરી હોય એવું લાગે છે. એથી સવજીભાઈએ એની સામે પોલીસમાં એફઆઇઆર પણ કરાવ્યો છે.’
ADVERTISEMENT
મુકેશ ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે ‘આ ગૅન્ગની મોડસ ઑપરેન્ડી એવી છે કે તેઓ બનાવટી દસ્તાવેજોથી પહેલાં જમીન પોતાના નામે કરાવી લે છે અને પછી જ્યારે ઍક્ચ્યુઅલ પાર્ટી એ માટે વાંધો ઉઠાવે ત્યારે તેની પાસે એ જમીન પાછી તેના નામે કરી દેવા સેટલમેન્ટના નામે ખંડણી પડાવે છે. હમણાં જ એક પાર્ટી પાસેથી તેમણે આ રીતે ૧.૫૦ કરોડ રૂપિયા પડાવ્યા હતા. સવજીભાઈને પણ કોઈ વચેટિયાએ એ રીતે સેટલમેન્ટ કરવાની ઑફર આપવા ફોન પણ કર્યો હતો. જોકે એમાં આગળ શું થયું એની ખબર નથી. અમને લાગે છે એ જમીનના વિવાદને કારણે સવજીભાઈની હત્યા થઈ હોઈ શકે. બીજું, તેઓ ગુજરાત વિધાનસભાના ઇલેક્શન વખતે પણ ઍક્ટિવ હતા. એને કારણે પણ આવું બની શકે. અમને ચોક્કસ જાણ નથી, પણ શંકા છે અને અમે એ અમારા સ્ટેટમેન્ટમાં પોલીસને જણાવ્યું છે.’
મુકેશ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ‘મુંબઈ અને નવી મુંબઈ મેગા સિટી છે. અહીં લોકો સેફ્ટી મળતી હોવાથી રહે છે. ધોળે દિવસે આ રીતે કોઈની ગોળી મારી હત્યા થાય એ કઈ રીતે ચાલે? એથી નવી મુંબઈના બિલ્ડરોનું એક પ્રતિનિધિમંડળ એકાદ-બે દિવસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા જવાનું છે અને આ બાબતે રજૂઆત કરવાનું છે.’
નવી મુંબઈ પોલીસ આ બાબતે અગ્રેસિવ છે અને યોગ્ય રીતે તપાસ ચાલી રહી હોવાનું લાગી રહ્યું છે એમ પણ તેમણે કહ્યું હતું.