રિમ્પલ જૈને કોર્ટને કહ્યું કે મમ્મીનું પડી જવાને લીધે મૃત્યુ થયું હતું, પણ સગાંઓ મિલકત પડાવીને તેને ઘરની બહાર કાઢી મૂકશે એવા ભયને લીધે તેણે મૃતદેહનો નિકાલ કરવાનો નિર્ણય લીધો હતો
Lalbaug Murder Case
વીણાબહેન જૈન, પુત્રી રિમ્પલ જૈન
જો મારા મામા અને સંબંધીઓને જાણ થાત કે મારી મમ્મી મૃત્યુ પામી છે તો તેઓ મને લાલબાગના મારા ઘરમાંથી મને કાઢી મૂકત તથા મારા પેરન્ટ્સની મિલકત અને બૅન્ક-બૅલૅન્સ પડાવી લીધું હોત અને એટલે જ મેં મારી મમ્મી કાનપુર ગઈ હોવાની સ્ટોરી ઊપજાવી કાઢી હતી એમ ૨૪ વર્ષની રિમ્પલે ગઈ કાલે કોર્ટને જણાવ્યું હતું. તેણે તેની માતાની હત્યા કરી હોવાનું જોકે નકારી કાઢ્યું હતું. દરમ્યાન પોલીસ તપાસમાં જણાયું હતું કે રિમ્પલે તેની મમ્મીના મૃતદેહનો નિકાલ કરવાનો નિર્ણય લઈ લીધો હતો અને મમ્મી કથિત રીતે પડી ગયાના માત્ર છ જ કલાકમાં માર્બલ કટર લઈ આવી હતી.
૫૫ વર્ષની મમ્મીની હત્યાની આરોપી રિમ્પલ જૈનની પોલીસ-કસ્ટડી પૂરી થયા બાદ કાલાચૌકી પોલીસ દ્વારા શિવડી કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. ઍડિશનલ મૅજિસ્ટ્રેટ દ્વારા રિમ્પલને કશું કહેવું છે? એમ પૂછવામાં આવતાં રિમ્પલે મક્કમ અવાજમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.
ADVERTISEMENT
રિમ્પલે કહ્યું હતું કે ‘મારા મામાને લાલબાગની નજીકમાં ફ્લૅટ મળતાં તેઓ ૨૦૦૭માં અમને મા-દીકરીને અહીં લાવ્યા હતા. મારી અને મમ્મી વચ્ચે લડાઈ થતી હતી, પણ એ થોડા જ સમય માટે રહેતી હતી. મેં મમ્મીની હત્યા નથી કરી, પણ પડી ગયા બાદ મારી મમ્મીનું મૃત્યુ થયું હતું, પણ બધા મને જ તેની હત્યાની જવાબદાર ગણીને ઘરમાંથી કાઢી મૂકશે એ ડરે મેં તેના મૃતદેહનો નિકાલ કરવાની કોશિશ કરી હતી. મારા સંબંધીઓ મારી મિલકત અને બૅન્ક-બૅલૅન્સ હડપ કરી જશે એનો પણ મને ડર લાગતો હતો. મમ્મીને લકવાનો હુમલો આવ્યા બાદ મેં સૅન્ડવિચવાળા ભૈયા સાથે મળીને મમ્મીને કાનપુર મોકલી આપ્યાની વાત ઊપજાવી કાઢી હતી.’
પોલીસે રિમાન્ડ દરમ્યાન દાવો કર્યો હતો કે રિમ્પલ તપાસમાં સહયોગ નહોતી આપી રહી અને તેઓ જાણવા માગતા હતા કે રિમ્પલે તેની મમ્મીની હત્યા ચોક્કસ કેવી રીતે કરી હતી? આ ઉપરાંત તેઓ તેની સાથે ઘનિષ્ઠ સંપર્ક ધરાવતા લોકોની ભૂમિકા પણ જાણવા માગતા હતા. આમાંથી રિમ્પલના બૉયફ્રેન્ડ અને સૅન્ડવિચવાળાની પૂછપરછ કરવાની હજી બાકી છે. આ હત્યામાં વધુ લોકો સામેલ છે કે નહીં એ જાણવા માટે પોલીસે તેની કસ્ટડી લંબાવવાની માગણી કરી હતી.
તમામ દલીલો સાંભળ્યા બાદ રિમ્પલને ૨૪ માર્ચ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.
રિમ્પલના દાવા ક્રૉસ ચેક કરાશે
કોર્ટમાં રિમ્પલે કરેલા ચોંકાવનારા દાવા પછી કાલાચૌકી પોલીસે એની ચકાસણી કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ એ ચકાસવા માગે છે કે લાલબાગમાં રહેવા આવતાં પહેલાં રિમ્પલ વિરારમાં જ જન્મી છે અને સાત વર્ષની વય સુધી અહીં જ રહી છે ત્યારે તેની વિરારની મિલકતની દેખભાળ કોણ કરી રહ્યું છે?
માર્બલ કટર ૨૭ ડિસેમ્બરે ખરીદ્યું
તપાસ મુજબ રિમ્પલ ૨૭ ડિસેમ્બરે બપોરે બહાર જઈને તેની મમ્મીના મૃતદેહના ટુકડા કરવા માર્બલ કટર લઈ આવી હતી. કટર ખરીદવાનો નિર્ણય આશ્ચર્યજનક રીતે ખૂબ જ ઝડપથી લેવામાં આવ્યો હતો. ઘરથી થોડે જ દૂર આવેલા હાર્ડવેઅરની દુકાનના માલિકનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું છે. તેણે રિમ્પલને કટર ખરીદનાર તરીકે ઓળખી કાઢી હતી.
સૅન્ડવિચવાળાને વીણાબેનના મૃત્યુની જાણ હતી
સતત ત્રણ દિવસ સૅન્ડવિચવાલાની પૂછપરછ બાદ તેણે કબૂલ્યું હતું કે રિમ્પલની મમ્મી મૃત્યુ પામી છે એ સત્ય તે જાણતો હતો. ૨૭ ડિસેમ્બરે સૅન્ડવિચવાળો રિમ્પલના ઘરે આવ્યો ત્યારે તેણે તેની મમ્મીને પલંગ પર સૂતેલી જોઈ હતી. તેણે રિમ્પલને પૂછ્યું હતું કે શું તે મૃત્યુ પામી છે? જેનો જવાબ રિમ્પલે હકારમાં આપ્યો હતો.
જોકે સૅન્ડવિચવાળાએ મૃતદેહના ટુકડા કરવામાં રિમ્પલની મદદ કર્યાનો ઇનકાર કર્યો હતો તથા તે વીણાબહેનના મૃત્યુના ૧૨મા દિવસે એટલે કે ૭ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું.