અટલ સેતુ પરથી આત્મહત્યાનો પહેલો પ્રયાસ, દાદરનાં કચ્છી મહિલા ડૉક્ટરે છલાંગ લગાવી દીધી : પોલીસ અને કોસ્ટગાર્ડ ત્રણ દિવસથી દરિયામાં શોધ ચલાવી રહ્યાં છે ડૉ. કિંજલ શાહની
ડૉ. કિંજલ શાહ
દાદર-ઈસ્ટમાં સ્ટેશન નજીક આવેલા દાદાસાહેબ ફાળકે રોડ પર નવીન આશા બિલ્ડિંગમાં આઠમા માળે પરિવાર સાથે રહેતાં ૪૩ વર્ષનાં ઑક્યુપેશનલ રીહૅબિલિટેશન થેરપિસ્ટ ડૉ. કિંજલ શાહ સોમવારે બપોરે ઘરેથી નીકળીને ટૅક્સીમાં અટલ સેતુ પર ગયાં હતાં અને ત્યાં ટૅક્સી અટકાવીને દરિયામાં ઝંપલાવી દીધું હતું. ટૅક્સી-ડ્રાઇવરે આ વિશે પોલીસને જાણ કરી હતી. ત્રણ દિવસથી પોલીસ કોસ્ટગાર્ડ અને સ્થાનિક માછીમારોની મદદથી તેમને શોધવાના પ્રયાસ કરી રહી છે. જોકે બુધવારે મોડી રાત સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નહોતો. ઘરમાંથી તેમના પિતાને તેમણે લખેલી સુસાઇડ-નોટ મળી આવી છે. એમાં તેમણે કહ્યું હતું કે હું અટલ સેતુ જાઉં છું અને ડિપ્રેશનમાં છું. જોકે આ સામે તેમના પરિવારનું કહેવું છે કે અમે જૈન છીએ, અમે કોઈને દોષ દેતા નથી, દોષ અમારો છે.
મૂળ કચ્છના દેસલપુરના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના કાંતિલાલ શાહનો પરિવાર વર્ષોથી નવીન આશા બિલ્ડિંગમાં રહે છે. તેમને ત્રણ દીકરી છે જેમાં કિંજલ વચલી છે. કિંજલ અપરિણીત છે. ભૂતકાળમાં તેણે દાદર-વેસ્ટમાં આવેલા નવનીત જૈન હેલ્થ સેન્ટર અને અન્ય હૉસ્પિટલોમાં સેવા આપી હતી. જોકે હાલ ઘણા સમયથી તેણે પ્રૅક્ટિસ બંધ કરી દીધી હતી.
કિંજલ સોમવારે બપોરે ઘરેથી નીકળી હતી અને ત્યાર બાદ શિંદેવાડી પાસેથી ટૅક્સી પકડીને અટલ સેતુ ગઈ હતી. તેણે ઘરમાં એમ કહ્યું હતું કે હું બહાર જાઉં છું. એ વખતે તેના પિતા ઘરમાં નહોતા. તેના પિતા ઘરે આવ્યા બાદ તેમને કિંજલે લખેલી સુસાઇડ-નોટ મળી હતી જેમાં તે ટૅક્સીમાં અટલ સેતુ પર જીવન ટૂંકાવવા જઈ રહી છે એમ જણાવ્યું હતું. એથી તેના પિતા પહેલાં અટલ સેતુ ગયા હતા અને ત્યાં તે ન મળી આવતાં દાદર-ઈસ્ટના ભોઈવાડા પોલીસ-સ્ટેશનમાં જઈને પોલીસને જાણ કરી હતી. ભોઈવાડા પોલીસે તેની મિસિંગની કમ્પ્લેઇન્ટ દાખલ કરીને શોધ ચાલુ કરી હતી અને તેના બિલ્ડિંગની આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં હતાં.
ADVERTISEMENT
ભોઈવાડા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુભાષ બોરાટેએ ‘મિડ-ડે’ને આપેલી માહિતી મુજબ ટૅક્સી-ડ્રાઇવરે પોલીસના સ્ટેટમેન્ટમાં કહ્યું છે, ‘હું કિંજલ શાહને લઈને ન્હાવા શેવા માટે અટલ સેતુ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે થોડો રસ્તો વટાવ્યા બાદ તેણે મને ટૅક્સી રોકવા કહ્યું હતું, પણ મેં ટૅક્સી રોકી નહોતી. મેં તેને કહ્યું કે અહીં ટૅક્સી રોકી શકાતી નથી, ફાઇન થાય છે. જોકે એમ છતાં કિંજલે મને બે-ત્રણ વાર ટૅક્સી રોકવા દબાણ કર્યું હતું, પણ હું માન્યો નહીં એટલે તેણે મને કહ્યું કે ઓકે એક કામ કર, ટૅક્સી પાછી વાળી લે અને તેં જ્યાંથી મને પિક-અપ કરી હતી ત્યાં જ પાછી મૂકી જા. એથી તેની વાત માનીને મેં બ્રિજ પરથી જ યુ-ટર્ન લીધો હતો. યુ-ટર્ન લેતી વખતે મારે ટૅક્સી એકદમ સ્લો કરવી પડી હતી અને એ વખતે તક ઝડપીને કિંજલ દરવાજો ખોલીને ટૅક્સીમાંથી ઊતરી ગઈ હતી અને તરત જ દરિયામાં ઝંપલાવી દીધું હતું. તેના આ પગલાથી મને પણ શૉક લાગ્યો હતો. એ પછી મેં અટલ સેતુ પરની સિક્યૉરિટી અને પોલીસને આ બાબતની જાણ કરી હતી.’
કિંજલના પિતા કાંતિલાલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જૈન છીએ. અમે કોઈને દોષ આપવા માગતા નથી. બધો દોષ અમારો છે. અમે અમારું સ્ટેટમેન્ટ પોલીસને આપ્યું છે.’
ટાંચાં સાધનો, વિસ્તાર બહુ મોટો
કિંજલ શાહને ભોઈવાડા પોલીસ, ન્હાવા શેવા પોલીસ અને કોસ્ટગાર્ડ શોધી રહ્યાં હતાં. ન્હાવા શેવા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કોટે પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેલ્લા બે દિવસથી કિંજલને શોધી રહ્યા છીએ. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઓથૉરિટી (MMRDA)એ બ્રિજ પરની દીવાલ સહેજ ઊંચી બનાવવી જોઈતી હતી જેથી આવી ઘટના ન બને. બીજું, દરિયામાં કોઈની શોધ ચલાવવી હોય તો અમારી પાસે પૂરતાં અદ્યતન સાધનો નથી. ટાંચાં સાધનો અને અપૂરતા સ્ટાફ સાથે અમારે કામ કરવું પડતું હોય છે. અમે બ્રિજ પરની આ વૉલ ઊંચી કરવા MMRDAને પત્ર પણ લખ્યો છે. જો એ લોકો એને ગંભીરતાથી લે તો સારું.’