કચ્છી સમાજના જાણીતા ઉદ્યોગપતિ, દાનવીર, સમાજરત્ન દામજીભાઈ ઍન્કરવાલાનું રવિવારે રાતે થયું અવસાન : તેમની અંતિમયાત્રામાં અનેક ઉદ્યોગપતિઓ અને કચ્છી સમાજના અનેક અગ્રણીઓએ આપી હાજરી
કચ્છી સમાજના જાણીતા ઉદ્યોગપતિ દામજીભાઈ લાલજી ઍન્કરવાલા
કચ્છી સમાજના જાણીતા ઉદ્યોગપતિ, દાનવીર, સમાજરત્ન દામજીભાઈ લાલજી ઍન્કરવાલા રવિવારે રાતના ૧૦.૩૦ વાગ્યે અરિહંતશરણ પામ્યા હતા. તેમની ઉંમર ૮૬ વર્ષની હતી. ગઈ કાલે તેમના કેમ્પ્સ કૉર્નરના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા અવેન્તા ટાવરમાંથી અંતિમયાત્રા નીકળી ત્યારે મુંબઈના અનેક ઉદ્યોગપતિઓ અને કચ્છી સમાજના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી.
શિક્ષણપ્રેમી, જીવદયાપ્રેમી, દાનવીર દામજીભાઈ ઍન્કરવાલાના અવસાનથી કચ્છી સમાજમાં ઊંડા-ઘેરા શોકની લાગણી પ્રગટી છે એમ જણાવતાં કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજનના મૅનૅજિંગ ટ્રસ્ટી, હીરજી ભોજરાજ સન્સ અને હીરજી ઘેલાભાઈ સાવલા વિદ્યાલય (માટુંગા બોર્ડિંગ)ના ચૅરમૅન તથા કચ્છી જૈન ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી ચંદ્રકાંત ગોગરીએ દામજી ઍન્કરવાલાને શ્રદ્ધાંજલિ આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છી સમાજના માનવતાના મસીહાના વિયોગથી કચ્છી સમાજને મોટી ખોટ પડી છે. તેઓ શાહ ઍન્ડ ઍન્કર કૉલેજના પ્રણેતા અને પ્રાગપર ઍન્કરવાલા પાંજરાપોળના નિર્માણદાતા હતા. આઠ કોટિ નાની પક્ષ સ્થાનકવાસી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન તેમ જ સોનગઢ રત્નાશ્રમ જેવી ઘણી બધી સંસ્થાઓમાં ઉચ્ચ પદે રહી વિકાસનાં ઉત્તમોત્તમ કાર્યો કરીને સમાજમાં તેમની નામના મેળવી હતી. જિંદગીમાં સાદગી, પ્રામાણિકતા અને સંબંધોમાં સાત્ત્વિકતાને આત્મસાત્ કરનાર ઋજુતા અને મૃદુતાના ભંડાર એવા મહામાનવની કચ્છી સમાજમાં સુવાસ અજર અને અમર રહેશે. તેઓ આત્મસિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે એ જ પ્રભુ પ્રાર્થના.’
ADVERTISEMENT
દામજી ઍન્કરવાલાના મૃત્યુથી કચ્છી સમાજ ઊંડા આઘાતમાં સરી પડ્યો છે એમ જણાવતાં શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજનના કાર્યશીલ કારોબારી સભ્ય અને સાડાઉ મુંબઈ મહાજનના ટ્રસ્ટી રમણીકલાલ લાલજી સંગોઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દામજીભાઈ દાનવીર, કર્મવીર, ધર્મવીર, શૂરવીર, જીવદયાપ્રેમી, સમાજરત્ન, સમાજ શિરોમણિના અવસાનથી સમાજને ન પુરાય એવી ખોટ પડી છે. ઘણી બધી સંસ્થાઓને પ્રગતિના પંથે લઈ જવામાં તેમનો સિંહફાળો રહ્યો હતો. તેઓ સાદાઈ અને સાદગીભર્યું જીવન જીવતા હતા. ફક્ત ને ફક્ત માનવજગત પર છલકતી ભારોભાર કરુણા અને બધા જીવો પ્રત્યે જીવદયા તેમના જીવનનો મુખ્ય મંત્ર હતો. પરમાત્મા તેમના આત્માને સિદ્ધ સ્વરૂપ મહાવિદેહમાં ઊંચું સ્થાન આપે.
કચ્છી જૈન રત્ન, ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર દામજીભાઈ ઍન્કરવાલાનું અવસાન થતાં સમગ્ર કચ્છ, બૃહદ્ જૈન સમાજ તથા શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન સેવા સમાજ, કુર્લા ખૂબ જ આઘાતની લાગણી અનુભવે છે એમ જણાવતાં શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન સેવા સમાજ, કુર્લાના પ્રમુખ વીરચંદ મુરજી વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે. એટલે જ તો મરણ કરતાં સંસ્મરણ વધુ યાદગાર બને છે. એમાં દામજીભાઈની સ્મૃતિ એક વરદાન છે. દામજીભાઈ ગયા પણ તેમની યાદ હંમેશાં લોકોના હૃદયમાં જીવંત રહેશે. પરમાત્મા તેમના આત્માને શાશ્વત સુખ આપે એ જ અભ્યર્થના.’
દામજી લાલજી ઍન્કરવાલાના દુઃખદ અવસાનથી ક.વી.ઓ. સમાજ ઉપરાંત અન્ય સમાજો, શૈક્ષિણક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠન તથા અન્ય ક્ષેત્રો જ્યાં તેઓ સંકળાયેલા હતા એમણે એક પથદર્શક, દીર્ઘદ્રષ્ટા અને કાબિલેદાદ સારથિ ગુમાવ્યા છે એમ જણાવતાં મુલુંડ ક.વી.ઓ. સમાજના તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ સૂર્યકાંત કક્કાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેઓ વતનપરસ્ત હતા. જીવદયા, વૈદકીય તથા શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ લાગણી ધરાવતા હતા. કેટલાંય ક્ષેત્રોમાં તેમનું આર્થિક યોગદાન ખૂબ જ સરસ રહ્યું છે. સમાજે એક સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યા છે. તેમનો આત્મા જ્યાં પણ હોય ત્યાંથી શીઘ્રાતિશીઘ્ર પરમપદને પ્રાપ્ત કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના.