કુર્લામાં નવ લોકોનો જીવ લેનારા બસ-ડ્રાઇવરે પહેલી વાર દુર્ઘટના વિશે પોતાનું મોઢું ખોલ્યું
BESTના ડ્રાઇવર સંજય મોરેએ ૯ ડિસેમ્બરે કુર્લામાં જીવલેણ અકસ્માત કર્યો હતો
કોર્ટમાં જતી વખતે મિડ-ડે સાથે કરલી વાતચીતમાં તેણે આરોપ કર્યો કે ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે મને પૂરતી ટ્રેઇનિંગ નહોતી આપવામાં આવી એટલે અકસ્માત થયો ત્યારે મારે શું કરવું જોઈએ એ ખબર નહોતી; આમ છતાં બસને કન્ટ્રોલમાં લેવાના મેં ભરપૂર પ્રયાસ કર્યા હતા, પરંતુ મને એમાં સફળતા નહોતી મળી
નવમી ડિસેમ્બરે કુર્લામાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસે અનેક વાહનોને ટક્કર મારવાની સાથે કચડી નાખવાની ઘટનામાં ૯ લોકોના જીવ જવાની સાથે ૪૯ લોકોને ઈજા થઈ હતી. આ ઘટના વિશે ધરપકડ કરવામાં આવેલા બસના ડ્રાઇવર સંજય મોરેને કુર્લા મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BESTની ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે મને પૂરતી ટ્રેઇનિંગ નહોતી આપવામાં આવી. આથી અકસ્માત થયો ત્યારે મારે શું કરવું જોઈએ એની મને ખબર નહોતી. બસને કન્ટ્રોલમાં લેવાના મેં ભરપૂર પ્રયાસ કર્યા હતા, પરંતુ મને એમાં સફળતા નહોતી મળી. ઓછામાં ઓછું નુકસાન થાય અને બસની સ્પીડ ઓછી કરવા માટે મેં બસને ડાબી બાજુ વાળી હતી. જેને લીધે અનેક વાહનો અને લોકો બસની અડફેટે આવી ગયાં હતાં. અકસ્માત બાદ મારે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડશે અને કોઈ મારી ભારે મારપીટ કરીને મને મારી નાખશે એવો ડર લાગ્યો હતો. જોકે એક અજાણી વ્યક્તિએ મને બચાવી લીધો હતો અને બાદમાં પોલીસ મને ઘટનાસ્થળેથી દૂર લઈ ગઈ હતી.’
ADVERTISEMENT
અકસ્માત કઈ રીતે થયો એ વિશે તેણે કહ્યું હતું કે બસમાં નાનકડો સ્પાર્ક જોઈને હું ગભરાઈ ગયો હતો અને બસ પરથી મેં નિયંત્રણ ગુમાવી દીધું હતું દરમ્યાન સંજય મોરેના પુત્રે કહ્યું હતું કે ‘અકસ્માત થયા બાદથી તેઓ સૂઈ નથી શક્યા. તેઓ જ્યારે ઘરે હતા ત્યારે અવારનાર ફરિયાદ કરતા હતા કે તેમણે ઘણાબધા કલાક કામ કરવું પડે છે અને બસના કૉન્ટ્રેક્ટરો ડ્રાઇવરો સાથે ગુલામ જેવું વર્તન કરે છે. મારા પિતા ખૂબ સારા ડ્રાઇવર છે. જોકે આ ઍક્સિડન્ટની ઘટના બાદ તેમનો આત્મવિશ્વાસ પડી ભાંગ્યો છે. ડ્રાઇવરોને પૂરતી તાલીમ ન આપવા બદલ કૉન્ટ્રૅક્ટરો સામે પણ ગુનો નોંધવો જોઈએ.’
ડ્રાઇવર સંજય મોરેના વકીલ સમાધાન સુલાનેએ કહ્યું હતું કે ‘મારા અસીલે તપાસમાં પૂરતો સહયોગ કર્યો છે. તેણે પોલીસ અને મને કહ્યું છે કે BESTએ તેને પૂરતી ટ્રેઇનિંગ નથી આપી. દિંડોશીમાં માત્ર ત્રણ દિવસની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી, જેમાં માત્ર ઇલેક્ટ્રિક બસની માહિતીનાં સેશન્સ જ રાખવામાં આવ્યાં હતાં. તેને બસ રસ્તામાં ચલાવવાનો મોકો નહોતો આપ્યો. ટ્રેઇનિંગને નામે માત્ર બસના બે રાઉન્ડ જ મારવાનું કહેવામાં આવ્યું હતું. મારા અસીલે આ સંબંધી નિવેદન આપ્યું હોવા છતાં પોલીસ ટ્રેઇનિંગ-પ્રોસેસની તપાસ કરવા નથી માગતી. ૯ ડિસેમ્બરે તેણે બસનો પહેલો રાઉન્ડ પૂરો કર્યો હતો ત્યારે બસમાં કોઈ ખામી નહોતી જણાઈ. બસના બીજા રાઉન્ડમાં તેણે બસમાં નાનકડો સ્પાર્ક જોયો હતો એ બાદ બસ પરથી તેનો કન્ટ્રોલ જતો રહ્યો હતો.’