પ્રિવિલેજ કમિટીના ચૅરમૅન પ્રસાદ લાડ અને અન્ય સભ્યો હવે આ નોટિસને રિવ્યુ કરશે અને એમાં જો તેમને મેરિટ દેખાશે તો ગૃહમાં એને ચર્ચા માટે લાવવામાં આવશે.
કુણાલ કામરા
સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરા અને ઉદ્ધવસેનાનાં નેતા સુષમા અંધારે ખિલાફ વિધાન પરિષદમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પ્રવીણ દરેકરે જે હકભંગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો એને વિધાન પરિષદના ચૅરપર્સન પ્રોફેસર રામ શિંદેએ મંજૂર કરીને પ્રિવિલેજ કમિટીને આગળની કાર્યવાહી માટે મોકલી આપ્યો છે.
વિધાન પરિષદના ચૅરપર્સન પ્રોફેસર રામ શિંદેએ કહ્યું હતું કે ‘કુણાલ કામરા અને સુષમા અંધારેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટે ગદ્દાર શબ્દ વાપર્યો હોવાથી મેં હકભંગના પ્રસ્તાવને મંજૂરી આપીને એેને પ્રિવિલેજ કમિટીના ચૅરમૅન પ્રસાદ લાડને મોકલી આપ્યો છે. હવે આગળની કાર્યવાહીનો નિર્ણય આ કમિટી લેશે.’
ADVERTISEMENT
પ્રિવિલેજ કમિટીના ચૅરમૅન પ્રસાદ લાડ અને અન્ય સભ્યો હવે આ નોટિસને રિવ્યુ કરશે અને એમાં જો તેમને મેરિટ દેખાશે તો ગૃહમાં એને ચર્ચા માટે લાવવામાં આવશે.
બુધવારે પ્રવીણ દરેકરે આ પ્રસ્તાવ રજૂ કરતી વખતે કહ્યું હતું કે ‘સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે એક કવિતા કહી હતી. આ જ કવિતાને સુષમા અંધારેએ પણ રિપીટ કરી હતી. ત્યાર બાદ તેમણે બીજી કવિતા બોલીને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી હતી. સુષમા અંધારેએ સોશ્યલ મીડિયા પર બોલતી વખતે પણ નાયબ મુખ્ય પ્રધાન માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. સુષમા અંધારેએ બન્ને સભાગૃહનું અપમાન કર્યું છે. સુષમા અંધારેએ કરેલી વાંધાજનક ભાષાના ઉપયોગ અને કુણાલ કામરાએ એકનાથ શિંદેના કરેલા અપમાન બદલ મેં બન્ને સામે હકભંગનો પ્રસ્તાવ વિધાન પરિષદમાં મૂક્યો હતો.’
વિધાનસભાના હકભંગ પ્રસ્તાવનો નિર્ણય હજી બાકી
વિધાન પરિષદની સાથે વિધાનસભામાં પણ સુષમા અંધારેની સામે હકભંગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. શિંદેસેનાના વિધાનસભ્ય રમેશ બોરણારે દ્વારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિશે એલફેલ બોલવા બદલ આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેને રાજ્યકક્ષાના ફાઇનૅન્સ મિનિસ્ટર આશિષ જાયસવાલે અનુમોદન આપ્યું હતું. જોકે એના વિશે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે હજી કોઈ નિર્ણય નથી લીધો.
કુણાલ કામરાને ટાયરમાં નાખીને થર્ડ ડિગ્રી આપીશું
રાજ્યના કૅબિનેટ પ્રધાન શંભુરાજ દેસાઈએ કહ્યું...
નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેની મજાક ઉડાવનારો સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરા અજાણી જગ્યાએ છુપાઈ ગયો છે ત્યારે રાજ્યના કૅબિનેટ પ્રધાન અને શિવસેનાના વિધાનસભ્ય શંભુરાજ દેસાઈએ ગઈ કાલે કહ્યું હતું કે ‘કુણાલ કામરાનું પૅરોડી ગીત શૂટ કરાયું હતું એ ખારના હૅબિટેટ સ્ટુડિયોમાં કાર્યવાહી કરીને શિવસૈનિકોએ પ્રસાદ ચખાડ્યો છે. કુણાલ કામરા હદથી આગળ વધી રહ્યો છે એટલે તેને ટાયરમાં નાખીને થર્ડ ડિગ્રી આપીશું. અત્યારે અમને એકનાથ શિંદેએ કંઈ પણ ન કરવાનો આદેશ આપ્યો છે એટલે ચૂપ છીએ. કુણાલ કામરાએ એકનાથ શિંદે ઉપરાંત નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મૅડમ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે અપશબ્દો કહ્યા છે. સુપ્રીમ કોર્ટ વિશે પણ ખોટું નિવેદન કર્યું છે. તેને શિવસેનાની સ્ટાઇલમાં જવાબ આપવાનો સમય આવી ગયો છે. કુણાલ કામરા શરણે નહીં આવે તો તેને પાતાળમાંથી પણ શોધી કાઢીશું. તે કહે ત્યાં અમે તેને મળવા તૈયાર છીએ.’
કુણાલ કામરાને આતંકવાદી સંગઠન રૂપિયા આપે છે
શિવસેનાના યુવા ગટનેતા રાહુલ કનાલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું...
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મજાક ઉડાવનારા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરા સામે શિવસેનાના યુવા ગટનેતા રાહુલ કનાલે ગંભીર આરોપ કર્યા છે. રાહુલ કનાલે ખાર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં નોંધ્યું છે કે ‘કુણાલ કામરાએ વડા પ્રધાન, નાણાપ્રધાન, કેન્દ્રીય ગૃહપ્રધાન, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સહિતના અનેક મોટા નેતાઓની પૅરોડી કરી છે. ‘હમ હોંગે કામિયાબ’ ગીતનું તેણે ‘હમ હોંગે કંગાલ’ બનાવ્યું છે. આ અત્યંત વાંધાજનક છે. કૅનેડા, અમેરિકા અને પાકિસ્તાનમાંથી તેને ડૉલર અને યુરોમાં પેમેન્ટ કરવામાં આવે છે એટલું જ નહીં, આતંકવાદી સંગઠનમાંથી તેને એક દિવસ પહેલાં જ ૪૦૦ ડૉલરનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું. અમારી પાસે આના પુરાવા છે જેની કૉપી પોલીસને આપી છે. પોલીસે યુટ્યુબ ચૅનલને આ અંગેની ફરિયાદ કરીને ૨૪ કલાકમાં કુણાલ કામરાની ચૅનલનું અકાઉન્ટ બંધ કરાવવું જોઈએ. નાયબ મુખ્ય પ્રધાનની બદનામી કરવા માટે કુણાલ કામરાએ દોઢથી બે કરોડ રૂપિયાની ડીલ ભારતના વિરોધીઓ સાથે કરી હોવાની શક્યતા છે એની પોલીસે તપાસ કરવી જોઈએ.’
મિસ્ટર ઇન્ડિયા ફિલ્મના હવા હવાઈ ગીતની પૅરોડી બનાવી હોવાથી કુણાલ કામરા હવે કૉપીરાઇટમાં ફસાયો
સ્ટૅન્ડ-અપ કૉમેડિયનને ટી-સિરીઝ કંપનીએ નોટિસ મોકલી : જોકે એની સામે કુણાલે કહ્યું કે પૅરોડીમાં તેણે ગીતના શબ્દો અને મ્યુઝિકનો ઉપયોગ નથી કર્યો
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મજાક કરીને વિવાદમાં સપડાયેલા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ ૧૯૮૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ના હવા હવાઈ ગીતની પૅરોડી સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. આ ગીતના કૉપીરાઇટ ટી-સિરીઝ કંપની પાસે છે. આથી ટી-સિરીઝે કુણાલ કામરાને કૉપીરાઇટનો ભંગ કરવાની નોટિસ મોકલી છે એટલું જ નહીં, કુણાલ કામરાએ યુટ્યુબમાં પોસ્ટ કરેલા વિડિયોને પણ ટી-સિરીઝની ફરિયાદને લીધે બ્લૉક કરી દેવામાં આવ્યો છે એટલે હવે આ વિડિયો જોઈ નહીં શકાય અને કૉપીરાઇટના કારણસર કુણાલ કામરાને આ વિડિયોમાં યુટ્યુબ તરફથી કોઈ વળતર પણ નહીં મળે.
ટી-સિરીઝની કાર્યવાહી બાદ કુણાલ કામરાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરી હતી, જેમાં યુટ્યુબનો સ્ક્રીન-શૉટ શૅર કરીને લખ્યું હતું કે ‘મારો ‘નયા ભારત’ વિડિયો કૉપીરાઇટનું ઉલ્લંઘન કરવાનું કહીને યુટ્યુબમાં બ્લૉક કરવામાં આવ્યો છે. ટી-સિરીઝને કહેવા માગું છું કે કોઈના ઇશારે આવું વર્તન ન કરો. મજાક-મશ્કરી કરવી એ કાયદેસર છે. મેં ગીતના શબ્દો કે મ્યુઝિકનો ઉપયોગ મારા વિડિયોમાં નથી કર્યો. તમે મારો વિડિયો યુટ્યુબ પરથી હટાવશો તો આવા દરેક ફિલ્મના ગીત અને ડાન્સનો વિડિયો હટાવવો પડશે. મેકર્સ, પ્લીઝ આના પર ધ્યાન આપો. ટી-સિરીઝ, તમારી માહિતી માટે હું અત્યારે તામિલનાડુમાં છું.’

