BJPના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાનો સવાલ
કિરીટ સોમૈયા
ગોરેગામ-ઈસ્ટમાં ફિલ્મસિટી રોડ પર સુવિધા શૌચાલયની પાછળ કુબા ફૈઝાન-એ-રઝા નામના ટ્રસ્ટની મસ્જિદ આવેલી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની જગ્યામાં આ મસ્જિદની બાજુના મોબાઇલના ટાવરમાં ૮ લાઉડસ્પીકર લગાવવામાં આવ્યાં છે. આ લાઉડસ્પીકરમાંથી દિવસમાં પાંચ વખત મોટા અવાજે આઝાન કરવામાં આવતી હોવાનું જાણ્યા બાદ ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ આ મસ્જિદની પોલીસ અને BMCના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
કિરીટ સોમૈયાએ બાદમાં દિંડોશી પોલીસ-સ્ટેશનમાં જઈને સિનિયર ઇન્સ્પેક્ટર સાથે લાઉડસ્પીકર બાબતે ચર્ચા કરી હતી. કિરીટ સોમૈયાએ મુંબઈના ડેપ્યુટી પોલીસ-કમિશનર (ઝોન-૧૨)ને ગઈ કાલે પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે ‘મેં આજે સાંજના સાડાચાર વાગ્યે ફિલ્મસિટી રોડ પર સંતોષનગરની પાસેના સુવિધા શૌચાલયની પાછળ આવેલી ગેરકાયદે મસ્જિદની સ્થાનિક પોલીસ અને BMCના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. મસ્જિદનાં ૮ લાઉડસ્પીકર બાજુમાં આવેલા મોબાઇલના ટાવર પર લગાવવામાં આવ્યાં છે જેને લીધે સવારથી રાત સુધી ધ્વનિપ્રદૂષણ થઈ રહ્યું છે. મસ્જિદ BJPની જગ્યામાં ગેરકાયદે બાંધીને લૅન્ડ જેહાદ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં સ્પષ્ટપણે કહ્યું છે કે ધર્મસ્થળના લાઉડસ્પીકરમાંથી નક્કી કરવામાં આવેલી મર્યાદાથી વધુ અવાજ થતો હોય તો એ જોવાનું કામ સ્થાનિક પોલીસનું છે. નિયમનો ભંગ થતો હોય તો કાર્યવાહી કરીને લાઉડસ્પીકરની પરવાનગી કાયમ માટે રદ કરવાનું મુખ્ય પ્રધાને કહ્યું હતું. આથી BMC દ્વારા પોલીસના સહયોગથી ગેરકાયદે મસ્જિદ, ગેરકાયદે મોબાઇલ ટાવર અને એના પરનાં લાઉડસ્પીકર હટાવવામાં આવે. ૨૪ કલાકમાં આ કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગણી છે.’

