Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાભપાંચમે ટોચની ડાયમન્ડ કંપનીના મુંબઈમાંથી ઉચાળા

લાભપાંચમે ટોચની ડાયમન્ડ કંપનીના મુંબઈમાંથી ઉચાળા

Published : 25 October, 2023 07:10 AM | IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

કિરણ જેમ્સ મુંબઈના ભારત ડાયમન્ડ બુર્સની ઑફિસ બંધ કરીને સુરત ડાયમન્ડ બુર્સમાં કામકાજ શરૂ કરશે ઃ વર્ષોથી મુંબઈની ઑફિસમાં કામ કરતા ૧૨૦૦ જણના સ્ટાફ માટે સુરતમાં તમામ સુવિધા સાથેની ટાઉનશિપ ઊભી કરી

કિરણ જેમ્સ

કિરણ જેમ્સ



મુંબઈ ઃ ડાયમન્ડ પૉલિશ કરવાનું સૌથી મોટું સેન્ટર સુરત છે. અહીં દુનિયાના ૧૦માંથી ૯ ડાયમન્ડ તૈયાર કરવામાં આવે છે અને અત્યાર સુધી એનું ભારતમાં વેચાણ મુંબઈમાં આવેલી ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી) મારફત કરવામાં આવે છે. જોકે મુંબઈની જેમ સુરતમાં પણ ડાયમન્ડનું મોટું વેચાણ-સેન્ટર બને એ માટે સુરતના ખજોદમાં ૪૩૦૦ ઑફિસ ધરાવતું દુનિયાનું સૌથી મોટું સુરત ડાયમન્ડ બુર્સ (એસડીબી) બનાવવામાં આવ્યું છે. મુંબઈના હીરાના વેપારીઓ સુરત જશે કે નહીં અને તેમને કેટલી સફળતા મળશે એવા સવાલ ઊભા થયા હતા. સુરત ડાયમન્ડ બુર્સ મુંબઈની તોલે નહીં આવે અને મુંબઈ જેવી સફળતા નહીં જ મળે એવી વાતો થતી હતી, પણ સુરત ડાયમન્ડ બુર્સ તૈયાર થઈ ગયું છે અને ૧૦૦૦ જેટલા હીરાના વેપારીઓ દિવાળી બાદ લાભપાંચમે એસડીબીમાં તેમની ઑફિસ શરૂ કરી રહ્યા છે. આમાં મુંબઈમાં ઑફિસ ધરાવતી ટોચની કંપની કિરણ જેમ્સનું નામ પણ સામેલ છે, જે લાભપાંચમે મુંબઈની ઑફિસને તાળાં મારીને સુરતમાં કામકાજ શરૂ કરવા જઈ રહી છે. આ કંપનીએ મુંબઈમાં વર્ષોથી કામ કરતા ૧૨૦૦ જણના સ્ટાફ માટે સુરતમાં તમામ સુવિધા સાથેની ટાઉનશિપ તૈયાર કરી છે.


ડાયમન્ડ ઉદ્યોગની ટોચની કંપની કિરણ જેમ્સના ડિરેક્ટર અને વિશ્વના સૌથી મોટા સુરત ડાયમન્ડ બુર્સના ચૅરમૅન વલ્લભભાઈ લાખાણીએ મુંબઈના ભારત ડાયમન્ડ બુર્સમાંથી ૧૭,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર શિફ્ટ કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. વલ્લભભાઈ લાખાણી (પટેલ)એ ભારત સરકારની નવરત્ન કંપનીઓ એનટીપીસી અને ઓએનજીસીની જેમ સુરતના જિયાવ ગામમાં ૪૦,૦૦૦ વાર જમીન પર પ્રાઇવેટ ટાઉનશશિપ ઊભી કરી છે.



૧૨૦૦ કર્મચારીઓ માટેની ભવ્ય ટાઉનશિપ
આ ટાઉનશિપમાં મુંબઈથી શિફ્ટ થનારા ૧૨૦૦ કર્મચારીઓ માટે ફાઇવસ્ટાર હોટેલની રૂમ જેવા ભવ્ય ટૂ-બીએચકે ફ્લૅટવાળા અપાર્ટમેન્ટ્સ બાંધ્યા છે. કર્મચારીઓનો પરિવાર ટાઉનશિપમાં જ જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે એ માટે વૉલમાર્ટ જેવી માર્કેટ-વ્યવસ્થા પણ ઊભી કરી છે. કિરણ જેમ્સ અંદાજે ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર સાથે લાંબા સમયથી હીરાઉદ્યોગમાં અગ્રણી કંપની છે. કંપનીની ૧૨,૦૦૦ ચોરસ ફીટની હેડ ઑફિસ અત્યારે મુંબઈના ભારત ડાયમન્ડ બુર્સમાં છે.


ડાયમન્ડ બુર્સથી ૧૦ મિનિટનું અંતર
પલસાણા-હઝીરા સ્ટેટ હાઇવે ૧૬૮ ઉપર ખજોદના સુરત ડાયમન્ડ બુર્સથી માત્ર ૧૦ મિનિટના અંતરે કર્મચારીઓ માટે કિરણ જેમ્સે ટાઉનશિપ ઊભી કરી છે. દિવાળી બાદ ૨૧ નવેમ્બરે લાભપાંચમે સુરત ડાયમન્ડ બુર્સમાં કિરણ જેમ્સની ૧.૧૭ લાખ ચોરસ ફીટની અત્યાધુનિક ઑફિસ શરૂ થશે. ટાઉનશિપમાં દવાખાનું, રેસ્ટોરાં, કૅન્ટીન, કપડાં, જૂતાં-ચંપલ, સ્ટેશનરી, શાકભાજી અને ડેરીથી લઈને જીવનજરૂરિયાતની દરેક વસ્તુઓ કૅમ્પસમાં સસ્તા દરે મળી રહે એ માટે બે માળ માર્કેટ સ્પેસ માટે અનામત રાખ્યા છે.

દિવાળી પછી મુંબઈની ઑફિસને તાળું લાગશે
સુરત ડાયમન્ડ બુર્સના ચૅરમૅન અને કિરણ જેમ્સના ડિરેક્ટર વલ્લભભાઈ લાખાણીએ માહિતી આપી હતી કે મુંબઈની કૉર્પોરેટ ઑફિસના ૧૨૦૦ કર્મચારીઓ માટે સુરતના કુદરતી માહોલમાં કિરણ ઍવન્યુના નામે ટાઉનશિપ ઊભી કરી છે. પ્રથમ અમે ખજોદમાં વિશ્વનો સૌથી મોટો ડાયમન્ડ બુર્સ બનાવ્યો, એની સાથે અમે મુંબઈમાં અમારા કર્મચારીઓ માટે અપાર્ટમેન્ટ્સ બનાવ્યા.’


૩-૪ ટકાનો ફાયદો
મુંબઈને બદલે એસડીબીમાં કામકાજ શરૂ કરવાથી ડાયમન્ડ કંપનીઓને સમૃદ્ધ સામાજિક જીવનની દૃષ્ટિએ ફાયદો થશે. એ સિવાય મુંબઈની સરખામણીએ પ્રવાસનો સમય માત્ર ૧૦ મિનિટ થઈ જશે. રિયલ એસ્ટેટના ભાવમાં તફાવત અને પૉલિશ્ડ હીરાના ભાવમાં ૩-૪ ટકાનો ફાયદો થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને કિરણ જેમ્સે મુંબઈની ઑફિસ બંધ કરીને સુરતમાં કામકાજ શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

સુરત ડાયમન્ડ બુર્સે ૨૦૨૫ સુધી વાર્ષિક ૪ લાખ કરોડના પૉલિશ્ડ હીરાની નિકાસનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ ડિસેમ્બરે એનું વિધિવત્ ઉદ્ઘાટન કરશે, પણ એ પહેલાં લાભપાંચમે અહીં ડાયમન્ડ ટ્રેડિંગ સત્તાવાર રીતે ૨૧ નવેમ્બરથી શરૂ થઈ જશે.

 

 

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2023 07:10 AM IST | Mumbai | Prakash Bambhroliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK