મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર મોટા પ્રમાણમાં વાહનચાલકો પ્રતિ કલાક ૧૦૦ કિલોમીટરની ઝડપનો ભંગ કરતા હોવા છતાં પોલીસ દરરોજ ફક્ત ૧૦૦ લોકોને જ દંડ કરી શકે છે
કિલર હાઇવે
હાઇવે પર ઝડપથી આવતાં વાહનોની સ્પીડ પૅટ્રોલિંગ કારમાં મૂકવામાં આવેલી સ્પીડ ગનથી આવી રીતે ચેક કરવામાં આવે છે. (તસવીર : અતુલ કાંબળે)
ભારતના સૌથી બિઝી ગણાતા મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર પ્રતિ કલાક ૧૦૦ કિલોમીટરની સ્પીડ-મર્યાદા છે. આમ છતાં અનેક વાહનચાલકો નિશ્ચિત મર્યાદાથી ઘણી વધુ સ્પીડે વાહનો ચલાવીને અકસ્માત નોતરતા હોવાનું જાણવા મળ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આ હાઇવે પર સ્પીડ ચેક કરવા માટે સ્પીડ-ગનથી સજ્જ પૅટ્રોલિંગ કાર મર્યાદિત જ છે. એને લીધે વધુ પડતી સ્પીડથી જતા વાહનચાલકો સામે કાર્યવાહી નથી થઈ શકતી. એટલું જ નહીં, તલાસરીથી મનોર સુધીના ભાગમાં હાઇવે પર ઇલેક્ટ્રિસિટી નથી એટલે હાઈ ડેફિનિશન કૅમેરા મૂકવામાં આવ્યા નથી. આનો ફાયદો કેટલાક વાહનચાલકો ઉઠાવે છે.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વાહનોની વધુ પડતી સ્પીડને લીધે મોટા ભાગના ઍક્સિડન્ટ થતા હોવાનું કહેવાય છે. આથી આ હાઇવે પર સ્પીડ-લિમિટ કેટલી છે અને સ્પીડ ચેક કરવા માટે કેવી અને કેટલી વ્યવસ્થા છે એ જાણવા માટે અમે મનોર, ચારોટી અને તલાસરી પર જઈને હાઇવે ટ્રાફિક પોલીસ પાસેથી આ બાબતે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કેટલીક ચોંકાવનારી વાતો જાણવા મળી હતી.
ADVERTISEMENT
મનોરથી તલાસરી સુધી વીજળી નથી
હાઇવે ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ સૌથી મહત્ત્વના એવા આ હાઇવે પર મનોરથી તલાસરી એટલે કે ગુજરાતની બૉર્ડર સુધીના ભાગમાં પહાડ અને જંગલ આવેલાં હોવાથી અહીં હજી સુધી વીજળીની સુવિધા નથી. રાતના સમયે કોઈ ઘટના બને તો વાહનોની લાઇટને આધારે જ કામ થાય છે. બીજું, સૌથી મહત્ત્વનું એ છે કે વીજળીની સુવિધા નથી એટલે આ વિસ્તારમાં વાહનોની સ્પીડ પકડી શકે એવા હાઈ સ્પીડ કૅમેરા કે ફિક્સ સ્પીડ ગન નથી મૂકી શકાયાં. મોટા ભાગના વાહનચાલકો અને એમાં પણ ખાસ કરીને કારચાલકો આ વાત જાણે છે એટલે તેઓ આ વિસ્તારમાં હાઇવે ખુલ્લો હોય તો મર્યાદત ૧૦૦ કિલોમીટરને બદલે ૧૨૦થી ૧૫૦ કિલોમીટરની ઝડપે વાહનો ચલાવે છે અને ક્યારેક અકસ્માત નોતરી બેસે છે.
વધુ પડતી સ્પીડમાં સાયરસ મિસ્ત્રીએ જીવ ગુમાવ્યો?
ચારોટી ટોલનાકા પાસે સૂર્યા નદીના બ્રિજના ડિવાઇડર સાથે સાયરસ મિસ્ત્રીની કાર અથડાઈ હતી અને એમાં તેમનું તથા તેમના ફૅમિલી ફ્રેન્ડ જહાંગીર પંડોલેનાં મૃત્યુ થયાં હતાં. હાઇવે પોલીસના કહેવા મુજબ એ કાર હાઈ-એન્ડ મર્સિડીઝ કાર હતી. આવી કાર ગણતરીની સેકન્ડમાં સ્પીડ પકડી લે છે. ચારોટી ટોલનાકા કે કાસા રોડ ઓવરબ્રિજ કે આસપાસ કોઈ જગ્યાએ વાહનની સ્પીડ ચેક કરવા માટેની યંત્રણા નથી, પરંતુ કારના સ્પીડોમીટરમાં કાર મર્યાદિત સ્પીડથી વધુ ઝડપમાં હતી ત્યારે એ ટકરાઈ હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. આ વિસ્તારમાં જો ઇલેક્ટ્રિસિટી હોત તો અહીં સ્પીડ ગન કે હાઈ ડેફિનિશન કૅમેરા મૂકી શકાયા હોત અને કાર ચલાવી રહેલા ડૉ. અનાહિતા પંડોલેએ સ્પીડ-લિમિટનાં સાઇન બોર્ડ જોઈને કાર સ્લો કરી લીધી હોત.
રોજ ૧૦૦ વાહનચાલકો સામે જ કાર્યવાહી
હાઇવે પર પૅટ્રોલિંગ કરતી કારમાં પાછળના ભાગમાં સ્પીડ ગન ફિક્સ કરવામાં આવી છે. પોલીસ અવારનવાર હાઇવેની એક સાઇડમાં આ કાર ઊભી રાખીને વાહનોની સ્પીડ ચેક કરે છે. દરરોજ સરેરાશ ૧૦૦ જેટલા વાહનચાલકો મર્યાદિત ૧૦૦ કિલોમીટરની સ્પીડથી વધુ ઝડપથી વાહનો ચલાવતા ઝડપાય છે. હાઇવે પોલીસ દિવસ દરમ્યાન જ હાઇવે પર પૅટ્રોલિંગ કરે છે. રાતના સમયે સ્પીડ ગન હોતી નથી કે હાઇવે પૅટ્રોલિંગ નથી થતું એટલે મોટા ભાગે રાતના સમયે રસ્તો ખુલ્લો મળે છે ત્યારે ખાસ કરીને કારચાલકો આગળ જઈ રહેલા ભારે વાહનોની વચ્ચે કટ મારીને ૧૨૦થી ૧૫૦ કિલોમીટરની ઝડપથી વાહનો ચલાવીને અકસ્માતનું જોખમ નોતરતા હોવાનું જણાઈ આવ્યું છે. હાઇવે પર વીજળી હોય તો વિવિધ સ્થળે સ્પીડ પકડતા હાઈ ડેફિનિશન કૅમેરાની મદદથી રાતના સમયે બેફામ વાહનો ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી થઈ શકે એવો મત હાઇવે ટ્રાફિક પોલીસનો છે.
કેવી રીતે સ્પીડ ચેક કરાય છે?
વાહનોની સ્પીડ જાણવા માટે સ્પીડ ગન કેવી રીતે કામ કરે છે અને સ્પીડ કેવી રીતે ચેક થાય છે એ વિશે ચારોટી હાઇવે ટ્રાફિક પોલીસની ટીમના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઇવે પર બ્રિજ પરથી ઊતરતી વખતે વાહનો વધુ સ્પીડમાં હોય છે, પણ અમે એ સમયે સ્પીડ ચેક નથી કરતા. બેથી ત્રણ કિલોમીટર સુધી રસ્તો સ્ટ્રેઇટ અને ઉપર-નીચે ન થતો હોય એવી જગ્યાએ સ્પીડ ગનથી વાહનોની સ્પીડ ચેક કરીએ છીએ. પૅટ્રોલિંગ કારમાં બેસેલા ટ્રાફિક કર્મચારી સ્પીડ ગન ઑપરેટ કરે છે. વાહન એકાદ કિલોમીટર દૂર હોય ત્યારથી આ કર્મચારી સ્પીડ ગનમાં એક બટન દબાવે છે ત્યારે વાહનની સ્પીડ રેકૉર્ડ થાય છે. આ યંત્રણા ઑટોમૅટિક છે એટલે વાહનની નંબરપ્લેટ ગનમાં રીડ થાય છે અને તરત એ વાહનની માહિતી હાઇવે કન્ટ્રોલને મોકલી આપે છે. બાદમાં હાઇવે કન્ટ્રોલ એ માહિતીના આધારે વાહનચાલકને ૨૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનો મેસેજ મોકલી આપે છે. હાઇવે પર વિવિધ જગ્યાએ પૅટ્રોલિંગ કાર ઊભી રાખીને દરરોજ સેંકડો વાહનોની સ્પીડ તપાસમાં આવે છે અને એમાંથી વધુ પડતી સ્પીડથી જતાં ૧૦૦ જેટલાં વાહનોને દંડ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો અસંખ્ય વાહનો વધુ પડતી સ્પીડથી પસાર થાય છે, પણ હાઇવે ટ્રાફિક પોલીસ પાસે મર્યાદિત યંત્રણા છે એટલે નિયમોનો ભંગ કરનારા આવા વાહનચાલકો સામે કાર્યવાહી નથી થઈ શકતી.’
મનોરથી તલાસરીમાં વધુ કેસ
૧૦૦ કિલોમીટરની મર્યાદાનો ભંગ મનોરથી તલાસરી સુધીના હાઇવે પર થાય છે. આ વિશે મનોર હાઇવે પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ પટ્ટામાં ક્રૉસિંગ ઓછાં છે અને હાઇવેની ત્રણેય લાઇન પહોળી છે એટલે હાઇવે ખુલ્લો દેખાતાં જ વાહનચાલકો સ્પીડ-મર્યાદા ભૂલી જઈને ૧૨૦થી ૧૫૦ કિલોમીટરની ઝડપે વાહનો ચલાવતા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. ખાસ કરીને હાઈ-એન્ડ કારચાલકો અહીં સ્પીડ-લિમિટનો ભંગ કરે છે. વધુ પડતી સ્પીડમાં વળાંક પર કે વાહનને ઓવરટેક કરતી વખતે જ સૌથી વધુ ઍક્સિડન્ટ થાય છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવેની જેમ અહીં પણ સ્પીડ ટેસ્ટ કરવાની વધુ ગન ઉપલબ્ધ થાય તો વાહનચાલકો મર્યાદામાં રહેશે.’