કેઈએમ હૉસ્પિટલના ડૉક્ટરે થાણેના માનપાડાના ફ્લૅટમાં કરી આત્મહત્યા : ડૉક્ટરને છેલ્લાં ૧૫ વર્ષથી દારૂ પીવાની ટેવ હતી, જેનાથી કંટાળીને તેમની પત્ની તેમને છોડીને ચાલી ગઈ હોવાથી ડિપ્રેશનમાં સુસાઇડ કર્યું
પ્રતીકાત્મક તસવીર
થાણે-ઘોડબંદર વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતા અને પરેલની કેઈએમ હૉસ્પિટલના ૪૬ વર્ષના ડૉક્ટરે ગઈ કાલે પોતાના ફ્લૅટમાં આત્મહત્યા કરી હતી. થાણેની ચિતલસર પોલીસે આ ઘટનાની પ્રાથમિક તપાસ બાદમાં એડીઆર નોંધીને તપાસ શરૂ કરી છે. ડૉક્ટરને છેલ્લાં ૧૫ વર્ષથી દારૂ પીવાની ટેવ હતી, જેના કારણે તેમની પત્ની તેમને થોડા દિવસ પહેલાં જ છોડીને ચાલી ગઈ હતી. એ પછી ડિપ્રેશનમાં આવીને તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. થાણે-વેસ્ટના માનપાડામાં હૅપી વૅલી સોસાયટીમાં રહેતા અને પરેલની કેઈએમ હૉસ્પિટલ સાથે સંકળાયેલા ડૉ. પવન સાબળેએ તેમના નિવાસસ્થાને ગળે ફાંસો લગાવીને ગઈ કાલે આત્મહત્યા કરી હતી. ડૉક્ટરનો ડ્રાઇવર તેમને લેવા ફ્લૅટ પર સવારે ગયો ત્યારે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી. ડ્રાઇવરે કેટલીયે વાર દરવાજો ખખડાવ્યા પછી પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો એટલે તેણે ડૉક્ટરની પત્નીને ફોન કર્યો હતો. પત્નીએ બીજી ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે જાણ થઈ હતી કે ડૉક્ટર પવને પંખા પર લટકીને આત્મહત્યા કરી છે. ઘટનાસ્થળ પરથી પોલીસને સુસાઇડ-નોટ મળી આવી હતી, જેમાં તેમણે તેમની તમામ મિલકત તેમની પત્નીને આપવાનો ઉલ્લેખ કર્યો છે. ચિતલસર પોલીસે ઘટનાનો અકસ્માત મૃત્યુ અહેવાલ (એડીઆર) નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. થાણેના ચિતલસર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગિરીશ ગોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી મુજબ ડૉ. પવન સાબળેને દારૂ પીવાની ટેવ હતી. તે છેલ્લાં ૧૫ વર્ષથી દારૂ પીતો હોવાની માહિતી અમને મળી છે. તેનાં બે બાળકો બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. દારૂ પીવાની આદતને કારણે તેમની પત્ની તેમને ૧૪ દિવસ પહેલાં છોડીને બીજા ઘરે રહેવા ચાલી ગઈ હતી અને સાથે બાળકોને પણ લઈ ગઈ હતી. દારૂ પીવાની તેમની ટેવની તેમના તમામ ડૉક્ટર-મિત્રોને જાણ હતી. ડૉક્ટર પવને કેઈએમ હૉસ્પિટલમાંથી રાજીનામા માટે અરજી કરી હતી, જે ૧૬ ફેબ્રુઆરીએ સ્વીકારવામાં આવી હતી.’