જોકે વૉર્ડ-ઑફિસર સંદીપ રોકડેએ કમિશનરના આદેશ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરી હોવાથી સોમવારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની હદમાં આવેલાં ૫૭ ગેરકાયદે બિલ્ડિંગોને તોડી પાડવાનો કોર્ટે આદેશ આપ્યા બાદ આ બિલ્ડિંગમાં રહેનારાઓ બેઘર ન થાય એ માટે સરકાર ઍક્ટિવ થવાની સાથે મુખ્ય પ્રધાને પણ કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશનરને ગેરકાયદે ઇમારતોનું લિસ્ટ તૈયાર કરીને એની ખિલાફ ઍક્શન લેવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને ધ્યાનમાં રાખીને ત્યાંનાં કમિશનર ડૉ. ઇન્દુ રાણી જાખડે ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી જેમાં તેમને ટિટવાલામાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ જોવા મળ્યું હતું. તેમણે ગેરકાયદે ઊભી થઈ ગયેલી આ ચાલીઓને તોડી પાડવાનો આદેશ સ્થાનિક વૉર્ડ-ઑફિસરને આપ્યો હતો. જોકે વૉર્ડ-ઑફિસર સંદીપ રોકડેએ કમિશનરના આદેશ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરી હોવાથી સોમવારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કમિશનરે પહેલાં ‘એ’ વૉર્ડના અસિસ્ટન્ટ-કમિશનર સંદીપ રોકડેને ટ્રાન્સફર કર્યા હતા અને તેમની જગ્યાએ પ્રમોદ પાટીલ નામના અધિકારીને મૂકવામાં આવ્યા હતા. તેમણે ૬૦૦ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યાં હતાં. સોમવારે સંદીપ રોકડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

