ભૂરા રંગનાં, ઑર્કિડ જેવાં દેખાતાં આ યુનિક ફૂલો નેચરલવર્સ અને નૅચરલિસ્ટો માટે શું કામ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે એ જાણી લો
કાર્વી ફૂલ
ભૂરા રંગનાં, ઑર્કિડ જેવાં દેખાતાં કાર્વી ફૂલો બહુ યુનિક હોય છે. માનો યા ના માનો, પણ આ ફૂલો ખીલવામાં આઠથી દસ વર્ષનો સમય લાગે છે. આઠ વર્ષ બાદ મુંબઈમાં કાર્વી ફૂલો ખીલ્યાં છે અને તેથી જ એ નેચરલવર્સ અને નૅચરલિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. વિશ્વભરમાં આ ફૂલોની ૩૫૦ પ્રજાતિમાંથી ૪૮ જેટલી ભારતમાં જોવા મળે છે. આ ફૂલનું સાયન્ટિફિક નામ સ્ટ્રોબિલાન્થિસ કેલોસા છે અને મોટા ભાગે વેસ્ટર્ન ઘાટના ઘાસવાળા વિસ્તારોમાં જોવા મળે છે. મરાઠી અને અન્ય સ્થાનિક ભાષામાં ‘કાર્વી’ તેમ જ હિન્દીમાં આ ‘મરુઆદોના’ તરીકે જાણીતાં આ ફૂલોના છોડ ૬થી ૨૦ ફુટ જેટલી ઊંચાઈના થઈ શકે છે. એટલે કે એના સ્ટેમ કે થડ એટલાં લાંબાં હોય છે કે તમે કદાચ પાસેથી પસાર થઈ જાઓ તો પણ ખ્યાલ ન આવે. આ ફૂલો એની યુનિક લાઇફ-સાઇકલ માટે જાણીતાં છે. આ ફૂલો ખીલવામાં સામાન્ય રીતે સાતથી ૮ વર્ષ અને અમુક વખત ૧૦ વર્ષ જેટલો લાંબો સમય લે છે.
ફૂલો ખીલવામાં આટલો લાંબો સમય શા માટે લે છે એનું કારણ હજી કોઈને ખબર નથી. આ વર્ષે વેસ્ટર્ન ઘાટમાં તો ગુચ્છાના ગુચ્છા આવ્યા છે. નેચર એજ્યુકેટર અને નેચરલવર મસીરા શેખ ‘મિડ-ડે’ને કહે છે, ‘કાર્વીના છોડ મુંબઈમાં યેઉર હિલ, નાગલા ટ્રેક અને સંજય ગાંધી નૅશનલ પાર્કના કોઈ પણ ટ્રેલ પર જોવા મળી જશે. સૌથી વધારે સારું ફ્લાવરિંગ ફિલ્મસિટી-ગોરેગામ એટલે કે આરે કૉલોનીમાં જોવા મળશે, કારણ કે ત્યાં આદિવાસીઓ રહે છે એટલે એ વિસ્તાર સંરક્ષિત છે. આદિવાસીઓ આ ફૂલોના થડને તેમના ઘરની દીવાલની બનાવટમાં ઉપયોગમાં લે છે. આ ફૂલોની ખાસિયત એ જ છે કે એ એકદમ સામાન્ય ફૂલની જેમ અન્ય ફૂલોમાં છુપાયેલાં હોય છે. જાણતાં-અજાણતાં લોકો આ ફૂલોને નષ્ટ કરી દેતા હોવાથી મુંબઈમાં એનાં સ્થાનો બહુ જ ઓછાં થઈ ગયાં છે. આ ફૂલોની વિશેષતા એ છે કે મધમાખી આ ફૂલોનું સેવન કરીને પૉલિનેશન કરે ત્યારે એમાંથી મળતું મધ અન્ય મધ કરતાં અલગ હોય છે. કાર્વી મધ એકદમ ડાર્ક કલરનું હોય છે. આ છોડનું ફ્લાવરિંગ સમય લે છે તેથી કાર્વી મધ ઊંચી કિંમતે વેચાય છે. હાલ તમે વેસ્ટર્ન ઘાટ પર ડ્રાઇવ કરવા જશો તો આખા રસ્તા પર આ ફૂલોનું ફ્લાવરિંગ દેખાશે.’
ADVERTISEMENT
દર રવિવારે સંજય ગાંધી નૅશનલ પાર્કમાં આ ફૂલોને જોવા માટેની દોઢ કલાકની નેચર-ટ્રેલ યોજાય છે, જેની ફી ૮૫૦ રૂપિયા હોય છે. તમને થશે કે માત્ર ફૂલો જોવા માટે આટલી ફી કેમ છે? કારણ કે આ ફૂલો જોવા માટે SGNPના બફર ઝોનમાં જવું પડે છે. બફર ઝોન એટલે એવી જગ્યા કે જ્યાં સામાન્ય લોકો ન આવે અને એ વિસ્તાર રેક્રીએશનલ પ્રવૃત્તિનો ભાગ ન હોય અને આ બફર ઝોનમાં જવાની ફી અલગ લાગે છે. બીજું, આ માત્ર એક વૉક નથી પણ પ્રકૃતિને જાણવા માટે, સામાન્ય
લોકો માટે એક પ્રૅક્ટિકલ લેક્ચર છે જેમને ત્યાંનાં પક્ષીઓ અને વનસ્પતિનું મહત્ત્વ સમજાશે.