ક્યારેય સાંભળવા ન મળી હોય એવી ક્રૂરતા સાથે કરવામાં આવ્યું જૈનાચાર્યનું મર્ડર
ફાઇલ તસવીર
દિગંબરના જૈનાચાર્ય શ્રી કામકુમાર નંદી મહારાજસાહેબ ગુરુવારથી હતા મિસિંગ: મહારાજસાહેબે તેમના ટ્રસ્ટમાંથી ઉધાર આપેલા પૈસાની વ્યાજ સાથે માગણી કરતાં મર્ડર કરવામાં આવ્યું હોવાનો આરોપીનો દાવોઃ કર્ણાટકના ચીફ મિનિસ્ટરે કરી તપાસ ટીમની રચના
કર્ણાટકના બેલગાવી જિલ્લાના ચિક્કોડીના હિરેકોડીના નંદી પર્વત પર આવેલા જૈન આશ્રમમાં ૧૫ વર્ષથી સાધના કરી રહેલા દિગંબરના જૈનાચાર્ય શ્રી કામકુમાર નંદી મહારાજસાહેબે તેમના ટ્રસ્ટમાંથી ઉધાર આપેલા પૈસાની વ્યાજ સાથે માગણી કરવા જતાં તેમના આશ્રમમાં સાથે રહેતી વ્યક્તિએ તેના સાથીદારની મદદથી જૈનાચાર્ય શ્રી કામકુમાર નંદી મહારાજસાહેબની હત્યા કરી તેમના શરીરનાં અંગોના ૧૨ ટુકડા કરીને હિરેકોડીથી ૩૦ કિલોમીટર દૂર રાયબાગ તાલુકાના ખટકબાવી ખાતેના ખેતરમાં ખુલ્લા નિષ્ક્રિય બોરવેલમાં નાખી દીધા હતા. આ અંગોને બહાર કાઢવામાં ચિક્કોડી પોલીસ અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ સહિતના ૫૦૦થી વધુ સરકારી અધિકારીઓને ૧૦ કલાકથી વધુ સમય લાગ્યો હતો. જોકે પોલીસને તેમના શરીરના અંગોના ૮ ટુકડા જ હાથ લાગ્યા છે જેનાં ગઈ કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જૈન સંતોની સલામતીની માગણી
ઘાતકી હત્યાના આ બનાવથી વ્યથિત થયેલા કર્ણાટકના જૈન સમાજના ભાવિકોએ અને હુબલી નજીકના વરુરના જૈન દ્રષ્ટા ગુણધર નંદી મહારાજસાહેબે રાજ્યમાં જૈન સંતોની સલામતી માટે ખાતરી આપવા સરકારને લેખિત પત્ર લખ્યો હતો અને આ માટે તેમણે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. આની સાથે તેમણે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની પણ માગણી કરી હતી. ગુણધર નંદી મહારાજસાહેબે કહ્યું હતું કે આ ઘૃણાસ્પદ કૃત્યથી મને સખત આઘાત લાગ્યો છે અને આ ઘટના પર સરકાર અને કર્ણાટકના ચીફ મિનિસ્ટરના મૌનથી હું દુઃખી છું. એની સામે ચીફ મિનિસ્ટર સિદ્ધારમૈયાએ જૈન સાધુની હત્યા માટે એક તપાસ ટીમની રચના કરીને અધિકારીઓને આ કેસની સંપૂર્ણ તપાસ કરવા માટેના નિર્દેશો જારી કર્યા હતા.
ગુરુવારથી ગુમ
દિગંબર જૈનાચાર્ય શ્રી કામકુમાર નંદી મહારાજસાહેબ છેલ્લાં ૧૫ વર્ષથી નંદી પર્વત પર જૈન બસદીમાં રહેતા હતા. ગુરુવાર, ૬ જુલાઈએ આચાર્ય શ્રી કામકુમાર નંદી ટ્રસ્ટના ડિરેક્ટર ભીમપ્પા ઉગરેએ તેમના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં કરી હતી.
આ માહિતી આપતાં ચિક્કોડીના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બસવરાજ યેલિગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે અંદાજે બપોર બે વાગ્યે ભીમપ્પા ઉગરેએ જૈનાચાર્ય ગુમ થયા હોવાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. ભીમપ્પા સાથેની વાતચીતમાં તેમણે આશ્રમની જ એક વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી હતી અને અમને કહ્યું હતું કે તેની સાથે જૈનાચાર્યને પૈસાનો વ્યવહાર હતો. અમે તરત જ જૈનાચાર્યની શોધખોળ શરૂ કરી હતી અને સાંજના પાંચ વાગ્યે આ સંબંધમાં આશ્રમની સાથે સંકળાયેલા નારાયણ બાસપ્પા માળી અને તેના સાથીદારને અટકાયતમાં લીધા હતા.’
જૈનાચાર્યનો પરિચય બહુ ઓછા લોકો સાથે
અમને આશ્રમના ટ્રસ્ટીઓ પાસેથી જાણકારી મળી હતી કે જૈનાચાર્યને મળવા આશ્રમમાં બહુ જ ઓછા લોકો આવતા હતા એમ જણાવીને બસવરાજ યેલિગરેએ કહ્યું હતું કે તેમનો કોઈ સાથે વધુ પરિચય નહોતો, પરંતુ જેમની સાથે તેમનો નાણાં ધીરવાનો વ્યવહાર હતો તેઓ અવારનવાર આશ્રમમાં આવતા હતા. ટ્રસ્ટીઓએ વધુમાં કહ્યું હતું કે ‘આમાંથી જૈનાચાર્યએ જેને પૈસા ધીર્યા હતા તે વ્યક્તિ લાંબા સમયથી પૈસા પાછા આપતી નહોતી. આથી તેમણે તે વ્યક્તિને વહેલામાં વહેલી તકે ટ્રસ્ટના પૈસા પાછા આપવા માટે કહ્યું હતું.’
પરિચિત વ્યક્તિ કોણ હતી?
આ વ્યક્તિ હતી આશ્રમમાં જ નોકરી કરતો નારાયણ બાસપ્પા માળી. આ માહિતી આપતાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સંજીવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નારાયણ માળી મૂળ રાયબાગ તાલુકાના ખટકબાવીનો રહેવાસી છે. તે જમીન લીઝ પર ખેડતો હતો અને ઘણાં વર્ષોથી હિરેકોડી ગામમાં રહેતો હતો. જૈન સાધુઓના આશ્રમથી દૂર જમીન ભાડે આપીને ખેડાણ કરવામાં આવી હતી. તેનો સાથીદાર હુસૈન ધલાયત ચિક્કોડીનો રહેવાસી છે. આ બંને મહારાજસાહેબની એકદમ નજીકમાં હતા.
અંગત કારણોસર છ લાખ રૂપિયા લીધા
નારાયણ માળી આશ્રમમાં નાનું-મોટું કામ કરતો હતો. તેણે જૈનાચાર્ય શ્રી કામકુમાર નંદી મહારાજસાહેબ પાસેથી છ લાખ રૂપિયા અંગત કારણોસર લીધા હતા. આ સંદર્ભમાં ડૉ. સંજીવ પાટીલે કહ્યું હતું કે ‘અમને અમારી તપાસમાં મળેલી માહિતી પ્રમાણે બુધવાર, પાંચમી જુલાઈએ રાતના નારાયણ માળી પાસેથી કામકુમાર નંદી મહારાજસાહેબે તેમના ટ્રસ્ટના પૈસા વ્યાજ સાથે પાછા માગતાં તેણે પહેલાં મહારાજસાહેબને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ તેને હુસૈનને બોલાવીને મહારાજસાહેબના મૃતદેહને તેઓ ખટકબાવી ગામની હદમાં લઈ ગયા હતા. ત્યાર પછી તેમના કહેવા પ્રમાણે તેમણે મહારાજસાહેબના મૃતદેહના ટુકડા કરીને એને સાડીમાં લપેટીને બોરવેલમાં ફેંકી દીધા હતા.’
જૈનાચાર્યની શોધમાં આરોપીઓ સાથે
ગુરુવારે સવારથી આશ્રમમાં જૈનાચાર્ય ગુમ થવાના સમાચારથી ઊહાપોહ મચી ગયો હતો. ત્યારે બીજા ભક્તોની સાથે બંને આરોપીઓ નારાયણ માળી અને હુસૈન પણ તેમની શોધખોળમાં જોડાયા હતા. ગુરુવાર અને શુક્રવાર બે દિવસની શોધખોળ પછી આશ્રમ તરફથી પોલીસમાં જૈનાચાર્ય ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
શંકા થતાં કરી પૂછપરછ
જૈનાચાર્ય શ્રી કામકુમાર નંદી મહારાજસાહેબ ગુમ થયાની શુક્રવારે હિરેકોડીના જૈન ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીમપ્પા ઉગરેની ફરિયાદ બાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. આ બાબતની માહિતી આપતાં બસવરાજ યેલિગરેએ કહ્યું હતું કે ‘અમને શુક્રવારે મોડી રાતના ખબર પડી કે સાધુની હત્યા કરવામાં આવી છે અને તેમનો એક પરિચિત પણ એમાં સામેલ છે. આશ્રમના ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ સાધુએ પરિચિતને વહેલામાં વહેલી તકે પૈસા પાછા આપવાનો આગ્રહ રાખ્યો હતો. એટલે અમને નારાયણ માળી પર શંકા ગઈ હતી. પછી અમને ખબર પડી કે તેની સાથે હજી એક વ્યક્તિ પણ છે. એટલે અમે નારાયણ માળી અને હુસૈનને હિરાસતમાં લઈને તેમની પૂછપરછ શરૂ કરી હતી. અમારી કડક પૂછપરછ પછી બંને આરોપીઓએ જૈનાચાર્યની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જૈનાચાર્યની ડેડ-બૉડી માટે પૂછપરછ કરતાં તેમણે મહારાજસાહેબની હત્યા કરી તેમના શરીરનાં અંગોના ટુકડા કરીને હિરેકોડીથી ૩૦ કિલોમીટર દૂર રાયબાગ તાલુકાના ખટકબાવી ખાતેના ખેતરમાં ખુલ્લા નિષ્ક્રિય બોરવેલમાં નાખી દીધા હોવાની અમને જાણકારી આપી હતી.’
૩૦ ફુટ નીચેથી મળ્યાં શરીરનાં અંગો
અમે જૈન સાધુની ડેડ-બૉડી શોધવાની શનિવારે સવારે ૯ વાગ્યે શરૂઆત કરી હતી એમ જણાવીને બસવરાજ યેલિગરેએ કહ્યું હતું કે ‘સર્ચ ઑપરેશન અને સુરક્ષા માટે ૫૦૦થી વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. સ્ટાફ બેલગામના ઉત્તર ઝોનના હુબલી, ધારવાડ શહેર, ઉત્તરા કન્નડ જિલ્લામાંથી આવ્યો હતો. એમાં એસડીઆરએફ, ફૉરેન્સિક લૅબની ટીમ અને અમારા સ્થાનિક આરોગ્ય વિભાગના ડૉક્ટરોએ સહકાર આપ્યો છે. આ સર્ચ ઑપરેશન છેક સાંજના સાત વાગ્યે પૂરું થયું હતું. આરોપીઓએ એક સાડીમાં તેમના શરીરના ભાગોના ટુકડા કરી એનું પોટલું બનાવીને નિષ્ક્રિય બોરવેલમાં નાખી દીધું હતું. નિષ્ક્રિય બોરવેલની આસપાસ ખોદવા માટે અર્થમૂવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઓપરેશનમાં લગભગ દસ કલાકનો સમય લાગ્યો હતો. આખરે અમને ૩૦ ફુટ ઊંડેથી સાધુના વિચ્છેદિત શરીરના ભાગો મળી આવ્યા હતા. આખરે અમારું સર્ચ ઑપરેશન આઘાતજનક સંજોગોમાં પૂરું થયું હતું.’
આચાર્ય લોકેશ મુનિની સરકારને અપીલ
અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય ધાર્મિક નેતા જૈનાચાર્ય ડૉ. લોકેશ મુનિએ કર્ણાટકના જૈન સાધુની હત્યા પછી ઉપવાસ પર ઊતરીને ટ્વિટર પર કહ્યું હતું કે ‘જાગો જૈનો જાગો, કમસે કમ અબ તો જાગો; કબ તક શ્વેતાંબર-દિગંબર મેં બંટે રહોગે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે ‘સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર જૈનાચાર્ય કામકુમાર નંદીની કર્ણાટકમાં હત્યા કરી શરીરનાં અંગોને કાપીને ફેંકી દેવામાં આવ્યાં હતાં. આથી હું કર્ણાટકના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનને જૈન અને ભારતીય સમુદાય તરફથી અપીલ કરું છું કે દોષીઓને કઠોર દંડ કરવાની સાથે સંતોની સુરક્ષા માટે અવિલંબ ઉચિત કદમ ઉઠવવામાં આવે.’