કંગનાએ આ બંગલો સપ્ટેમ્બર ૨૦૧૭માં ૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
કંગના રનૌત અને તેનો પાલી હિલમાં આવેલો બંગલો
કંગના રનૌતે તેનો પાલી હિલમાં આવેલો બંગલો ૩૨ કરોડ રૂપિયામાં વેચી નાખ્યો છે. કંગનાએ આ બંગલો સપ્ટેમ્બર ૨૦૧૭માં ૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જે હવે ૭ વર્ષ બાદ ૩૨ કરોડમાં વેચાયો છે. બંગલો તામિલનાડુના કોઇમ્બતુરમાં આવેલી કામલીની હોલ્ડિંગ્સનાં પાર્ટનર શ્વેતા બથિજાએ ખરીદ્યો છે. બંગલાના વેચાણના દસ્તાવેજો પાંચમી સપ્ટેમ્બરે રજિસ્ટર્ડ કરવામાં આવ્યા હતા જે મુજબ આ બંગલો ૩૦૭૫ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે અને સાથે ૫૬૫ સ્ક્વેર ફીટની પાર્કિંગની જગ્યા છે. આ ટ્રાન્ઝૅક્શનમાં ૧.૯૪ કરોડની સ્ટૅમ્પ ડ્યુટી ભરવામાં આવી હતી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી.
કંગનાએ લોકસભાની ચૂંટણી પહેલાં જાહેર કરેલી ૯૧ કરોડની કુલ સંપત્તિમાં ૨૮.૭ કરોડની જંગમ અને ૬૨.૯ કરોડની સ્થાવર મિલકત હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સપ્ટેમ્બર ૨૦૨૦માં આ બંગલાનો કેટલોક ભાગ ગેરકાયદે છે એમ કહી તોડી પાડ્યો હતો. કંગનાએ એ બાબતે વિરોધ પણ નોંધાવ્યો હતો. તાજેતરમાં જ કંગનાએ અંધેરીમાં આર્ચ વન નામના બિલ્ડિંગમાં ૪૦૭ સ્ક્વેર ફીટની ઑફિસ ૧.૫૬ કરોડ રૂપિયામાં ખરીદી છે.