બૉલીવુડની અભિનેત્રી અને BJPની સંસદસભ્ય કંગના રનૌતે કહ્યું...
કંગના રનૌત
સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ ફિલ્મના ગીતની પૅરોડી બનાવીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મજાક ઉડાવવા વિશે બૉલીવુડની અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)નાં હિમાલચ પ્રદેશનાં સંસદસભ્ય કંગના રનૌતે ગઈ કાલે દિલ્હીમાં સંસદ ભવન પરિસરમાં કહ્યું હતું કે ‘તમે કોઈ પણ વ્યક્તિ હો, કોઈના કામ સાથે સહમત ન હો તો પણ આવી રીતે બોલી ન શકો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મારા ઘરને તોડ્યું હતું ત્યારે કુણાલ કામરાએ મજાક ઉડાવી હતી. મારી સાથે જે થયું હતું એ ગેરકાયદે હતું અને કુણાલ સાથે જે થયું એ લીગલ છે. તમે કૉમેડીના નામે એકનાથ શિંદેની ઇજ્જત ન ઉછાળી શકો. એક સમયે રિક્ષા ચલાવનારા એકનાથ શિંદે ટોચ પર પહોંચ્યા છે. તેમના કામને નજરઅંદાજ ન કરી શકો. કૉમેડીને નામે મશ્કરી કરનારા પાસે શું છે? આવા લોકો પોતાની જિંદગીમાં કંઈ નથી કરી શક્યા. મારું માનવું છે કે કંઈક લખી શકો તો સાહિત્યમાં કેમ નથી લખતા? કૉમેડીના નામે ગાળ અને અભદ્રતા ન ફેલાવો. કૉમેડીના નામે આપણા ગ્રંથોની મજાક ઉડાવવી, લોકોની મજાક ઉડાવવી, માતા-બહેનોની મજાક ઉડાવવી યોગ્ય નથી. આજકાલ સોશ્યલ મીડિયામાં કેવા લોકો આવી ગયા છે, જેઓ પોતાને ઇન્ફ્લુઅન્સર્સ કહે છે. આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? બે મિનિટની પ્રસિદ્ધિ મેળવવા માટે આ લોકો શું કરી રહ્યા છે એના પર વિચાર કરવો જોઈએ.’
ઉલ્લેખનીય છે કે વિવાદ વચ્ચે કુણાલ કામરાનો એક જૂનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં કુણાલ કામરા ઉદ્ધવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત સાથે છે. આ વિડિયો ૨૦૨૦નો છે, જ્યારે BMCએ કંગના રનૌતના બાંદરા-વેસ્ટમાં આવેલા બંગલાને તોડી નાખ્યો હતો. કુણાલ કામરાએ આ ઘટનાની મજાક ઉડાવી હતી અને સંજય રાઉત સાથે પોઝ આપ્યો હતો.

