આવી દલીલ સાથે કાંદિવલીની કપોળ ઇન્ટરનૅશનલ સ્કૂલ હાઈ કોર્ટમાં
ફાઇલ તસવીર
એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આરટીઈનો અમલ ન કરવા બદલ માન્યતા રદ કરવાને અને સ્કૂલને બંધ કરવાની ધમકીને કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલે બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારી છે. સ્કૂલ મૅનેજમેન્ટ અને કપોળ વિદ્યાનિધિ ટ્રસ્ટે કહ્યું કે એક ગુજરાતી ભાષાની લઘુમતી સંસ્થા હોવાને કારણે એ ૨૦૦૯ના આરટીઈ ઍક્ટની જોગવાઈનું ફરજિયાત પાલન કરવા માટે બંધાયેલી નથી.
સ્કૂલે ૨૮ ઑગસ્ટે રાજ્ય સરકાર, સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, સુધરાઈ સામે અરજી દાખલ કરી છે, જેમાં સુપ્રીમ કોર્ટના ૨૦૧૪ના ચુકાદાને ટાંકવામાં આવ્યો છે, જેમાં જણાવ્યા પ્રમાણે આરટીઈ ઍક્ટ ગ્રાન્ટ લેતી કે ન લેતી લઘુમતી સંસ્થામાં લાગુ પાડી શકાય નહીં, કારણ કે એને કારણે એના લઘુમતીના દરજ્જાને નુકસાન થાય છે.
ADVERTISEMENT
સ્કૂલ મૅનેજમેન્ટે કહ્યું કે માઇનૉરિટી સ્કૂલ હોવા છતાં એજ્યુકેશન ઑફિસ આરટીઈ ઍક્ટના અમલ માટેની ફરજ પાડી રહી છે. વળી એક પેરન્ટ્સે ઉશ્કેરતાં કેટલાક પેરન્ટ્સ સ્કૂલ સામે વારંવાર ફરિયાદ કરી રહ્યા છે. વિપુલ શાહ નામના એક પેરન્ટે કહ્યું કે ૨૦૦૨-’૦૩થી કપોળ સ્કૂલ શરૂ થઈ, પરંતુ તેમણે ૨૦૧૪માં માઇનૉરિટી સ્ટેટસ મેળવ્યું. આરટીઈ ઍક્ટ તો ૨૦૦૯થી અસ્તિત્વમાં આવ્યો હતો અને મહારાષ્ટ્ર આરટીઈ નિયમ ૨૦૧૧થી અમલમાં આવ્યો હતો. એ મુજબ તેમણે ૨૫ ટકા બેઠકો સમાજનાં વંચિત બાળકો માટે અનામત રાખવાની હતી. આમ ન કરો તો સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે અથવા સ્કૂલને બંધ કરવાની ફરજ પાડી શકાય. સ્કૂલ પાસે ઑક્યુપન્સી સર્ટિફિકેટ (ઓસી) પણ નથી. આમ ૩૦૦૦ કરતાં વધુ બાળકોના જીવ જોખમમાં છે.