આગોતરા જામીનની અરજી રદ થયા બાદ પોલીસ તેમને શોધી રહી હતી : આજ સુધીની પોલીસ-કસ્ટડી
કાંદિવલીના પ્લે-ગ્રુપના સીસીટીવી કૅમેરામાં ઘટના કેદ થઈ હતી
કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પર આવેલી પ્લે-સ્કૂલમાં બાળકોની મારઝૂડ અને તેમની સાથે ગેરવર્તન કરવાના મામલે આખરે બન્ને મહિલા ટીચરની ગઈ કાલે સવારે કાંદિવલી પોલીસે ધરપકડ કરી હતી. કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઇઆરની આરોપી જિનલ છેડા અને ભક્તિ શાહને પોલીસે બોરીવલી કોર્ટમાં હાજર કરતાં કોર્ટે બન્ને ટીચરને એક દિવસના પોલીસ-રિમાન્ડનો આદેશ આપ્યો હતો. દરમ્યાન, આ પહેલાં બન્ને ટીચરે ધરપકડથી બચવા સેશન્સ અને બૉમ્બે હાઈ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટની તીખી પ્રતિક્રિયા સાથે તેમની ઍન્ટિસિપેટરી બેઇલ ઍપ્લિકેશન (એબીએ) રદ થઈ જતાં આખરે ગઈ કાલે કાંદિવલી પોલીસે તેમની કાંદિવલીથી ધરપકડ કરી હતી. આમ પ્લે-સ્કૂલનાં પીડિત બાળકોના પેરન્ટ્સને તેમની લડતમાં ન્યાય મળ્યો હતો.
કાંદિવલીના આ પ્લે-ગ્રુપમાં બાળકોની મારઝૂડ અને તેમની સાથે થતા ગેરવર્તનનો મામલો સામે આવ્યા બાદ પ્લે-ગ્રુપના કાંદિવલીમાં રહેતા એક પેરન્ટની ફરિયાદના આધારે ટીચરો જિનલ છેડા અને ભક્તિ શાહ સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. આ કેસ સંભાળતા કાંદિવલીના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દીપક પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોર્ટના ઑર્ડર બાદ પોલીસ તેમને શોધી રહી હતી. ટીચરો ઘરે મળતી ન હોવાથી તેમના મોબાઇલ નંબરના સીડીઆર ચેક કરીને ગઈ કાલે બન્ને ટીચરની કાંદિવલીથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ઘરે ન હોવાથી બહારથી તેમની ધરપકડ કરીને ગઈ કાલે કોર્ટમાં હાજર કરતાં બન્નેને આજ સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે.’
ADVERTISEMENT
પ્લે-સ્કૂલની ફરિયાદ કરનાર પેરન્ટ્સનાં વકીલ મૃણ્મયી ચોકીદારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે એફઆઇઆર નોંધાયા બાદના અનેક દિવસો પછી બન્ને ટીચરની ધરપકડ કરવામાં આવી છે.
પ્લે-ગ્રુપનાં પીડિત પેરન્ટ અંકિતા છેડાએ બધા પેરન્ટ્સની વાત મૂકતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આખરે એફઆઇઆરના એક મહિના બાદ પોલીસે બન્ને ટીચરની ધરપકડ કરી છે. આજે કોર્ટમાં બન્ને પક્ષનું સાંભળીને કોર્ટ બાળકોને ન્યાય મળે એવો ઑર્ડર આપશે એવી અમે આશા રાખીએ છીએ. અમે નાનાં બાળકોને શિક્ષણ અને કંઈક નવું શીખવા સ્કૂલ મોકલીએ છીએ, માર ખાવા માટે નહીં. અમારી આ લડત સોશ્યલ કૉઝ માટેની પણ છે. અન્ય સ્કૂલો અને ટીચરોને પણ પાઠ ભણવા મળશે કે પેરન્ટ્સ કે બાળકોને ગ્રાન્ટેડ ન લેવાં તેમ જ આ બનાવની ગંભીર નોંધ લઈને સરકારે પણ કોઈ ઍક્શન લઈ કાયદો બનાવવા જોઈએ જેથી ભવિષ્યમાં આવા બનાવ ન બને.’