કાંદિવલી-ઈસ્ટમાં મથુરાદાસ રોડ પર રહેતી અને એક બૅન્કમાં સિનિયર પોસ્ટ પર નોકરી કરતી ૨૬ વર્ષની ગુજરાતી યુવતીએ શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં ૩૫,૪૪,૫૮૩ રૂપિયા ગુમાવ્યા
શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં ફ્રૉડમાં ગુજરાતી યુવતી બરાબરની ફસાઈ
કાંદિવલી-ઈસ્ટમાં મથુરાદાસ રોડ પર રહેતી અને એક બૅન્કમાં સિનિયર પોસ્ટ પર નોકરી કરતી ૨૬ વર્ષની ગુજરાતી યુવતીએ શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં ૩૭,૪૪,૫૮૩ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ મુંબઈ વેસ્ટર્ન સબર્બ્સ સાઇબર પોલીસ-સ્ટેશનમાં મંગળવારે નોંધાઈ હતી. ગુજરાતી યુવતીને ફસાવવા માટે સાઇબર ગઠિયાઓએ તેની પાસે જૂન મહિનાની શરૂઆતમાં પહેલાં ૩ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું જેના બદલામાં ૬૫,૦૦૦ રૂપિયાનો પ્રૉફિટ તેની બૅન્કમાં મોકલવામાં આવ્યો હતો. એ પછી યુવતી એટલી હદે લાલચમાં ફસાઈ ગઈ હતી કે તેણે ત્રણ વાર ઇન્સ્ટાગ્રામ પરથી અલગ-અલગ ઍપ્લિકેશનની જાહેરાત જોયા બાદ એને ડાઉનલોડ કરીને એમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા.
યુવતીને એક ઍપ્લિકેશનમાંથી ૬૫,૦૦૦ રૂપિયાનો પ્રૉફિટ મળતાં તે એટલી હદે લાલચમાં ફસાઈ ગઈ હતી કે તેણે વધુ બે વાર ઇન્સ્ટાગ્રામ પર જોયેલી ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં પોતાનું સેવિંગ્સ તથા મમ્મીના કરન્ટ અકાઉન્ટમાં રહેલા પૈસા ઇન્વેસ્ટ કરીને ગુમાવ્યા હતા એમ જણાવતાં મુંબઈ વેસ્ટર્ન સબર્બ્સ સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૪ જૂને યુવતી પોતાના મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ સ્ક્રૉલ કરી રહી હતી ત્યારે તેણે શૅરમાર્કેટ શીખીને ઇન્વેસ્ટમેન્ટ કરવાની જાહેરાત જોઈને એના પર ક્લિક કર્યું હતું. ત્યાર બાદ તે એક વૉટ્સઍપ ગ્રુપમાં જોડાઈ ગઈ હતી જેમાં સતત ઇન્વેસ્ટ કરીને ૧૫થી ૨૦ ટકાનું વળતર આપતા શૅર ખરીદવાની જાણકારી આપવામાં આવતી હતી. એના પર વિશ્વાસ મૂકીને યુવતી ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થતાં તેને પ્લેસ્ટોર પરથી એક ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એ ડાઉનલોડ કરીને યુવતીએ શરૂઆતમાં ૩,૦૯,૩૪૮ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એ ઇન્વેસ્ટમેન્ટ પાછળ ૬૫,૦૦૦ રૂપિયાનો નફો તેના ખાતામાં પાછો મોકલવામાં આવ્યો હતો. એ પછી તેણે લાલચમાં આવીને ધીરે-ધીરે ૨૬,૧૦,૯૫૨ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. એ દરમ્યાન તેણે ફરી વાર ઇન્સ્ટાગ્રામ પર જોયેલા પેજ પર ક્લિક કરીને બીજી ઍપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. એમાં પણ તેને શરૂઆતમાં ૬૪૨૬ રૂપિયાનો નફો પાછો મોકલવામાં આવ્યો હતો. આમ યુવતીએ કુલ ત્રણ વાર અલગ-અલગ ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં ૩૭,૪૪,૫૮૩ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. પછી તેણે પોતાની મૂળ રકમ સાથે થયેલો નફો પાછો કાઢવાની કોશિશ કરતાં એ ન નીકળતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાઈ હતી. અંતે તેણે પહેલાં ૧૯૩૦ નંબર પર પોતાની ફરિયાદ કર્યા બાદ અમારી પાસે આ ઘટનાનો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો. આ કેસમાં અમે રિકવરી કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT
પાંચ લોકોએ ૨.૯૮ કરોડ રૂપિયા ગુમાવ્યા
બોરીવલી, દહિસર, મલાડ અને કાંદિવલીમાં રહેતા બે સિનિયર સિટિઝન સહિત પાંચ લોકોએ શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં ૨,૯૮,૬૩,૯૨૦ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ છેલ્લા એક અઠવાડિયામાં મુંબઈ વેસ્ટર્ન સબર્બ્સ સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. આ તમામ ફરિયાદમાં મોટું વળતર આપવાની લાલચ આપીને પૈસા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.