Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે ચેઇન તફડાવીને ચોરની નાસે એ પહેલાં સતર્ક જ્વેલરે બટનથી દરવાજો લૉક કરી દીધો

બે ચેઇન તફડાવીને ચોરની નાસે એ પહેલાં સતર્ક જ્વેલરે બટનથી દરવાજો લૉક કરી દીધો

Published : 02 September, 2024 08:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાયખલાની ઘટના : ઝવેરીએ પોલીસને હવાલે કરી યુવતીને : આરોપીએ ચેઇન જોવાનું નાટક કર્યું અને સાચી ચેઇન ઉપાડીને એની જગ્યાએ ખોટી મૂકી દીધી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભાયખલાના રામભાઉ ભોગલે માર્ગ પર આવેલી હસમુખ જ્વેલર્સમાંથી દાગીના ચોરીને નાસવાનો પ્રયાસ કરનાર ઝારા ઉર્ફે તુબા કુરેશીની જ્વેલરી શૉપના સતર્ક માલિક ૫૯ વર્ષના હસમુખ મહેતાની મદદથી કાલાચૌકી પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. જ્વેલરી ખરીદવા દુકાનમાં પ્રવેશેલી ૨૩ વર્ષની યુવતીએ પહેલાં દાગીના જોવાનું નાટક કર્યું હતું. પછી સાચી ચેઇન ઉપાડી એની જગ્યાએ ખોટી મૂકી બે ચેઇન લઈને નાસવાનો પ્રયાસ કરનાર ઝારા પર માલિકની નજર પડતાં તેણે તાત્કાલિક કૅશ કાઉન્ટર પાસે રહેલા બટનને દબાવીને દુકાનનો દરવાજો લૉક કરી દીધો હતો અને દુકાનમાં કામ કરતા અન્ય એક માણસની મદદથી તેને પકડીને પોલીસને હવાલે કરી હતી.


આરોપી ઝારા સામે મુંબઈનાં બીજાં પોલીસ-સ્ટેશનોમાં ચોરીના કેસો નોંધાયા હોવાની માહિતી અમને મળી છે એમ જણાવતાં કાલાચૌકી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સવારે ૧૧ વાગ્યે ઝારા બુરખો પહેરીને જ્વેલરી શૉપમાં દાગીના ખરીદવા આવી હતી. તેણે હસમુખભાઈને ચેઇન બતાવવાનું કહીને શોકેસમાં લાગેલી કેટલીક ચેઇન જોઈ હતી. એ દરમ્યાન તેણે હાથચાલાકી કરીને પોતાની પાસે રહેલી ખોટી ચેઇન શોકેસમાં ગોઠવીને સાચી ચેઇન સેરવી લીધી હતી. એના પર હસમુખભાઈની નજર જતાં તેમણે કૅશ કાઉન્ટર પાસે રહેલા ડોર લૉક કરવાના બટનને દબાવીને ડોર લૉક કરી દીધું હતું. ત્યાર પછી પોતાની પાસે કામ કરતા અન્ય એક માણસની મદદથી ઝારાને પકડી પાડીને આ ઘટનાની જાણ અમને કરી હતી. અમારી ટીમે તેને પોલીસ-સ્ટેશન પર લાવીને વધુ તપાસ કરતાં તેની પાસેથી હસમુખભાઈની દુકાનમાંથી સેરવી લીધેલી બે ચેઇન મળી આવી હતી.’ ૫૯ વર્ષના હસમુખ મહેતા પાસેથી વધુ માહિતી જાણવા ‘મિડ-ડે’એ તેમનો સંપર્ક કરતાં તેમણે કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK