જુહુનું ફેમસ ચંદન થિયેટર સરકાર અને પ્રેક્ષકોની ઉપેક્ષાને લીધે તોડી પાડવામાં આવ્યું છે
જુહુમાં આવેલા ચંદન થિયેટરના બિલ્ડિંગને ગઈ કાલે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. (તસવીર: અનુરાગ અહિરે)
સિંગલ સ્ક્રીન થિયેટરનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે એનું વધુ એક ઉદાહરણ ગઈ કાલે જોવા મળ્યું હતું. જુહુનું ફેમસ ચંદન થિયેટર સરકાર અને પ્રેક્ષકોની ઉપેક્ષાને લીધે તોડી પાડવામાં આવ્યું છે. આ થિયેટરમાં ઘણી સેલિબ્રિટીઓ ફિલ્મ જોવા જતી હતી. ૧૯૭૩માં ‘બૉબી’ ફિલ્મથી શરૂ થયેલા આ થિયેટરને બંધ કરવા વિશે એના માલિક સમીર જોશીએ કહ્યું હતું કે ‘આજકાલ બહુ જ ઓછી ફિલ્મ પ્રેક્ષકોને અપીલ કરતી હોય છે એવા સમયે ૬૫૦ની કૅપેસિટીવાળા અમારા થિયેટરમાં માંડ-માંડ ૧૦૦ જણ ફિલ્મ જોવા આવતા હોય છે. ઑવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મની પણ અમારા બિઝનેસ પર બહુ ખરાબ અસર થઈ છે. આ સિવાય સિંગલ સ્ક્રીન થિયેટરને ચાલુ રાખવા માટે સરકારે પણ કોઈ સપોર્ટ ન કર્યો. અમે તેમની પાસે ઘણી વાર આર્થિક મદદ કરવાની રજૂઆત કરી છે, પણ તેમના તરફથી કોઈ પ્રતિસાદ નથી મળ્યો એટલે નાછૂટકે અમારે આવો નિર્ણય લેવો પડ્યો.’
૨૦૧૭માં બંધ થઈ ગયેલા આ આઇકૉનિક થિયેટરની શરૂઆત બિઝનેસમૅન બૈજનાથ જોશીએ કરી હતી. થિયેટરનું નામ તેમનાં પત્નીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેમનું નામ ચંદ્રકાન્તા હતું, પણ બૈજનાથ જોશી તેમને પ્રેમથી ચંદન કહેતા હતા અને એ જ નામ તેમણે થિયેટરને પણ આપ્યું હતું.