Jet Airways Founder Naresh Goyal: 538 કરોડની છેતરપિંડી કેસમાં મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં હાજર થયેલા ગોયલ ભાવુક થઈ ગયા હતા
નરેશ ગોયલની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- તેમણે કહ્યું હતું કે મેં હવે બધી આશા ગુમાવી દીધી છે
- તેમની માટે આર્થર રોડ જેલથી જેજે હોસ્પિટલ સુધીની સફર પીડાદાયક હોય છે
- કોર્ટે તેમના વકીલને તેમની બીમારીને ધ્યાનમાં રાખીને કાળજી લેવાનો નિર્દેશ આપ્યો છે
એક સમયે કરોડોના માલિક નરેશ ગોયલ (Jet Airways Founder Naresh Goyal) આજે મરણ માટે જાણે તલપાપડ થતાં હોય તેવી સ્થિતિમાં મુકાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે કોર્ટની સામે આંસુથી પોતાનો મનના મનોભાવ વ્યક્ત કર્યા હતા.
ભાવુક થયેલા નરેશ ગોયલે શું કહ્યું?
ADVERTISEMENT
નરેશ ગોયલે (Jet Airways Founder Naresh Goyal) જણાવ્યું હતું કે તેઓએ બધી આશા ગુમાવી દીધી છે. 538 કરોડની છેતરપિંડી કેસમાં મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં હાજર થયેલા નરેશ ગોયલ ભાવુક થઈ ગયા હતા. એટલું જ નહીં જજની સામે તેમની આંખોમાંથી પાણી પણ વહેવા લાગ્યા હતા. જજની સામે હાથ જોડીને તેમણે કહ્યું હતું કે મેં હવે બધી આશા ગુમાવી દીધી છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હું જીવવા કરતાં જેલમાં મરવું પસંદ કરીશ.
એરલાઇન જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ રૂ. 538 કરોડના બેંક ફ્રોડ કેસમાં ફસાયા છે. આ કેસમાં ઇડીએ 1 સપ્ટેમ્બર 2023ના રોજ તેમની ધરપકડ કરી હતી. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી તેઓ મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે.
કેમ જેલમાં મરવાનું પસંદ કરે છે નરેશ ગોયલ?
નરેશ ગોયલે ન્યાયાધીશની સામે કહ્યું હતું કે જેલમાં તેમની તબિયત ખરાબ છે. તેઓ ખૂબ જ કમજોર થઈ ગયા છે. તેઓ માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં તેઓએ કહ્યું કે મને જેજે હોસ્પિટલમાં મોકલવાનો કોઈ ફાયદો નથી. આર્થર રોડ જેલથી જેજે હોસ્પિટલ સુધીની સફર તેના માટે ખૂબ જ પીડાદાયક હોય છે. માટે જ તેમણે ન્યાયાધીશને કહ્યું કે તેઓને હોસ્પિટલમાં મોકલવાના બદલે જેલમાં જ મરવા દો.”
જેલમાં કેવી છે તેઓની તબિયત? કઈ કઈ શારીરિક તકલીફો છે?
વિશેષ ન્યાયાધીશ એમજી દેશપાંડેએ કહ્યું, `મેં ગોયલ (Jet Airways Founder Naresh Goyal)ની વાત ધ્યાનથી સાંભળી. તેમનું શરીર ધ્રૂજી રહ્યું હતું. તેમને ઊભા રહેવા માટે પણ કોઈના મદદની જરૂર પડતી હતી. તેટલું જ નહીં ગોયલે કહ્યું કે તેમના ઘૂંટણમાં સોજો અને દુખાવો છે, જેના કારણે તે તેમને વાળવામાં સક્ષમ નથી. તેમને પેશાબ કરતી વખતે ભારે દુખાવો થાય છે અને ક્યારેક તેની સાથે લોહી પણ નીકળે છે.
નરેશ ગોયલની વાત સાંભળી શું કહ્યું ન્યાયાધીશે?
નરેશ ગોયલ (Jet Airways Founder Naresh Goyal)ની ખરાબ તબિયતને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જજ એમજી દેશપાંડેએ કહ્યું હતું કે, “કોર્ટે તેમના વકીલને તેમની બીમારીને ધ્યાનમાં રાખીને કાળજી લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ખાતરી આપી છે કે તેમના સ્વાસ્થ્ય સંબંધિત દરેક વિગતોનું ધ્યાન રાખવામાં આવશે.” કોર્ટે એ વાતનું પણ સંજ્ઞાન લીધું છે કે તે કોઈની મદદ વગર ઊભા રહી શકે તેમ નથી. જજની ટિપ્પણીમાં લખવામાં આવ્યું છે કે જેલના કર્મચારીઓની મદદની પણ મર્યાદા હોય છે.