જળગાવના ભૂતપૂર્વ સંસદસભ્યનું કહેવું છે કે સાવધાનીના આદેશને પગલે ટ્રેનને ખોટી જગ્યાએ ઊભી રાખી એને લીધે આ અકસ્માત થયો
ઘટનાસ્થળ
૧૨ જણનાં મોત, ૧૮ જણ ઘાયલ : રેલવેનું કહેવું છે કે અફવાને લીધે ગભરાઈ ગયેલા પુષ્પક એક્સપ્રેસના પ્રવાસીએ ટ્રેનની ચેઇન ખેંચી એમાં અનેક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદકા માર્યા ત્યારે જ બાજુના ટ્રૅક પરથી પસાર થઈ રહેલી કર્ણાટક એક્સપ્રેસ આ લોકો પર ફરી વળીઃ જોકે જળગાવના ભૂતપૂર્વ સંસદસભ્યનું કહેવું છે કે સાવધાનીના આદેશને પગલે ટ્રેનને ખોટી જગ્યાએ ઊભી રાખી એને લીધે આ અકસ્માત થયો
લખનઉથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) આવી રહેલી પુષ્પક એક્સપ્રેસ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે જળગાવના પરધાડે સ્ટેશન નજીક હતી ત્યારે ટ્રેનના પૈડા પાસે સ્પાર્ક થતાં કોઈકે આગ લાગી હોવાની અફવા ફેલાવી હતી. આથી ગભરાઈ ગયેલા પૅસેન્જરે ચેઇન ખેંચીને ટ્રેનને રોકી હતી. જેવી ટ્રેન ઊભી રહી કે જનરલ કોચમાંથી ૩૦થી ૩૫ પ્રવાસીઓએ નીચે કૂદકો માર્યો હતો. જોકે એ જ સમયે બાજુના ટ્રૅક પરથી પસાર થઈ રહેલી કર્ણાટક એક્સપ્રેસની અડફેટે ઘણા પ્રવાસીઓ આવી ગયા હતા, જેમાં ૧૨નાં મૃત્યુ થયાં હતાં અને ત્રણ જણને અત્યંત ગંભીર હાલતમાં સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં બીજા ૧૫ ઘાયલોને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રેલવેના સિનિયર અધિકારીએ આ ઘટના વિશે કહ્યું હતું કે ‘આગની અફવાને લીધે જનરલ ડબ્બામાંથી ચેઇન-પુલિંગ કરવામાં આવ્યું હતું એને લીધે પૅસેન્જરો કંઈ પણ વિચાર્યા વગર ડબ્બામાંથી કૂદકો મારવા માંડ્યા હતા. જોકે તેમને ખબર પડી કે ટ્રેનમાં કોઈ આગ નથી લાગી કે ધુમાડો પણ નથી નીકળ્યો એ પહેલાં જ તેઓ કર્ણાટક એક્સપ્રેસની અડફેટમાં આવી ગયા હતા. પ્રોટોકૉલ મુજબ ટ્રેન વળાંક પાસે ઊભી રહી હોવાથી ફ્લૅશ લાઇટ પણ ઑન રાખવામાં આવી હતી. અસિસ્ટન્ટ લોકો પાઇલટ અને તેમની ટીમ ચેઇન-પુલિંગના કારણની તપાસ કરી રહ્યા હતા ત્યારે જ બાજુના ટ્રૅક પરથી કર્ણાટક એક્સપ્રેસ પસાર થઈ હતી. વળાંકને લીધે એના ડ્રાઇવરને ફ્લૅશ લાઇટ નહોતી દેખાઈ, પણ એ ટ્રેનનો હૉર્ન ચાલુ હતો. જેવી તેને ફ્લૅશ લાઇટ દેખાઈ કે તરત જ ઇમર્જન્સી બ્રેક મારી હતી, પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. બે ડિગ્રીના આ વળાંકને લીધે લોકો પાઇલટને ફ્લૅશ લાઇટ અને પ્રવાસીઓને આવી રહેલી ટ્રેન નહોતી દેખાઈ એમાં આ અકસ્માત થયો હતો.’
જોકે જળગાવના ભૂતપૂર્વ સંસદસભ્ય ઉન્મેષ પાટીલ રેલવેની વાત માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે ‘પુષ્પક એક્સપ્રેસ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે જળગાવના પરધાડે સ્ટેશન નજીક પહોંચી ત્યારે કામ ચાલતું હોવાથી કૉશન ઑર્ડર (સાવધાનીનો આદેશ)ને કારણે ટ્રેનને ઊભી રાખવામાં આવી હતી. ટ્રેન ઊભી હોવાથી ત્રણેય જનરલ કોચમાંથી પ્રવાસીઓ નીચે ઊતરીને બાજુના ટ્રૅક પર બેસી ગયા હતા. એવામાં કર્ણાટક એક્સપ્રેસ એ ટ્રૅક પરથી પસાર થતાં ટ્રેને આ લોકોને અડફેટમાં લઈ લીધા હતા.’
આમ તો કૉશન ઑર્ડર હોય તો ટ્રેનને સ્ટેશન પર જ ઊભી રાખવામાં આવતી હોય છે, પણ ગઈ કાલે પુષ્પક એક્સપ્રેસને પરધાડે સ્ટેશન નજીક ઊભી રાખવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
આ ઘટના બાદ રાજ્ય સરકારે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરવાની સાથે ઘાયલોની સારવારનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે દાવોસથી વિડિયો-મેસેજ દ્વારા કહ્યું હતું કે ‘જળગાવ પાસે થયેલી દુર્ઘટનામાં પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હોવાની ઘટના ખૂબ વેદનાદાયી છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારા સાથી-પ્રધાન ગિરીશ મહાજન તેમ જ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ઘટનાસ્થળે છે. જિલ્લા પ્રશાસન રેલવે સાથે કો-ઑર્ડિનેશન કરીને ઘાયલોને હૉસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યું છે. સંપૂર્ણ સ્થિતિ પર અમારી નજર છે.’