સમેતશિખરજીને ઇકો ટૂરિઝમ સ્પૉટ જાહેર કરાતાં આજે સકળ દિગમ્બર શ્વેતામ્બર જૈન સમાજ, ભારત તરફથી બંધની જાહેરાત : દેશભરના જૈન સમાજના લોકો તેમના વેપાર, દુકાનો અને ઑફિસો બંધ રાખશે : જોકે આ બંધમાં મુંબઈના જૈનો જોડાવાના નથી
સમેતશિખર બચાવોની હાકલ સાથે દેશભરના જૈનોનો આજે છે બંધ
મુંબઈ : ઝારખંડ સરકારે ગિરિડણ જિલ્લામાં આવેલા જૈનોના શાશ્વત તીર્થ શ્રી સમેતશિખરજીને ઇકો ટૂરિઝમ સ્પૉટ જાહેર કરતાં જૈન સમાજના ચારેય સમુદાયમાં નારાજગી પ્રવર્તી રહી છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે આજે સકળ દિગમ્બર શ્વેતામ્બર જૈન સમાજ-ભારત તરફથી બંધની જાહેરાત કરવામાં આવી છે. આજે દેશભરના જૈન સમાજના લોકો તેમના વેપાર, દુકાનો, ઑફિસોને બંધ રાખશે. જોકે આ બંધમાં મુંબઈના જૈનો જોડાવાના ન હોવાથી આ બંધની અસર મુંબઈમાં દેખાશે નહીં.
દિગમ્બર જૈન સમાજના આચાર્ય વિદ્યાસાગરજીએ આહવાન કર્યું છે કે આજે દેશભરમાં જ્યાં-જ્યાં રૅલી નીકળી ગઈ હોય, ધરણાં થઈ ગયાં હોય તો પણ એકસાથે પોતાના વેપારધંધા બંધ રાખીને મૂક રૅલીનું આયોજન કરીને કલેક્ટરો અને જિલ્લા અધિકારીઓને જઈને સમેતશિખરને ઝારખંડ સરકારે જે રીતે પર્યટન-સ્થળ જાહેર કર્યું છે એનો વિરોધ કરતાં આવેદનપત્રો આપે. આથી આજે દેશભરમાં દિગમ્બર જૈન સમાજ તેમના વેપારો બંધ રાખશે. આ આહવાન અંતર્ગત આજે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં બહુ મોટી મૂક રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં વિધાનસભ્યો અને પ્રધાનો પણ જોડાવાની શક્યતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો:ચંપલચોરીથી શરૂઆત કરી ને ઘરફોડીમાં પકડાઈ ગઈ
સમેતશિખરજી પાર્શ્વનાથ તીર્થ ઝારખંડ રાજ્યનો ઊંચો પર્વત છે. એ દિગમ્બર અને શ્વેતામ્બર બંને સંપ્રદાયો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ પર્વત પર જૈનોના ૨૪માંથી ૨૦ તીર્થંકરો ભગવંતો તેમના સાધુઓ સાથે મોક્ષે સિધાવ્યા હતા. આથી આ તીર્થ જૈન સમુદાય માટે પવિત્ર સ્થળ છે. જોકે જૈન સમુદાય માટે અત્યંત દુખની વાત છે કે ઝારખંડ સરકારે આ સ્થળને પર્યટન-સ્થળ તરીકે જાહેર કર્યું છે. આનાથી પ્રવાસીઓ આનંદ અને મનોરંજન માટે આ પવિત્ર સ્થળની મુલાકાત લઈ શકશે અને સ્થળની પવિત્રતાને ખલેલ પહોંચાડશે. આથી જૈન સમુદાયે સરકારને અપીલ કરી છે કે તે તાત્કાલિક એનો નિર્ણય પાછો ખેંચે અને આ તીર્થની પવિત્ર ભૂમિને પર્યાવરણ અને પ્રવાસીઓની ખલેલ ન પહોંચે એ સુનિશ્ચિત કરે. જૈન સમાજ અહિંસામાં માને છે અને દેશ અને રાષ્ટ્ર માટે હંમેશાં આ સમાજ યોગદાન આપતો રહે છે. તેઓ જીવો અને જીવવા દોના સિદ્ધાંતમાં માને છે. વિશ્વમાં તે એકમાત્ર ધર્મ છે જે અહિંસાને અનુસરે છે.
આ માહિતી આપતાં ભોપાલ દિગમ્બર જૈન સમાજના અગ્રણી રવીન્દ્ર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઝારખંડ સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે દેશનાં અનેક રાજ્યો અને શહેરોમાં દિગમ્બર જૈન સમાજ તરફથી જિલ્લા અધિકારીઓ અને કલેક્ટરની ઑફિસો પર રૅલી કાઢીને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યાં છે. જે-જે શહેરોમાં વિરોધ-પ્રદર્શન થયાં નથી ત્યાં આજે પ્રદર્શનો કરવામાં આવશે. જેમ કે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આજે બહુ મોટા પાયા પર પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના આઠ અને કૉન્ગ્રેસના એક વિધાનસભ્ય જોડાશે. તેમની સાથે મિનિસ્ટર પણ આ પ્રદર્શનમાં જોડાવાની સંભાવના છે. અમારા ચીફ મિનિસ્ટરે અમને આશ્વાસન આપ્યું છે કે સમેતશિખરના મુદ્દે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. અમારા દિગમ્બર જૈન સમાજના આચાર્ય વિદ્યાસાગરજીએ આહવાન કર્યું છે કે આજે દેશભરમાં જ્યાં-જ્યાં રૅલી નીકળી ગઈ હોય, ધરણાં થઈ ગયાં હોય તો પણ એકસાથે પોતાના વેપારધંધા બંધ રાખી મૂક રૅલીનું આયોજન કરીને કલેક્ટરો અથવા જિલ્લા અધિકારીઓને જઈને સમેતશિખરને ઝારખંડ સરકારે જે રીતે પર્યટન-સ્થળ જાહેર કર્યું છે એનો વિરોધ કરતાં આવેદનપત્રો આપે. આથી આજે દેશના મોટા ભાગનાં રાજ્યો અને શહેરોમાં દિગમ્બર જૈન સમાજના લોકો તેમના વેપારધંધા બંધ રાખીને સમેતશિખરને બચાવવા માટે રોડ પર ઊતરશે. ભોપાલમાં આજે સંપૂર્ણ બંધનું આયોજન કરવામાં આવ્યું છે.’