જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબની હાકલ, આપણી અને દેશની સુરક્ષાની ગૅરન્ટી લેવા તૈયાર હોય એવા ઉમેદવારને તમારો વોટ આપજો
જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબની હાકલ
આપણી સુરક્ષાની ગૅરન્ટી કોણ આપે છે? જેના હાથમાં આપણે પાંચ વર્ષનું શાસન સોંપી રહ્યા છીએ તે આપણા શીલની, આપણા સદાચારની, આપણા સંસ્કારની, આપણી વિરાસતની, આપણા મંદિરની, આપણા સંતોની સુરક્ષા કરવા સક્ષમ છે કે નહીં? જે નેતા એના માટે સક્ષમ હોય તેને મત આપવો જોઈએ.
આ શબ્દો છે પદ્મભૂષણ જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબના. બુધવાર ૨૦ નવેમ્બરે મહારાષ્ટ્ર અને મુંબઈમાં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોને વોટ આપવો એના પર પોતાના વિચારો વ્યક્ત કરતાં અને સમાજને અપીલ કરતાં રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘આજે બહુ મોટી ચૅલેન્જ દેશ સામે આવી છે, મુખ્યત્વે મહારાષ્ટ્ર માટે કે આ ચૂંટણીમાં કોને અગ્રતા આપવી. આ સમયે હું પોતે વિચારું છું કે આપણી સુરક્ષાની ગૅરન્ટી કોણ લેવા તૈયાર છે. આપણે લાગણીશીલ બનીને કે કોઈના તનાવ કે દબાવમાં આવીને મત આપી શકીએ નહીં. આપણામાં બે વાતો લખેલી છે કે બાપ-દીકરા માટે, ગુરુ-શિષ્ય માટે, શિક્ષક-વિદ્યાર્થી માટે અને નેતા-પ્રજા માટે બે કામ કરવાં જોઈએ. એક યોગ છે અને બીજું છે ક્ષેમ. જે સારું આપે એ યોગ છે અને જે ખરાબ કામોથી સુરક્ષિત કરે એ ક્ષેમ છે. જે નેતા સારો હોય છે એ પ્રજાજનને સારામાં સારી સુવિધાઓ આપે છે, પણ એ ક્ષેમ એટલે કે સુરક્ષા આપવાની ગૅરન્ટી આપતો નથી. બીજો સુવિધાઓ ઓછી આપે છે, પણ સુરક્ષા આપવાની ગૅરન્ટી આપે છે. જે નેતા દેશ પ્રત્યે વફાદારી અને પ્રજાને સુરક્ષા આપવાની ગૅરન્ટી લેતો હોય તેના જ હાથમાં શાસન સોંપવું જોઈએ. જે નેતા આની ગૅરન્ટી લેતો નથી તેને વોટ આપવાનું પાપ ક્યારેય પણ કરવું ન જોઈએ. તે લાખો લોકો સાથે વિશ્વાસઘાત કરે છે. તમે શાકભાજી લેવા જાઓ ત્યારે સારી ગુણવત્તા જોઈને ખરીદી કરો છો. તો જે પાંચ વર્ષ સુધી દેશનું શાસન સંભાળવાનો છે એ આપણી મા, બહેન, બેટીની સુરક્ષા કરશે કે નહીં, તે દેશની સુરક્ષાની જવાબદારી લેવા તૈયાર છે કે નહીં, તે મંદિરો અને સાધુસંતોની સુરક્ષાની ગૅરન્ટી આપે છે કે નહીં, તે આપણા સંસ્કારની સુરક્ષા કરશે કે નહીં એની તપાસ કરવી જોઈએ. તમે કોને વોટ આપો એ કહેવાની જરૂર નથી, પણ આટલી તપાસ કરીને વોટ આપશો એ હું જરૂર કહીશ.’