Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૈનોએ આપી સરકારને ધમકી

જૈનોએ આપી સરકારને ધમકી

Published : 03 January, 2023 08:56 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

વિશ્વ જૈન સંગઠને કહ્યું કે અમારી આસ્થા અને આત્મા સમાન તીર્થો સાથે ખિલવાડ ન કરો, ચેતી જાઓ, નહીંતર તમને આનો જવાબ અમે ૨૦૨૪માં આપીને રહીશું

ગઈ કાલે ભિવંડીમાં જૈનોએ કાઢેલી રૅલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

ગઈ કાલે ભિવંડીમાં જૈનોએ કાઢેલી રૅલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા


અત્યારની કેન્દ્ર સરકાર એક વાતની નોંધ લઈ લે કે જો તમે જૈનોનાં તીર્થો ઝારખંડમાં આવેલા સમેતશિખરજી તીર્થ અને ગુજરાતના ભાવનગર પાસે આવેલા શત્રુંજય તીર્થ સંબંધી અમારી માગણીઓની ઉપેક્ષા કરશે તો એનો જવાબ અમે ૨૦૨૪ની ચૂંટણીમાં તમને આપીશું. આ બન્ને તીર્થો અમારી ફક્ત આસ્થા નથી, અમારો આત્મા પણ છે. જે રાજકીય પક્ષ અમારા આત્મા અને આસ્થા સાથે રહેશે, સમગ્ર જૈન સમાજ એ રાજકીય પક્ષની સાથે જ રહેશે. અમારા આ નિર્ણયમાં કોઈ શંકા નથી. આવી ચીમકી વિશ્વ જૈન સંગઠન તરફથી સરકારને આપવામાં આવી છે.


આ બન્ને તીર્થોની રક્ષાની માગણી કરવા માટે આવતી કાલે વિશ્વ જૈન સંગઠન તરફથી ‘ચાલો આઝાદ મેદાન’ની હાકલ કરીને મેટ્રોથી આઝાદ મેદાન સુધીની મહારૅલી અને આઝાદ મેદાનમાં વિરોધ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 



આસ્થા નહીં, અમારો આત્મા છે
વિશ્વ જૈન સંગઠન દ્વારા શ્રી સમેતશિખરજી તીર્થ અને શત્રુંજય તીર્થની રક્ષાર્થે આવતી કાલે ‘ચાલો જૈનો આઝાદ મેદાન’ની હાકલ કરવામાં આવી છે. આ સંગઠન કહે છે કે કેન્દ્ર સરકાર અમને ૨૦ ડિસેમ્બરનો રાજ્ય સરકારને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને જૈનોને ભરમાવવાની કોશિશ ન કરે કે ઝારખંડમાં આવેલા અમારા શ્રી સમેતશિખરજી જૈન તીર્થની સમસ્યાનું નિરાકરણ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના આ પત્રની સામે રાજ્ય સરકાર તરફથી કોઈ નવું નોટિફિકેશન બહાર પાડીને હજી સુધી જાહેર કર્યું નથી કે શ્રી સમેતશિખરજી તીર્થને પર્યટન-સ્થળને બદલે એક પવિત્ર તીર્થ તરીકે જાહેર કરવામાં આવે છે. આવી જાહેરાત જ્યાં સુધી ઝારખંડ સરકાર તરફથી નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને ન કરવામાં આવે ત્યાં સુધી જૈનો તરફથી દેશભરમાં રોજ આંદોલન ચાલુ જ રહેશે.
મુંબઈ, અમદાવાદ અને અનેક રાજ્યો તેમ જ શહેરોમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ જૈન સંગઠનો દ્વારા રૅલીનું આયોજન કરીને શ્રી સમેતશિખરજી તીર્થ અને ગુજરાતના ભાવનગર પાસે આવેલા શ્રી શત્રુંજય તીર્થની રક્ષાની માગણી કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની હિંસા કે તોડફોડ કર્યા વગર દેશભરમાં જૈન સમાજો લાખોની સંખ્યામાં રોડ પર ઊતરી આવ્યા છે. દિલ્હીમાં તો જૈન સમાજના લોકોએ અનશનની શરૂઆત પણ કરી દીધી છે. આ માહિતી આપતાં વિશ્વ જૈન સંગઠન (થાણે)ના અગ્રણી રાજેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક લઘુમતી કોમના લાખો લોકો તેમના તીર્થની રક્ષાની માગણી કરવા રોડ પર ઊતરી આવ્યા હોવા છતાં સરકારના પેટનું પાણી પર હલતું નથી. સરકાર અમારાં તીર્થોને અમારી આસ્થા સમજી રહી છે; પણ આ તીર્થો અમારી આસ્થા નહીં, અમારો આત્મા છે.’


વાયદા પર ભરોસો કેવી રીતે કરીએ?
અમે જો આજે શ્રી સમેતશિખરજી તીર્થ માટે સરકારના વાયદાઓનો ભરોસા કરીને બેસી જઈશું તો અમારા આ તીર્થની હાલત પણ ગિરિરાજ તીર્થ જેવી જ થઈ જશે, એમ જણાવતાં રાજેશ જૈને કહ્યું હતું કે ‘પર્યટન-સ્થળના નામે અસામાજિક તત્ત્વો અમારા તીર્થ પર કબજો કરીને બેસી જશે. આ તીર્થની પવિત્રતા અનેક વાર જોખમમાં મુકાઈ છે, પરંતુ એને પર્યટન-સ્થળ જાહેર કર્યા પછી તો જે પવિત્ર ડુંગર પર જૈનોના ૨૪માંથી ૨૦ તીર્થંકર ભગવંતો મોક્ષ ગયા છે એ જ ડુંગર પર ટૂરિસ્ટો અને સ્થાનિક રહેવાસીઓ આવીને માંસ અને મદિરાનું સેવન કરતા થઈ જશે. સમેતશિખરજી તીર્થ એક ધાર્મિક સ્થળ છે એને પર્યટન-સ્થળ કરવાથી માંસ-મદિરા જેવાં દૂષણો આ તીર્થમાં પ્રવેશ કરી જશે અને તીર્થની પવિત્રતા જોખમમાં મુકાઈ જશે. જેના પણ સરકાર નિયંત્રણ નહીં રાખી શકે. શિખરજી તીર્થને પર્યટન-સ્થળમાં પરિવર્તિત કરવાનો સરકારનો ફેંસલો જૈનોની લાગણી દૂભવી રહ્યો છે. આ તીર્થ સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. પર્યટન-સ્થળ પરિવર્તિત થવાથી એનો ગૌરવશાળી ઇતિહાસ પ્રભાવિત થશે. પર્યટન-સ્થળ જાહેર કરતાં પહેલાં જ અમુક સ્થાનિક લોકો આ તીર્થ પર માંસ-મદિરા, નૃત્ય અને અશ્લીલ ગીતો આદિથી પવિત્ર ભૂમિને અપવિત્ર બનાવી રહ્યા છે. પર્યટન-સ્થળ બનવાથી તો હોટેલો, મોટેલો, માંસ-મદિરાની દુકાનો, શિકાર, જુગાર, વેશ્યાવૃત્તિ, વ્યભિચાર વગેરે આવનારા સમયમાં પ્રચંડ બની શકે છે. જેનાથી પવિત્ર ભૂમિની પવિત્રતા સાવ જ નષ્ટ થઈ શકે છે. આથી જ અમે આ તીર્થને પર્યટન-સ્થળને બદલે પવિત્ર તીર્થક્ષેત્ર તરીકે જાહેર કરે એવી જોરદાર માગણી કરી રહ્યા છીએ.’

સરકારને શું નિવેદન કરવામાં આવ્યું છે 
વિશ્વ જૈન સંગઠન દ્વારા રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, પર્યટન પ્રધાન, ઝારખંડના ચીફ મિનિસ્ટર, ઝારખંડના પર્યટન પ્રધાન અને વનવિભાગના અધિકારીઓથી લઈને સંબંધિત બધા જ વિભાગોમાં મોકલવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે ઝારખંડ સરકારે ૨૦૧૯માં શ્રી સમેતશિખર તીર્થને અને પારસનાથ પહાડને વન્ય જીવ અભ્યારણ્યનો એક ભાગ ઘોષિત કરીને એને ઇકો-સેન્સિટિવ ઝોનને અંતર્ગત પર્યાવરણ, પર્યટન અને ગેરધાર્મિક પ્રવૃતિઓને અનુમતિ આપી હતી. એ સમયે આ બાબતની જૈન સમાજને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નહોતી. છેલ્લા કેટલાય મહિનાઓથી આ બાબતનો ખુલાસો કે સ્પષ્ટતા કરવામાં આવતી નથી. અમારી અનેક વિનંતી પછી પણ મનનું ધાર્યું કરીને સરકારે અમારી સાથે વિદ્રોહ કરવાથી અમારા સમાજમાં રોષ ફેલાયો છે. આ પર્વત પર હજારો લોકોની ભીડ જામે છે, પણ આ તીર્થની કે પર્વતની સુરક્ષાની સરકાર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ તીર્થ, જ્યાં અમે ચંપલનો ત્યાગ કરીને જઈએ છીએ ત્યાં અજૈનો ચંપલ પહેરીને આવે છે, બીભત્સ મનોરંજન કરે છે, અશ્લીલ હરકતો કરીને તીર્થની પવિત્રતાનું અપમાન કરે છે. આનાથી સમગ્ર જૈન સમાજની ધાર્મિક આસ્થાને ફક્ત ચોટ જ નથી પહોંચી; જનઆક્રોશ અને ભાવનાને ઠેસ પહોંચી છે. જૈનોના આ તીર્થ પર બે હજાર વર્ષમાં મોગલો કે બ્રિટિશરોએ આક્રમણ કર્યાં નથી. તેમણે પણ તીર્થ પરની આસ્થા અને પવિત્રતાને સન્માનિત કરી હતી. પર્યટન-સ્થળ થવાથી અનેક રીતે આ તીર્થ પર દૂષણોનાં આક્રમણો થતાં રહેશે. આથી આ તીર્થને પવિત્ર જૈન તીર્થ સ્થળ જાહેર કરવાની અમારી વિનંતી છે.


આવતી કાલે ચાલો આઝાદ મેદાન
રવિવાર પહેલી જાન્યુઆરીએ સમગ્ર શ્રી જૈન સંઘ સંગઠન દ્વારા શ્રી શંત્રુજય તીર્થ અને શ્રી સમેતશિખરજી તીર્થની રક્ષાની માગણી સાથે યોજાયેલી રૅલીમાં અંદાજે આબાલવૃદ્ધો સહિત પાંચ લાખ લોકો જોડાયા હતા. આ માહિતી આપતાં રાજેશ જૈને કહ્યું હતું કે ‘આ રૅલીમાં જૈનોના બધા જ સંપ્રદાયો શ્વેતામ્બર, સ્થાનકવાસી, દિગમ્બર અને તેરાપંથી જોડાયા હતા. આવતી કાલે ચાલો જૈનો આઝાદ મેદાનમાં પણ બધા જ સંપ્રદાયના લાખો લોકો હાજર રહીને આ બન્ને તીર્થોની રક્ષા માટેની તેમની માગણી સાથે આંદોલનની શરૂઆત કરશે. આવતી કાલે પહેલાં મેટ્રો સિનેમાથી ચારેય સંપ્રદાયના જૈનોની એક મૂક રૅલી આઝાદ મેદાન સુધી જશે અને ત્યાં સવારે નવ વાગ્યે આ રૅલી ધર્મસભામાં પરિવર્તિત થશે. આ વિરોધ સભામાં જોડાવા માટે અને તીર્થની રક્ષાની માગણી તીવ્ર કરવા માટે મુંબઈ અને મુંબઈની બહારથી જૈનો મોટી સંખ્યામાં તેમની રીતે વાહનો કરીને આઝાદ મેદાન પહોંચશે. જ્યાં જૈન આગેવાનો અને સાધુ-ભગવંતો જનમેદનીને સંબોધન કરશે.’

Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 08:56 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK