શ્રી સમેતશિખરજી તીર્થને પર્યટન-સ્થળ જાહેર કરવાના વિરોધમાં ગઈ કાલે મુંબઈમાં આઝાદ મેદાનમાં વિશ્વ જૈન સંગઠન દ્વારા યોજાયેલી સભામાં માગણી પૂરી નહીં કરવામાં આવે તો આગળની રણનીતિ શું હશે એની કરી જાહેરાત
જૈનોના પવિત્ર શ્રી સમેતશિખરજી તીર્થને બચાવવા ગઈ કાલે આઝાદ મેદાન સુધી કાઢવામાં આવેલી રૅલીમાં હજારોની સંખ્યામાં જૈનો જોડાયા હતા
જૈનોના પવિત્ર શ્રી સમેતશિખરજી તીર્થને પર્યટન-સ્થળ જાહેર કરવાના ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ કરવા ગઈ કાલે મુંબઈ અને મહારાષ્ટ્રના જૈન સમુદાયના સભ્યો દ્વારા એક વિશાળ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકના દાવા પ્રમાણે ગઈ કાલે રૅલીમાં એક લાખથી વધુ લોકો જોડાયા હતા. આ રૅલી મેટ્રો સિનેમાથી શરૂ થઈને આઝાદ મેદાનમાં પૂરી થઈ હતી. ત્યાં આ રૅલી વિરોધ સભામાં પરિવર્તિત થઈ હતી. આ વિરોધ સભામાં જૈનોએ કહ્યું હતું કે જો અમારી માગણી સંતોષવા નહીં આવે તો અમે મહારાષ્ટ્રમાં ભૂખહડતાળ શરૂ કરીશું. આ પહેલાં મંગળવારે ઝારખંડના શ્રી સમેતશિખરજી તીર્થના પારસનાથ પર્વતને પર્યટન-સ્થળ જાહેર કરવાના ઝારખંડ સરકારના વિરોધમાં અનિશ્ચિત સમય માટે ભૂખહડતાળ પર બેઠેલા દિગંબર જૈન સંત મુનિ સુગેયાસાગરજી મહારાજસાહેબનું રાજસ્થાનના જયપુરમાં અવસાન થયું હતું. આઝાદ મેદાનમાં હાજર રહેલા જૈન સાધુ આચાર્ય સુનીલસાગર મહારાજે જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે શ્રી મુનિ સુજ્ઞસાગરજી મહારાજે તીર્થધામની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. ગઈ કાલે બધા જ જૈન સમુદાયના અગ્રણી જૈન સાધુભગવંતો હાજર રહ્યા હતા.
બીજેપી પર પ્રહાર
વિશ્વ જૈન સંગઠન તરફથી ગઈ કાલે આયોજિત વિરોધ સભા પહેલાં મંગળવારે ઝારખંડ રાજ્યના પર્યટનપ્રધાન હફિઝુલ હસને એક પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટીને સાણસામાં લેતાં કહ્યું હતું કે ‘અમે પારસનાથ પહાડીઓની પવિત્રતા જાળવવા માટે હંમેશાં તૈયાર છીએ, પરંતુ ૨૦૧૯માં ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર હતી ત્યારે એણે સમેતશિખરજી તીર્થને કેન્દ્ર સરકારના માધ્યમથી પર્યટન-સ્થળ તરીકે જાહેર કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે જૈનો હવે અમારી સરકારના સમયમાં આ મુદ્દે અમારી સરકારનો વિરોધ કરી રહ્યા છે. જૈનો ચિતિંત છે કે સમેતશિખરજી તીર્થને પર્યટન-સ્થળ કરવાથી ટૂરિસ્ટો આ તીર્થમાં માંસ-મદિરાનો ઉપયોગ કરતા થઈ જશે, જ્યાં તેમના ૨૪ તીર્થંકરોમાંથી ૨૦ તીર્થંકરો મોક્ષમાં ગયા હતા. પારસનાથ હિલને પર્યટન-સ્થળ જાહેર કરવાની દરખાસ્ત રઘુબર દાસની આગેવાની હેઠળની અગાઉની બીજેપી સરકાર દ્વારા ૨૦૧૯માં લાવી હતી, જેના પછી કેન્દ્રએ આ વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન તરીકે સૂચિત કર્યો હતો. જો જરૂર પડશે તો અમે અગાઉની સૂચનાને રદ કરવા અથવા નવેસરથી જારી કરવાનું વિચારીશું. આ બાબતે ચીફ મિનિસ્ટર હેમંત સોરેન સાથે પરામર્શ કર્યા પછી અમે એને એક ધાર્મિક સ્થળ તરીકે જાહેર કરી શકીએ છીએ. અમે જૈન સમુદાયની લાગણીઓ અને માગણીઓનું સન્માન કરીએ છીએ. હમણાં અમારી પારસનાથ હિલ પર પર્યટન-સ્થળના પ્રોજેક્ટમાં આગળ વધવાની કોઈ તાત્કાલિક યોજના નથી.’
ADVERTISEMENT
તીર્થ નષ્ટ, તો ભારત પણ નષ્ટ
જો તીર્થ નષ્ટ થઈ જશે તો ભારત પણ નષ્ટ થઈ જશે એમ જણાવતાં જૈનાચાર્ય નયપદ્મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે રૅલીની જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘જૈનો શું કરી શકે છે અને શું કરી શકશે એની અત્યારે ચર્ચા કરવી નથી. અમારા દિલમાં તીર્થો પ્રત્યેની જે આસ્થા છે એનું પ્રતીક આજની રૅલી છે. જૈનો આજે તેમની ભાવના અને શ્રદ્ધા દર્શાવવા માટે સડક પર ઊતરી આવ્યા છે. અમારાં બંને તીર્થોને અપવિત્ર બનાવવાનું, નામશેષ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે આજે જૈન સમાજ રોડ પર ઊતરી આવ્યો છે. મને નરેન્દ્ર મોદી પર ભરોસો છે કે તેઓ જૈનોને ન્યાય અપાવીને રહેશે. જૈનોએ રામની જન્મભૂમિમાં પણ તન, મન અને ધનથી યોગદાન આપ્યું છે. શહીદ થવાનો અત્યારે આપણો સમય નથી. અત્યારે જેઓ તીર્થોને અપવિત્ર કરી રહ્યા છે તેમનો શહીદ થવાનો સમય છે. આથી દિગંબર આચાર્ય પ્રમાણસાગરજી મહારાજસાહેબ અનશન પર ઊતરવાનું અત્યારે મુલતવી રાખે. આજે શાસનને સાધકોની જરૂર છે.’