ગઈ કાલે વહેલી સવારે ડહેલાવાલા સમુદાયનાં સાધ્વીજી અને વિહાર સેવિકાને કર્જતમાં એક ટેમ્પોએ એટલી જોરદાર ટક્કર મારી કે બન્નેએ જગ્યા પર જ પ્રાણ ત્યાગી દીધા હતા. ઍક્સિડન્ટ એટલો ભયંકર હતો કે પૂજ્ય સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબનું તો માથું છૂંદાઈ ગયુ
પૂજ્ય સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ અને વિહાર સેવિકા લતા ઓસવાલ.
ધર્માવિજયજી મહારાજસાહેબ ડહેલાવાલાના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમપૂજ્ય વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજાનાં આજ્ઞાનુવર્તી પૂજ્ય સાધ્વી ચારિત્રપૂર્ણાશ્રીજીનાં શિષ્યા પૂજ્ય સાધ્વીજી મુક્તિપૂર્ણાશ્રીજીનાં શિષ્યા ૫૩ વર્ષનાં મૂળ રાજસ્થાનના માલવાડા ગામનાં પૂજ્ય સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ ગઈ કાલે સવારે કર્જતથી નેરળ તરફ વિહાર કરીને જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી તેમને અજાણ્યા આઇશર દૂધના ટેમ્પોએ ટક્કર મારીને તેમના માથા અને ગળાના ભાગને ટાયર નીચે કચડી નાખતાં સવારે ૫.૪૦ વાગ્યે ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યાં હતાં. તેમનો દીક્ષાપર્યાય ૩૦ વર્ષનો હતો. ટેમ્પોની ટક્કર એટલી બધી જોરદાર હતી કે આ અકસ્માતમાં તેમની સાથે વિહાર કરી રહેલાં કર્જતના વિહાર ગ્રુપનાં ૪૫ વર્ષનાં મૂળ રાજસ્થાનના હિંગવાડ ગામનાં લતા સંદીપ ઓસવાલને પણ માથામાં ગંભીર ઈજા થવાથી એ જ સમયે તેમની સાથે અવસાન પામ્યાં હતાં. તેમની સાથે વિહાર કરી રહેલાં બીજા કર્જતના વિહાર ગ્રુપનાં જ ૫૦ વર્ષનાં મૂળ રાજસ્થાનના ફતાપુરા ગામનાં દિવાળીબહેન સંજય ઓસવાલને માથામાં અને નાના મગજ પર ગંભીર ઈજા થવાથી પનવેલની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. ત્યાં તેઓ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. આ બનાવથી રાજસ્થાન ઓસવાળ જૈન સમાજ સહિત સમગ્ર જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. એટલું જ નહીં, આ દુર્ઘટનાથી શોકગ્રસ્ત અને ગુસ્સે ભરાયેલા કર્જતના રહેવાસીઓએ ગઈ કાલે સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. કર્જત પોલીસે સાંજના ચાર વાગ્યે ડ્રાઇવર રામશંકર છોટેલાલ સેનની ધરપકડ કર્યા બાદ જ સાંજે પાંચ વાગ્યે સાધ્વીજીના કર્જતમાં જ કર્જત જૈન સંઘના નેજા હેઠળ સેંકડો અનુયાયીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ધરપકડ પહેલાં પોલીસે નવી મુંબઈના તુર્ભેમાંથી આઇશર ટેમ્પો જપ્ત કર્યો હતો. જિનશાસનના ઇતિહાસમાં કદાચ પ્રથમ વાર અકસ્માતમાં સાધ્વીજીનો ગળા અને માથાનો ભાગ સાવ જ છૂંદાઈ ગયો હોવાથી ચહેરાના ભાગની જગ્યાએ સાધ્વીજીનો ફોટો મૂકીને તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.