માત્ર જૈનો જ નહીં, તમામ જ્ઞાતિના વેપારીઓ આવે છે જૈનોનું આકરું તપ કરવા
એકસાથે આ રીતે ૫૦૦ લોકો સાથે બેસીને આયંબિલ કરે છે.
ઘી, તેલ, દૂધ, દહી, શાકભાજી વગેરે વિનાની સ્વાદમાં રસહીન કહેવાય એવી વાનગીઓ એક ટાઇમ ભોજનમાં ખાઈ શકાય - જૈનોના આ તપને આયંબિલ કહેવાય. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા દેશના સૌથી મોટા ડાયમન્ડ માર્કેટ ભારત ડાયમન્ડ બુર્સના ૧૫૦૦થી વધુ વેપારીઓ નવ દિવસની આયંબિલની ઓળીનું તપ કરી રહ્યા છે જેનો આજે સાતમો દિવસ છે. આંખો અંજાવે એવી આયંબિલની ઓળીની વ્યવસ્થા વેપારસ્થાને કઈ રીતે ઊભી થઈ અને કેવું કમાલનું ટ્રાન્સફૉર્મેશન આ પ્રથાથી આવ્યું છે એની રોમાંચક વાતો જાણીએ
સ્વાદ વિજય ઉત્સવ તરીકે આજકાલ જૈનોના અનોખા તપ આયંબિલને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. આયંબિલ વિશે વધુ વાત કરતાં પહેલાં આયંબિલ શું છે એ સમજી લઈએ. આયંબિલ એટલે એવું તપ જેમાં દિવસમાં એક જ વાર એક સ્થાન પર બેસીને ભોજન લેવાનું. સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે માત્ર ઉકાળીને ઠારેલું પાણી જ પી શકાય અને ભોજન પણ સ્વાદ વિનાનું. એવું ભોજન જેમાં દૂધ, તેલ, ઘી, દહીં, ફળ, શાકભાજી વગેરે ન હોય. ડ્રાયફ્રૂટ્સ, ગોળ, સાકર વગેરેની મીઠાઈઓ ન હોય તથા તેલમાં બનેલાં ફરસાણ પણ ન હોય. દાળ-શાક જુઓ તો તેલ-મસાલા નહીં પણ માત્ર મીઠું અને કાળાં મરીવાળાં હોય. મીઠું નાખેલા પાણીમાં બાફેલું અનાજ, પાણી અને મીઠાના ઉપયોગ સાથે બાંધેલા લોટથી બનેલી રોટલી, સૂકા ચણા, વટાણા, ધાણી, મમરા જેવી આઇટમોથી એક ટંક ભોજન કરવાનું હોય.
ADVERTISEMENT
મૂળ વાત એ છે કે આવી સ્પેશ્યલ રસોઈની વ્યવસ્થા એક વેપારના સ્થાને ઉપલબ્ધ કરવામાં આવી છે અને સેંકડો વેપારીઓ નાત-જાતના ભેદ ભૂલીને આ તપશ્ચર્યા કરી રહ્યાં છે એ તાજ્જુબ જગાવે એવી વાત નથી? બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સમાં શરૂ કરવામાં આવેલી આ પરંપરા પાછળની મજેદાર વાતો આજે જાણીએ.
વર્ષમાં બે વાર થાય
નવરાત્રિની જેમ આસો અને ચૈત્ર મહિનામાં નવ દિવસની નવપદજીની આયંબિલની ઓળી આવતી હોય છે. જૈન શાસ્ત્રોમાં કેટલીક બાબતોને શાશ્વત કૅટેગરીમાં મૂકવામાં આવી છે. એવી બાબતો જેનો ક્યારેય નાશ નથી થવાનો. નવકાર મહામંત્ર, શત્રુંજય ગિરિરાજની જેમ નવપદજીની ઓળી શાશ્વત છે. લગભગ ૨૦૧૧માં ભારત ડાયમન્ડ બુર્સ ઑપરેશનલ થયું. ૨૦૧૪ની વાત કરતાં નવપદજીની ઓળીની શરૂઆત વિશે વાત કરતાં એક કાર્યકર્તા કહે છે, ‘લગભગ દસેક વર્ષ પહેલાં આયંબિલની ઓળીની અહીં શરૂઆત થઈ એ પહેલાં સુધી ડાયમન્ડ બુર્સમાંથી લગભગ ત્રીસ-ચાલીસ વેપારીઓ આયંબિલ કરવા માટે સ્પેશ્યલી કુર્લા જતા. સંખ્યા હતી એટલે અમને થયું કે અહીં જ ઓળીમાં એક વ્યવસ્થા ઊભી કરીએ તો? એ સમયથી ખૂબ બધા સેવાભાવી કાર્યકર્તાઓ જોડાયા. પોતાનો વેપારધંધો બાજુ પર રાખીને આજ સુધી એવા કેટલાક કાર્યકર્તાઓ છે જે આયંબિલની ઓળીમાં ખડેપગે ઊભા રહીને બધી જ વ્યસ્થાઓ જુએ છે. શરૂઆત નાના પાયે થઈ હતી પણ પછી ધીમે-ધીમે સંખ્યા વધતી ગઈ એટલે વ્યવસ્થા પણ વધારતા ગયા. વાસણો, આયંબિલની રસોઈ માટે જોઈતાં સંસાધનો આવતાં ગયાં. ક્યારેય ફન્ડની કમી નથી પડી. લોકો પૈસા લખાવવા માટે પડાપડી કરતા. અમારા બધાનું એ જ ધ્યેય હતું કે લોકોની આરાધના થાય અને આયંબિલના તપથી જે સામૂહિક પુણ્ય ઉપાર્જિત થયું એનાથી જ અમે બધા આજ સુધી ટકી રહ્યા છીએ.’
સતત ઉમેરાતા લોકો
પચીસ-ત્રીસ લોકોની નવપદની ઓળીથી જે યાત્રા શરૂ થઈ હતી એમાં હવે સોળસો જેટલા લોકો જોડાયા છે. કોઈ પણ જાતની અપેક્ષા વિના અબજોનો વેપાર ધરાવતા હીરાના વેપારીઓ નિઃસ્વાર્થ સેવા આપે છે પરંતુ ક્યાંય પોતાનું નામ ન આવે એનો પણ આગ્રહ રાખે છે. આયંબિલનું આ કાર્ય અટકે નહીં એ માટે હીરાબજારના ઘણા વડીલો તન, મન અને ધનથી યુવા કાર્યકર્તાઓનું પીઠબળ બનીને ઊભા છે. આ સંદર્ભે ધાનેરા ડાયમન્ડના વિનોદ અજબાણી ‘મિડ-ડે’ને કહે છે, ‘આ યુવાનો એવી નિષ્ઠાથી કામ કરે છે અને એવા-એવા લોકોને આયંબિલની ઓળી કરતા જોયા છે કે તેમનાથી પ્રેરણા લઈને આ વખતે મેં પણ પહેલી વાર આખી ઓળી એટલે કે નવેનવ દિવસ આયંબિલ કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી દર ઓળીમાં એકાદ-બે આયંબિલ કરતો. સવારે
અગિયારથી લઈને સાડાત્રણ વાગ્યા સુધી અહીં આયંબિલ ચાલતાં હોય છે અને એ પણ ચોખ્ખાઈ, ડિસિપ્લિન અને જયણા સાથે. ઇન ફૅક્ટ, તમને નવાઈ લાગશે પણ એકસાથે પંગતમાં ૫૦૦ લોકો બેસીને આયંબિલ કરતા હોય છે અને તેમને પીરસનારા તમામ પણ આપણા જ સાધર્મિક ભાઈઓ હોય. કેટલાક તો એવા લોકો છે જે હવે ધંધો નથી કરતા અને બાકીના દિવસોમાં માર્કેટ ન આવે પરંતુ સ્પેશ્યલી આયંબિલ કરવા માટે ભારત ડાયમન્ડ બુર્સમાં આવે. બીજી મહત્ત્વની વાત અહીં એક તિથિ-બેતિથિ, ત્રણ થોય ચાર થોય, સ્થાનકવાસી, દિગમ્બર જેવા કોઈ ભેદ નથી. જૈન ધર્મની અદ્ભુત એકતા તમને અમારા હીરાબજારમાં જોવા મળશે.’
જે પ્રકારનું વાતાવરણ મળે એ મુજબ નવી પેઢી ઘડાતી હોય છે. ભારત ડાયમન્ડ બુર્સમાં આયંબિલની પરંપરાએ અહીં આવી રહેલી નવી પેઢીમાં સંસ્કારસિંચનનું અનેરું કાર્ય કર્યું છે એમ જણાવીને ભારત ડાયમન્ડ બુર્સના કિરીટ ભણસાલી કહે છે, ‘અહીંના યુવાનો અને અમારા જ કેટલાક વડીલોએ જે પરંપરા શરૂ કરી છે એણે અહીં આવતા વર્ગ માટે સંસ્કાર અને સંસ્કૃતિનું અનેરું વાતાવરણ પૂરું પાડ્યું છે. યુવાવર્ગ ખૂબ જ ભાવપૂર્વક આમાં જોડાય છે. યુવા કાર્યકર્તાઓની ભક્તિ જે હોય છે એ પણ કાબિલેદાદ હોય છે.’
આઇટમોની ભરમાર
લગભગ પાંત્રીસથી ૪૦ આઇટમો દરરોજ આયંબિલ માટે બનતી હોય છે અને એના માટે જીવદયાનું સંપૂર્ણ ધ્યાન રખાતું હોય છે. ઘઉંની રોટલી, બાજરીનો રોટલો, જુવારનો રોટલો, ચણાની રોટલી, પાપડ-મેથીનું શાક, બેસનમાંથી બનેલું શાક, ગાંઠિયાનું શાક આમ રોટલી-રોટલા-શાકના આટલા પ્રકાર હોય. ચણા, મગ, અડદ, તુવેર જેવી દાળ હોય. મગ, મગનું પાણી, હિંગ-મરીનો ઉકાળો, ઘઉંની રાબ, નાચણીની રાબ, દાળનું પાણી, કરિયાતું, ભાતનું ઓસામણ જેવી આઇટમો હોય. ખીચડી, ઘઉં-ચોખાનું ખીચું, ભાત, ઘઉંની થૂલી જેવી વાનગીઓ હોય. અને ફરસાણમાં પાણીપૂરી, રગડા-પૅટીસ, ઢોસો, કચોરી, ફાફડા, જલેબી, ચકરી, રસમ વડાં, લોચો, ખાંડવી, દાળ-પકવાન, ઇડલી-સંભાર, પીત્ઝા જેવી ઢગલાબંધ ડિશ હોય. મજાની વાત એ છે કે આ બધી જ આઇટમોમાં દૂર-દૂર સુધી ક્યાંય તેલ, ઘી, મરચું, હળદર, ધાણા, ગરમ મસાલો, શાકભાજી વગેરેનો ઉપયોગ ન થયો હોય.
બારેય માસ ચાલે છે ચૌવિહાર હાઉસ અને આયંબિલ શાળા
નવ દિવસ આયંબિલની ઓળીની વ્યવસ્થા ઉપરાંત છેલ્લાં ત્રીસ વર્ષથી ચૌવિહાર હાઉસ પણ ચાલે છે. ઑપેરા હાઉસમાં જ્યારે ડાયમન્ડ માર્કેટ હતી ત્યારથી જ પરમ પૂજ્ય આચાર્યસમ પન્યાસ પ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબની પ્રેરણાથી શરૂ થયેલા વર્ધમાન સંસ્કારધામના નેજા હેઠળ આ ચોવિહાર હાઉસની શરૂઆત થઈ હતી. ભારત ડાયમન્ડ બુર્સમાં ચાતુર્માસના દિવસોમાં દરરોજના પંદરસોથી વધુ વેપારીઓ અહીં ચૌવિહાર કરે છે. ઘણા વડીલો ચૌવિહાર હાઉસની આખી વ્યવસ્થાનું ધ્યાન નિઃસ્વાર્થપણે રાખી રહ્યા છે. બપોરનું ભોજન, સાંજના ચૌવિહાર અને ઓળી સિવાયના દિવસોમાં પણ આયંબિલ કરતા લોકોની સંખ્યા કાબિલેદાદ હોય છે. ઍવરેજ દરરોજ અઢીસો જેટલાં આયંબિલ વગર ઓળીએ અહીં થતાં હોય છે એમ જણાવીને ચૌવિહાર હાઉસના અગ્રણી કાર્યકર્તાઓ પોતાનું નામ નહીં આપવાની શરતે કહે છે, ‘એકાસણા અને વર્ષીતપના બીજા બિયાસણાની નિઃશુલ્ક વ્યવસ્થા અહીં કરી છે. એ સિવાય પણ નજીવા દરે શુદ્ધ સાત્ત્વિક ભોજન કરાવીએ અને જે પણ છેલ્લે ભોજન વધે એનો પણ વેડફાટ ન થાય એ આશયથી આસપાસ રહેતા જરૂરિયાતમંદમાં દરરોજ એની વહેંચણી કરીએ. આખા વર્ષ દરમ્યાન ચૌવિહાર હાઉસ સાથે ચાલતા કાયમી આયંબિલ ખાતામાં પણ લગભગ ૧૮ હજાર લોકો આયંબિલ અને ૧૬ હજાર જેટલા લોકો એકાસણા કરતા હોય છે. બીજી મહત્ત્વની વાત એ કે અહીં એક તિથિ-બે તિથિ બન્નેને માન આપવામાં આવે છે. જૈનોમાં ચૌદશના દિવસે લીલોતરી ન બને તો ધારો કે એક દિવસે એક તિથિવાળાની ચૌદશ હોય અને બીજા દિવસે બે તિથિવાળાની તો બન્ને દિવસે લીલી શાકભાજીને બદલે સૂકાં શાક જ બને. અને દરેક જ્ઞાતિના લોકો આવીને સામેથી પૈસા લખાવી જાય. આજ સુધી અમારા એકેય કાર્યમાં પૈસાની ખેંચ પડી નથી. ઊંધું અમારે ના પાડવી પડે.’
એક આયંબિલ ઓળી કરવાનો નિયમ લીધો છે લક્ષ્મી ડાયમન્ડ્સના અશોક ગજેરાએ
ભારતીય હીરાઉદ્યોગની ખૂબ જ જૂની-જાણીતી હીરાની કંપની લક્ષ્મી ડાયમન્ડ્સના અશોક ગજેરા છેલ્લાં સાતેક વર્ષથી દર આયંબિલની ઓળીમાં એકથી બે આયંબિલ અચૂક કરે. આયંબિલનો આહાર સ્વાદહીન જ હોય છે એમાં શંકા નથી, પરંતુ જેમ-જેમ તમે કરતા જાઓ એમ-એમ એનો પણ ટેસ્ટ ડેવલપ થતો જાય એમ જણાવીને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા અશોક ગજેરા ‘મિડ-ડે’ને કહે છે, ‘સામાન્ય રીતે અમારે ત્યાં ઉપવાસમાં તો ફ્રૂટ-ડ્રાયફ્રૂટ, જૂસ, મિલ્કશેક જેવું ઘણું અને જ્યારે ઇચ્છા થાય ત્યારે ખાઈ-પી શકાય, એટલે સો ટકા એની તુલનાએ તો આયંબિલ ઘણું જ આકરું તપ છે; પરંતુ સાચું કહું તો શરીરને અને મનને પડકારવા માટે આ અદ્ભુત અખતરો કહી શકાય. મારા કેસમાં તો એવું છે કે મારી દીકરી જૈન પરિવારમાં પરણી છે અને મારા ઘરે પરણીને વહુસ્વરૂપે જે દીકરી આવી છે એ પણ જૈન કુટુંબની છે. એટલે મારા વેવાઈ અને મારા મિત્રો એમ આસપાસ બધા જ જૈનો છે એટલે સહજ રીતે પહેલી વાર આયંબિલ કર્યું. આકરું તો પડ્યું હતું પણ બધા જ વિધિવિધાન સાથે કર્યું અને એ પછી નિયમ બનાવ્યો કે વર્ષમાં બે વાર ઓળી આવતી હોય તો નવ દિવસમાંથી મિનિમમ એક દિવસ તો આયંબિલ કરવું જ. મોટા ભાગે આયંબિલમાં મગ, મગનું પાણી, ચણા વગેરે વાપરું અને એ સિવાય પણ દુનિયાભરની આઇટમો હોય કે માત્ર ચાખો તો પણ પેટ ભરાઈ જાય.’ અહીં ઉલ્લેખનીય છે કે દર શુક્રવારે વાલકેશ્વરના મોટા જૈન દેરાસરમાં દર્શન માટે જનારા અશોકભાઈ વર્ષે એક વાર જૈન તીર્થ શંખેશ્વરની જાત્રા પણ અચૂક કરે જ છે.
આ પટેલભાઈઓ સાથે પરિવાર પણ આયંબિલ કરતો થઈ ગયો છે હવે
ભારત ડાયમન્ડ બુર્સમાં યોજાતી આયંબિલની ઓળીને છેલ્લાં ત્રણ વર્ષથી કરી રહેલા અને અત્યાર સુધી છ ઓળી કરી ચૂકેલા જગદીશ પટેલ અને જગદીશ માંગુકિયાની આ સાતમી આયંબિલની ઓળી છે. ઓળીના નવેનવ દિવસ આયંબિલ કરવાના. રવિવારના દિવસે માર્કેટ બંધ હોય તો તેઓ ઘાટકોપરમાં પોતાના ઘરની પાસે આવેલા નવરોજી લેન જૈન સંઘમાં આયંબિલ કરવા ગયા હતા. આયંબિલના ભોજનમાં સૌથી ફેવરિટ દાળઢોકળી અને ખાંડવી છે એમ જણાવીને જગદીશ પટેલ કહે છે, ‘રવિવારે મારી સાથે મારી વાઇફે પણ આયંબિલ કર્યું હતું. હવે તો પરિવાર પણ જોડાઈ ગયો છે. આયંબિલનું ભોજન નવ દિવસ કરો તો શરીરમાં એક જુદા જ સ્તરનો બદલાવ અમે જોયો છે. બૉડી ડીટૉક્સ થાય અને મન પણ સત્ત્વશાળી બને એ અમારો પોતાનો અનુભવ છે. એવું નહીં કે આયંબિલ કરીએ પછી બીજા નિયમો નહીં પાળવાના. ઉકાળેલું ગરમ પાણી નવકાર ગણીને પીવાનું, સૂર્યાસ્ત પછી પાણી નહીં પીવાનું જેવા એની સાથે સંકળાયેલા તમામ નિયમો પાળવાના. બીજે દિવસે સૂર્યોદય થાય અને નવકારશી આવે પછી જ પાણી પીવાનું એ પણ ફૉલો કરીએ.’
પ્રતિક્રમણ પણ થાય
ઓળીમાં નવ દિવસ દરમ્યાન અહીં પ્રતિક્રમણની પણ વ્યવસ્થા છેલ્લાં કેટલાંક વર્ષોથી કરવામાં આવી છે. દિવસના અંતે પાપના પ્રાયશ્ચિત્ત માટે જૈન પરંપરામાં સર્જાયેલી પ્રતિક્રમણ નામની ક્રિયાથી આજના યંગસ્ટર્સ વંચિત ન રહી જાય એ માટે લગભગ દોઢસો લોકો નિયમિત પ્રતિક્રમણ કરે છે.

