Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે સંઘસ્થવીરોના સન્માન સાથે વિલે પાર્લેમાં જૈન એકતાનો અખંડ નાદ ગુંજશે

બે સંઘસ્થવીરોના સન્માન સાથે વિલે પાર્લેમાં જૈન એકતાનો અખંડ નાદ ગુંજશે

Published : 23 September, 2022 09:43 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

યોગપુરુષ આચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાની ૬૨મી પુણ્યતિથિ ને સર્વોચ્ચ દીક્ષાપર્યાયવાળા ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવ શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજાના ૧૦૨મા જન્મદિવસ નિમિત્તે થશે ઉજવણી

યોગપુરુષ આચાર્ય વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા અને યુગપુરુષ દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજા

યોગપુરુષ આચાર્ય વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા અને યુગપુરુષ દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજા


મુંબઈના વિર્લે પાર્લે-વેસ્ટના ધનજી ગ્રાઉન્ડમાં આવતી કાલનો દિવસ જિન શાસનના ગૌરવશાળી ઇતિહાસમાં વધુ ઝળહળશે. શ્રી વિર્લે પાર્લે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઍન્ડ ચૅરિટીઝ દ્વારા શ્રી અહિંસા સંઘ-મુંબઈના સહયોગથી ૪૦-૪૦ આચાર્ય ભગવંતો, ૫૦૦થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતો અને ૫૦૦ જૈન સંઘોની નિશ્રામાં ગચ્છભેદ અને સંપ્રદાયના ભેદ ભૂલીને જૈન એકતાનો અખંડ નાદ ગુંજી ઊઠશે. આ દિવસે સૌ સાથે મળીને એક જ દિવસે સ્વ. સંઘસ્થવિર વચનસિદ્ધ યોગપુરુષ આચાર્ય શ્રી વિજ્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા કે જેઓ બાપજી મહારાજ તરીકે પ્રખ્યાત છે તેમની ૬૨મી પુણ્યતિથિ અને વર્તમાન સંઘસ્થવિર જિનાગમસેવી, યુગપુરુષ સર્વોચ્ચ દીક્ષાપર્યાયવાળા ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજાના ૧૦૨મા જન્મદિવસ નિમિત્તે મહામહિમ સંઘસ્થવિર ઉત્સવ અંતર્ગત શ્રી સંઘ-સૌહાર્દ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગની બીજી વિશેષતા એ છે કે આ પ્રસંગે ગચ્છાધિપતિ દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજાને સાહિત્ય દિવાકર, રાજસ્થાન દીપક, અચલગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજા ‘આગમવાચસ્પતિ પદ’ અર્પણ કરશે. તેમની સાથે સમસ્ત અચલગચ્છ, ખરતરગચ્છ, ભારત જૈન મહામંડળ આદિ દ્વારા પૂજ્યશ્રીને વિવિધ પદોથી અલંકૃત કરવામાં આવશે.


શનિવારના કાર્યક્રમની માહિતી આપતાં શાસનપ્રભાવક આચાર્ય શ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મહામહિમ સંઘસ્થવિર ઉત્સવમાં જિન શાસનના પાંચ-પાંચ ગણનાયક સાંનિધ્ય પ્રદાન કરશે. એમાં તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા, અજાતશત્રુ ઉપગચ્છેશ પરમ પૂજ્ય આચાર્ય શ્રી નંદીવર્ધનસાગરસૂરીશ્વરજી મહારાજા, ભક્તિયોગાચાર્ય ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા અને શાસનપ્રભાવક ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય વિજ્ઞાનપ્રભસૂરીશ્વરજી મહારાજા હાજરી આપશે.



કાર્યક્રમની શરૂઆત સવારે ૭.૩૦ વાગ્યે શ્રી સંઘની નવકારશીથી શરૂ થશે એમ જણાવતાં શાસનપ્રભાવક આચાર્ય શ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘ત્યાર બાદ સવારે ૮.૩૦ વાગ્યે ૧૦૦૮ યુવાનો દ્વારા મહામહિમ સંઘસ્થવિર ગચ્છાધિપતિ દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજાને ગાર્ડ ઑફ ઑનર અને ૧૦૦૮ બહેનો દ્વારા શકુનદર્શન પશ્ચાત શોભાયાત્રા યોજવામાં આવશે. શોભાયાત્રા પછી સવારે ૯.૧૫ વાગ્યે ઐતિહાસિક સંઘસ્થવિર ઉત્સવનો પ્રારંભ થશે, જેમાં આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા અને સંઘસ્થવિર ગચ્છાધિપતિ દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજાના ગચ્છાધિપતિઓ અને આચાર્ય ભગવંતો ગુણાનુવાદ કરશે. આ સિવાય અનેક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે.


સંઘસ્થવિર એટલે કે જિનશાસનના વડીલ, શ્રી સંઘના વડીલ એ માહિતી આપતાં શાસનપ્રભાવક આચાર્ય શ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ કહ્યું હતું કે ‘સકળશ્રી સંઘનું યોગક્ષેમ કરતા, સકલશ્રી સંઘના પડખે પડછાયાની જેમ ઊભા રહેતા, સકલશ્રી સંઘને કટોકટીના સમયે પીઠબળ પૂરું પાડતા સંઘસ્થવિરો આશ્રિતગણ માટે આદર્શ છે, જે શાસનને ધબકતું રાખે છે અને શાસ્ત્રોનો બોધ આપે છે. સંઘસ્થવિર એવો ખોળો છે જ્યાં સકલ શ્રી સંઘને હૂંફ મળે છે. સંઘસ્થવિર એવો વડલો છે જ્યાં સકલ શ્રી સંઘને ઠંડક મળે છે. આવા જિન શાસનના બે સંઘસ્થવિરોના સન્માનમાં મહામહિમ સંઘસ્થવિર ઉત્સવ આવતી કાલે પાર્લામાં યોજાયો છે. આ ઉત્સવને અંતર્ગત સાધુ-સાધ્વીજી ભગવંતોની વાચનાનું મહત્ત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આંખોને વિકારથી મુક્ત કરી દે અને પાપોને અહોભાવથી મુક્ત કરી દે એવો ધન્ય નજારો આવતી કાલે ધનજી ગ્રાઉન્ડમાં સૌને જોવા મળશે. 

આચાર્ય દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની વિશેષતાઓ
વયપર્યાયની, શ્રુતપર્યાયની, સંયમપર્યાયની, અનુભવપર્યાયની અને ગુણપર્યાયની પરાકાષ્ઠા એટલે સંઘસ્થવિર પૂજ્ય આચાયદેવ શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજા. પૂજ્યશ્રી પટેલ કુળમાં જન્મ ધારણ કરી વૈરાજ્ઞવાસિત બની સાગરજી મહારાજાના હસ્તે દીક્ષા ગ્રહણ કરી વર્તમાનમાં સર્વાધિક ૮૪ વર્ષના દીક્ષા પર્યાયધારક છે. ૪૫-૪૫ અગામોના જ્ઞાતા પૂજ્યશ્રી ૯-૯ આગમમંદિરોના સર્જક અને ૩૫-૩૫ બારસા સૂત્ર મંદિરોના પ્રેરક છે. ૫૫થી વધુ જિનાલયોના પ્રતિષ્ઠાચાર્ય, ૬,૭૫,૦૦૦ સાધિક શ્લોકપ્રમાણ પંચાંગી આગમનું સર્વાધિક અધ્યયન કરનાર પૂજ્યશ્રીએ કલિકાળમાં ૧૧૯ કલ્યાણક ભૂમિઓની પગપાળા વિહાર દ્વારા યાત્રા કરી  ધર્મપ્રભાવના કરી છે. તપાગચ્છીય પ્રવર સમિતિના વરિષ્ઠતમ સભ્ય પૂજ્યશ્રી ૧૦૦૦થી વધુ શ્રમણ-શ્રમણી ગણના અધિનાયક છે. તપાગચ્છીય તમામ સમુદાય, અચલગચ્છ, ખરતરગચ્છ, પાયચંદગચ્છ, સૌધર્મ બૃહત્તપોગચ્છીય ત્રિસ્તુતિક સંઘ સમેત સ્થાનકવાસી, તેરાપંથી, દિગમ્બર એમ સમસ્ત જિન શાસન દ્વારા ‘સંઘસ્થવિર’ પદ સ્થાપિત યુગપુરુષ એટલે પૂજ્ય દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજા.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2022 09:43 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK