એકનાથ શિંદેએ આ મુદ્દે રસ લઈને શુક્રવારે એક પત્ર લખીને ડૉ. એસ. જયશંકરને અરિહાનાં માતા-પિતા ધારા અને ભાવેશ શાહને અપૉઇન્ટમેન્ટ આપવા માટે વિનંતી કરી
જર્મનીમાં ફસાયેલી અરિહાને મુક્તિ અપાવવા માટે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ ભારતના વિદેશ મંત્રાલયને લખેલો પત્ર
ભારતીય મૂળની જૈન અરિહા શાહને આ મહિનામાં આંતરરાષ્ટ્રીય અને બાળઅધિકારોનું ઉલ્લંઘન કરીને માતા-પિતાને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર જર્મનીના બર્લિનમાં આવેલા ફોસ્ટર ચાઇલ્ડ કૅર સેન્ટરમાંથી માનસિક રીતે અક્ષમ રહેતાં અનાથ બાળકોની સાથે રહેવા મોકલી દેવામાં આવી છે. અરિહાને વહેલી તકે જર્મન સરકાર અનાથ બાળકોના સેન્ટરમાંથી મુક્ત કરીને ભારત સરકારને સોંપી દે અને અરિહાને ન્યાય મળે એ માટે પહેલાં ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલે ભારત સરકાર અને વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરને વિનંતી કરી હતી અને હવે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ પણ આ મુદ્દામાં રસ લઈને શુક્રવારે એક પત્ર લખીને વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરને અરિહાની માતા ધારા અને પિતા ભાવેશ શાહને અપૉઇન્ટમેન્ટ આપવા માટે વિનંતી કરી છે. એકનાથ શિંદેએ તેમના પત્રમાં ડૉ. એસ.જયશંકરને વિનંતી કરીને કહ્યું છે કે અરિહાનાં માતા-પિતાને મળી આખા મામલાને સમજીને તેમને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરે.
આખો મામલો શું છે?
આ પહેલાં એપ્રિલ મહિનામાં સપ્ટેમ્બર ૨૦૨૧થી જર્મનના બર્લિનમાં આવેલા ફોસ્ટર ચાઇલ્ડ કૅર સેન્ટરમાં માતા-પિતાથી દૂર ઊછરી રહેલી ભારતીય મૂળની અરિહાને ભારત પાછી મોકલવી કે નહીં એનો નિર્ણય લેવાની સત્તા જર્મનના ચાઇલ્ડ કૅર સેન્ટર, બંને દેશોના વિદેશપ્રધાનો અને એમ્બેસીઓની છે જે માટે તેમણે તમામ પક્ષોની એક બેઠક કરીને નિર્ણય લેવો જોઈએ એવી સ્પષ્ટતા અરિહાનાં માતા-પિતા અને તેમના વકીલ સમક્ષ કરી હતી. જોકે જર્મન કોર્ટે અરિહાને તેની માતા ધારા અને તેના પિતા ભાવેશ શાહને પાછી સોંપવા બાબતનો ચુકાદો મે મહિના સુધી અનામત રાખ્યો હતો. આ પહેલાં આ ચુકાદો ૩૧ માર્ચે કોર્ટ આપવાની હતી.
ADVERTISEMENT
ધારા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી દીકરી ભારતીય નાગરિક છે, આપણા ગુજરાતની દીકરી છે. અરિહાને આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં ઉછેરવાનો સંવિધાનિક અધિકારી છે. અમે ભારતની આ દીકરીને જર્મનીમાંથી ભારતમાં લાવવા માટે ભારતીય એમ્બેસી અને વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ. આ માહિતી અને જાણકારી આપતો એક પત્ર ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખીને મોકલ્યો હતો. એમાં અમે તેમને જણાવ્યું હતું કે અરિહાને ભારત લાવવાની પ્રક્રિયા વિલંબિત થઈ રહી છે. આ સંજોગોમાં અરિહાને બચાવી લેવા માટે આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. આપશ્રીના હસ્તક્ષેપ વગર અરિહાને પાછી લાવવી હવે અશક્ય જણાઈ રહ્યું છે. આપશ્રી બંને હવે અમારા માટે આશાનું છેલ્લું કિરણ છો. એક માતા તરીકે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આપશ્રી બંને હસ્તક્ષેપ કરીને આ દેશની દીકરીને ખૂબ જલદી ભારતમાં ગુજરાતની ધરતી પર લાવી શકશો. અશ્રુભીની સંવેદના સાથે હું આપશ્રી બંનેને મારી દીકરીના દાદા બનીને અરિહાને નર્ક સમાન જર્મનીની ચાઇલ્ડ સર્વિસ પાસેથી છોડાવી લાવો એ માટે પ્રાર્થના કરું છું.’
એકનાથ શિંદેનો વિદેશ મંત્રાલયને પત્ર
અમને ખૂબ ખુશી થઈ છે કે ભૂપેન્દ્ર પટેલની જેમ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ પણ વિદેશ મંત્રાલયને પત્ર લખીને અરિહાના કેસમાં મધ્યસ્થી કરવા વિનંતી કરી છે એમ જણાવીને અરિહાના પિતા ભાવેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એકનાથ શિંદેએ તેમના પત્રમાં જયશંકરજીને કહ્યું છે કે પોતાની પુત્રી અરિહાને જર્મનીથી ભારત પાછી લાવવા તેનાં માતા-પિતા ઘણા લાંબા સમયથી લડી રહ્યાં છે. ગયા અઠવાડિયે તેનાં માતા-પિતા મને મળ્યાં હતાં અને આખા મામલાની સંપૂર્ણ જાણકારી મને આપી હતી. તેમની વાતો સાંભળ્યા પછી મને લાગે છે કે આ કેસ જેન્યુઇન છે. તમે ઑલરેડી એમાં રસ લીધો છે. આમ છતાં મારી તમને વિનંતી છે કે તમે ફરી જર્મન સરકાર સાથે અરિહાને ભારત પાછી મોકલવા માટે વાતચીત કરો. તેનાં માતા-પિતાના કહેવા પ્રમાણે જર્મનમાં અરિહા જેવા ઘણા ગંભીર કેસો છે. આથી મારી તમને વિનંતી છે કે તમે અરિહાનાં માતા-પિતાને એક વાર મળીને તેમની પાસેથી પૂરતી જાણકારી મેળવી લો. મને વિશ્વાસ છે કે તમે આ કેસમાં મધ્યસ્થી બનીને અરિહાનાં માતા-પિતાને ન્યાય અપાવશો.’