ત્રણ ડિગ્રી તપામાન ઘટતાં ઑક્ટોબર-હીટમાં રાહત મળી : ૧૪ ઑક્ટોબર સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા
ગઈ કાલે પડેલા વરસાદ સામે મુલુંડમાં ઘણા લોકો છત્રી સાથે સજ્જ હતા. (તસવીર : સૈયદ સમીર અબેદી)
મુંબઈમાં ગઈ કાલે સવારથી બપોર સુધી આકાશમાં કાળાંડિબાંગ વાદળો છવાયેલાં રહ્યાં હતાં જે બપોર બાદ વરસી પડતાં ઑક્ટોબર-હીટમાં રીતસરના શેકાઈ રહેલા મુંબઈગરાઓએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવામાનમાં અચાનક થયેલા ફેરફારને પગલે મુંબઈ અને આસપાસમાં અચાનક હવામાન બદલાયું હતું. ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યાથી રાતે ૮.૩૦ વાગ્યા સુધીના બાર કલાકમાં કોલાબામાં પાંચ મિલીમીટર અને સબર્બ્સમાં ૧૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આગામી ૧૪ ઑક્ટોબર સુધી મુંબઈ, પાલઘર અને થાણેમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ઑક્ટોબર મહિનાના પહેલા દિવસથી મુંબઈમાં ભારે ગરમીની સાથે ઊકળાટ શરૂ થયો હતો જેને લીધે મુંબઈગરાઓ પરેશાન થઈ ગયા હતા. ગઈ કાલે બપોર બાદ મુંબઈ, નવી મુંબઈ, થાણે, મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં હળવો વરસાદ શરૂ થયો હતો. આકાશ વાદળોથી છવાઈ જવાની સાથે વરસાદ પડવાથી તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેને લીધે ગરમીથી રાહત મળી હતી. મુંબઈમાં વરસાદને લીધે કોઈ સમસ્યા નહોતી થઈ; પણ થાણે, નવી મુંબઈ અને વિરારમાં કેટલીક જગ્યાએ સારોએવો વરસાદ પડવાથી નીચાણવાળા ભાગમાં થોડાં પાણી ભરાયાં હોવાનું જાણવા મળ્યું હતું.